એકાએક અખબારોમાં ગંધાવા લાગી
મરાઠાવાડ યુનિવર્સિટી ના કેમ્પસમાં
ભડકે બળતી લીલી લૉન
લૉનમાં વાવેલા લીલાછમ વિદ્યાના છોડવા તો
મૂળસોતા ફંગોળાયા આકાશે.
ને મરાઠાવાડનો ધુમાડો ઘુમરાતો ઘુમરાતો
છંછેડાયેલા ભમરાઓની જેમ પહોંચી ગયો મહારવાડે
આગિયાની જેમ પાંખાળી આગના તિખારા તો
ઊડ્યા ગરીબોનાં ઘાસિયાં ઘરોમાં.
ઝૂંપડે ઝૂંપડે સળગી હોળી.
ને ભૂંસાઈ ગયા ભૂલકાંઓના શામળા ચહેરા.
ફટાકડાની લૂમ ફૂટે એમ
ફટાફ્ટ ફૂટી ગયાં પેટ:
ફાટી પડ્યાં ઝાડ,તૂટી પડ્યાં ઘર.
એક એક બસ્તી બની ગઈ એક એક નાગાસાકી
કહેવાય છે કે
આ બધું થયું આંબેડકર જેવા એક અસ્પૃશ્ય ને
અપશુકનિયાળ નામથી.
એણે દલિતોને વિદ્યાની જડીબુટ્ટી સુંઘાડી દીધી હતી.
એણે સહદેવ જોષીઓની પાસેથી
સર્વજ્ઞાનના કાળજાની ચીર ચોરી ખાઈ લીધી હતી.
એટલે એના નામના પાળિયાને
મરાઠાવાડ યુનિવર્સિટીની કબર પર ક્રોસની જેમ ખોડવાનો હતો!
બસ,ત્યારે જ રાજ્યના ખંધા હોળેયાઓએ
કલાસ રૂમમાં કિલ્લોલતી હવાને પેટાવી
પ્રગટાવ્યો દાવાનળ.
રાજ્યના યુનિફોર્મ નિર્ણયના તો લીરેલીરા ઊડી ગયા
બળતા માંસના તાપણે એ તો લુચ્ચા શિયાળની જેમ
વાડ ઓથે લપાઈ તાપવા લાગ્યું.
અરેરે! યુનિવર્સિટીનાં શાંત નિર્મળ જળમાં આમ
પૂંઠેથી પથ્થરો ગબડાવી
શીદ ભાગી જાવ છો?
નીલહંસ જેવા વિદ્યાર્થી
ને પોયણી જેવી વિદ્યાર્થિની ઓના આ વિદ્યાવિહારને
શીદ હલબલાવી મૂકી
ક્રૂર અટહાસ્ય કરી અદ્રશ્ય થઈ જાવ છો?
મને નાલંદા અને તક્ષશિલાથીય પ્રાચીન
આશ્રમો યાદ આવે છે:
જ્યાં રાજ્ય હતું શિષ્ય,
ને રાજદંડ ગુરૂચરણે અનુશાસનનું પ્રતીક!
અરે, મરાઠાવાડા યુનિવર્સિટી કંઈ મરાઠાઓની મલ્લશાળા છે?
રે એ શું મુત્સદ્દીઓનું સમરાંગણ છે?
એ તો છે ભારતના સુવર્ણ ભવિષ્યનું ક્રીડાંગણ.
ને એક એક વિદ્યાર્થી તો છે પયગંબર
અંધાધૂંધીમાં એ જ તો ચીંધે છે પ્રકાશ.
કહે છે કે,
આંબેડકર નામ પણ એક ઓલિયાનું છે-
અંધારી ખીણમાં સબડતી પ્રજાને
એણે તેજ પાયાં!
એ તેજોવધ કરી તમે મરાઠાવાડ યુનિવર્સિટી રોશન કરી!!
પણ દલિતોમાં એક દંતકથા પ્રસરી છે!
સપ્તર્ષિના ઝૂમખા મધ્યે ચમકે છે એક તારો અનામી!
આંબેડકર તો આર્ષદ્રષ્ટા ઋષિનું નામ છે.