Tuesday, April 18, 2023

અરણ્યરુદન

જાનવરો કંઇ જંગલમાં જ નથી હોતાં-
આપણી પડોશમાં પણ રહે છે.
શિંગડાં વગરનાં જાનવર,
પૂંછડાં વગરનાં જાનવર, 
ન્હોર વગરનાં જાનવર,
બેપગાં જાનવર,
અદ્દલ માણસ જેવાં જ જાનવર.

આ જાનવરો કલગી જેવી રૂડી રૂપાળી સંજ્ઞા ધારણ કરી નાગરિક અધિકારો ભોગવે છે.
ક્યાસરેક ઠેકડા મારતાં ખિસકોલીનાં બચ્ચાં જેવાં
આપણાં શિશુઓ પર
તેઓ ડાઘીયા  કૂતરાંની જેમ તૂટી પડે છે.
ક્યારેક લોહીના ભરેલા કુંભ જેવા
આપણા જુવાનિયાઓને ફાડી ખાય છે.
એમને શમણાંમાં પણ આવે છે આપણા માંસની ગંધ.
વાડામાં પૂરેલાં ઘેટાંની જેમ તેઓ
આપણને એક ખીણમાં ધકેલી સબડાવ્યા કરે છે
ટાપુ જેવા તરાપા પર ધકેલી
તેઓ આપણાં સઘળાં લંગર કાપી નાખે છે-
ને આપણે જોજનો દૂર ધકેલાઈ જઈએ છીએ સંસ્કૃતિથી.

ત્યારે જાનવરો વચ્ચે જીવતા રહેવું
એ પણ બની જાય છે એક કસોટી.
જાનવરોને બાયોલોજી,
હિસ્ટ્રી કે એન્થ્રોપોલોજી
ભણાવી કેળવી શકાય એમ નથી
ને આપણે અનુભવોમાંથી જાણ્યું છે  કે
કોઈનો શાપ ફળતો નથી
પછી તે ગમે તેવા હૃદયના ઊંડાણમાંથી નીકળતો હોય,
કોઈનું નખ્ખોદ જતું નથી,
કોઈને મૂઠ વાગતી નથી
માતાની માનતા માનવાથી.
ચિત્કારને ક્યાં ચાંચ હોય છે?
આહના શિખરે ક્યાં હોય છે આગનો ભડકો?
નિ:શ્વાસ તો નર્યા ઉચ્છવાસ નું નામ છે
ને ગાળ તો હળવી ફૂલ જેવી
તથા વાળ જેવી નિરૂપદ્રવી છે
ધિક્કારના ધક્કે કોણ ડૂબી જાય છે?
લાવા જેવા ધગધગતા શબ્દો
છેવટે તો થૂંકનો પર્યાય બની જાય છે-
ને ઝાકળની જેમ અદ્રશ્ય થઈ જાય છે
કોઈનેય ભીના કર્યા વગર.
નર્ક જેવા વાડામાં પડ્યાં પડયાં
કણસ્યા કરવું
કે જંગલમાં જઇ ઝાડ-પંખીઓ આગળ રુદન કર્યા કરવું-
એનાથી ક્યારેય આકાશ તૂટી પડતું નથી
કે ધરતીકંપ થતો નથી.

આપણી વેદનાની જ  સૌથી વિશેષ હાંસી કરે છે
આ જનાવરો,
ગમે તેટલી કુશળતાથી ફેરવો તો પણ પેન બહુ બહુ તો
કાગળ પર વેદનાનું એક કાવ્ય જ રચી શકે છે.

પણ એ જ પેનની નીબ
કોઈની પણ ચામડીમાં ભોંકાય તો સાક્ષાત વેદનાનો અનુભવ કરાવી શકે છે.
જો કે આમ તો કવિ એટલે કૃષ્ણ.
કર્મથી જ દારિદર્ય ભાગે છે
કર્મથી જ અસ્મિતા જાગે છે.
1978 વર્ષ પછી તો હશે કોઈ 'અવતાર' એવી
ઠગારી આશાથી તો
શેતાન જાનવરનાં છોકરાં જ નવધે છે.
હવે તો જાનવરોની બેફામ ભેલાડ ચાલે છે-
ને એમની આણ હેઠળ આપણે
વાઘબકરીનું સમૂહજીવન જીવીએ છીએ.
હવે તો આપણાં શામળાં શરીર
નદીના વહેતા જળમાં જોવાનો પ્રસંગ પાકી ગયો છે.
જુઓ,એનો પડછાયો ય કેવો પડછંદ છે?
ને એ વિશાળ ભૂજાઓ ને જંઘાઓ તો
ગુપ્તપણે ઝંખે છે સવર્ણ કન્યાઓ!

જાનવરો અગ્નિથી ડરે છે.
જાનવરો મશાલથી ડરે છે.
જાનવરો ચપટી ધૂળથી ડરે છે.
જાનવરો ટટ્ટાર આંગળીથી ડરે છે.

આંગળી જ રસ્તો ચીંધે છે:
ઘચ્ચ દઈને ઘોંચી દો તમારી સળિયા જેવી આંગળી
ને જુઓ આરપાર થઈ જાય છે રસ્તો.
આંગળીઓની તાકાતથી જન્મે છે વજ્ર જેવો મુક્કો.
જાણો છો ને કે
મુકકાબાજ મોહંમદ અલી કાળો છે પણ ગુલામ નથી.
જાનવરના કપાળમાં તકતીની જેમ જડાઈ જાય છે 
આ મુક્કો.
આંબેડકરના  નાગરિક સમાનતાના કાયદાને તો જાનવરો શિંગડે ચઢાવે છે.
એટલે મનુની વાત જ સાચી છે:
માર જ ચૌદમું રતન છે.
આપણી હંલ્લીમાં ન માય એવા 
એ જાનવરોને સુધારી કાઢો શાકભાજીની જેમ.
જાનવરો વચ્ચે જીવતા રહેવું
એ એક કપરું કામ છે.
પણ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આશાવાદ છે:
અંતે તો
જાનવરો જ મરી જશે
Survival of the fittest,
ને માનવી જીવી જશે
હવે અરણ્યરુદનને અલવિદા કહો.


એક પ્રેમ-કવિતા

તારે તો નિર્લેપ ને નિષ્કલંક જ રહેવું છે ને?
પારાની જેમ પલળયા વગર
જળકમળવત!
એપ્રન હેઠળ છરી છુપાવી
કોઈનાં કૂણાં કાળજાં ચીરવાં
ને તોય લોહીના ફૂવારા સ્પન્જમાં શોષાઈ જાય...
બસ તો તો કાળો કામળો જ ઓઢ નંદી.

નર્સ કે નન
સિસ્ટર કે મેટ્રન
ટેરિઝા કે નાઇન્ટિંગેલ- 
બધા જ પ્રેમના પર્યાય છે
ને કરુણાની જ સંજ્ઞાઓ છે.

પરી જેવા શ્વેત યુનિફોર્મમાં તું આવે છે
ત્યારે કેઝ્યુઅલ્ટી વોર્ડનો કણસાટ ઘડીભર શમી જાય છે.
તું નાડી પકડે છે ને ઠરી ગયેલું રુધિર પીગળીને રેલાવા માંડે છે.
ફૂલપંખુડી જેવી એ સુકુમાર અંગુલિઓ
મોરપીંછ જેવી શાતા આપે છે.
પણ બસ એ શુભ્ર કલગી પરનો
રાતો ક્રોસ તારે માથેથી ઊતરે
ન આનંદિની,
ન ઉલ્લાસિની.

લૉબીમાં કણસતા રક્તપિત્તિયા પર પડે તારી નજર,
પણ હું સૂરજમુખીના ફૂલની જેમ તારી પૂંઠે પૂંઠે રઝળું ને કરમાઉં.

તારા સફેદ સ્કર્ટની પલ્લીઓમાં
સંતાકૂકડી રમી થાકે મારી રુગ્ણ કીકીઓ.
પાંસળીઓની વચ્ચે ટૂવવા માંડે
દૂઝવા માંડે હૃદયની ગાંઠ.

નંદી, એક વાર, અંતિમ વાર
ચઢાવ તારો યુનિફોર્મ.
હું પણ અહીં વોર્ડ નં.4નો પેશન્ટ છું.
જો મારો કાર્ડિયોગ્રામ-
છે ને બધું વેદનાનું જાળું,
ગંઠાઈ ગયેલી લાગણીઓ,
ફોસીલ થઈ ગયેલાં શમણાં,
અરમાનોનાં કંકાલ!

નંદી, બસ મારી વ્હિલચૅરને એક ધક્કો તો માર-
કદાચ આ ઢાળના મૂળમાં જ હશે સ્વર્ગ,
નંદી,અહીં બધે અંધારું છે
ને મારી વૉકિંગ-સ્ટિક, મારાં કેલિપર્સ અને તું-
તમે બધાં ક્યાં છો?

કવિની પ્રેયસી

તું તો કવિની પ્રેયસી છે ને ?
એટલે જ મૃગજળથી ભીની ભીની રહે છે સદા.કવિના શમણાંએ આંજી છે તારી આંખી,
એટલે બધુંય તને સ્વપ્નમય ભાસે.

તારા નામનો પર્યાય અંધારા આકાશમાં ટમકે
ત્યારે તને તારું નામ યાદ આવે છે?
તારા નામની નાન્દીથી ઊઘડે તારા કવિની કવિતા.
એના તખલ્લુસનો ત
કે તારાનો ત કે તારો ત-
પણ એમ જ સતત ખીલે ને બિડાય
એક તરસની કવિતાનો ત.

ખરે જ તારા ઘેલા કવિએ
નર્યા આભાસનું નામ જ રાખી લીધું છે પ્રેમ.
તું સ્ત્રી નથી,
તારા કવિની કવિતાનો એક અલંકાર માત્ર છે.
તને શી ખબર પડે
ઉર્વશીના લોહીની ભરતીનાં મોજાંનો ઘૂઘવાટ?
તું તો 'કવિની પ્રેયસી'ના ગૌરવમાં ગળાડૂબ,
તારા કવિના ખીચોખીચ શબ્દોના કળણમાં ખૂંપેલી-
શબ્દોમાં જ સંવેદન તું માણે. તું કેમ કરી જાણે
શકુન્તલાના સ્તનોના કંપનની વાણી?
પ્રણયની ગૂફ્તેગોથી તો ખીલે કે કરમાય કર્ણફૂલ-
પણ તારો કવિ તો યક્ષની જેમ
મોઢે માઇક મૂકી મેઘદૂત જોફે કરાવે પ્રેમનો પ્રચાર.
કવિ તો ક્યારે સ્વપ્ન થઈને આવે
ને ક્યારે ધુમ્મસ બનીને છાયે!
બધુંય કણ કણ થઈને વેરાઈ જાય,
તારી પાસે તો રહી જાય દદડતી આંખ.

કવિ તો સંસારેય ભોગવે ને કવિતા યે કરે,
પણ કવિના છંદે તારાં તો બધાંય વાનાં બગડે.
એટલે જ કહું છું-પાછી વળી જા...
આ તે શી લત પડી ગઈ લવ કરવાની!
-અને તેય કવિથી!
હવાની જેમ કવિ તો હાથમાં આવે કદી?
ને તો પછી હૈયામાં કયાંથી પૂરાય?

તારે પ્રેમમાં જ પડવું'તું
તો ક્યાં નો'તા આપણા ગામના ધીંગા ગોવાળિયા:
કરસન,કાનો ને કનૈયો.
એ..ય તું નદીમાં પડે ને કાનો તારાં કપડાં ચોરે!
બોલ કેવો કિલ્લોલ!તો જા પદ ઊંડા ધરામાં થઈ નવસ્ત્રી.
ગોવાળિયાઓને તો આવે તારા શરીરની ગંધ
મત્સ્યગંધાની જેમ.

તારા લોહીના ઉષ્ણ થનગનાટથી
એમની બરછટ ત્વચાને ફૂટે છે રોમાંકુર.
એને જ પાર્થિવ ભાષામાં કહેવાય છે પ્રેમ.
ને તારો કવિ એની કલ્પના કરી રચે છે કવિતા.

અહીં ધરતી  પર જ છે પ્રેમ,
કવિતાના સ્વર્ગમાં તો છે એક કોરા સુખનું છળ.
એટલે તો શાપ વહોરીને ય
અપ્સરાઓ આવી પડે છે પૃથ્વી પર.
અહીંની માટીમાં રોપી જો તારાં ચરણ
ને જો તું કેવી મ્હોરે છે વેલી થઈને:
નવપલ્લવિત,ફુલ્લકુસુમિત.

તું છોડી દે કવિના સૂના આકાશમાં રઝળવાનું,
વાદળાંના પવનપોચા સ્પર્શ કરતાં
કરસન ગોવાળની બાથમાં ભીડા
તો ખબર પડે મીઠી માયાની મીઠી પીડા.

તારું રિસાવું તો બાળક જેવું-
એકાદ ઉપમાનું ઝાંઝર પહેરાવે તારો કવિ
ને તું રાજી ને રેડ!
પણ કનૈયો તો આખો દી વગડે ફરે
તને ખભે બેસાડી.
નદીકાંઠે તું સખીઓને કાનમાં કહીશ
એ જ વાતોનું નામ પડ્યું નેડો.

For Adults Only

વર્કર છું, એમ્પ્લોયર શોધું છું
સ્કિલ્ડ વર્કર છું:
માર્ક્સ નહિ તો વાત્સ્યાયનને ઓળખું છું
દેશી ઈંગ્લીશ,અમેરિકન ચાઈનીઝ
અરે!ફ્રેન્ચ પણ જાણું છું.

વર્કર છું, એમ્પ્લોયર શોધું છું
સાંજ ઢળે સજી ધજીને નીકળું છું
વિધવા છું પણ સિન્થે સિંદૂર
ને કાજળ બિંદી ય કરું છું.

ધંધાનો ટાઈમ થઈ ગયો
બેબીને બ્રેસ્ટ ફીડિંગ કર્યા વગર જ નીકળી છું-
દૂધના ઘૂંટડા છલકાય
તો પાન પિચકારી સમજી થૂંકી દેજો.

Women's empowermentની હવા જામી છે
ને ફેમિનિઝમના જમાનામાં ફુલ્લી લિબરેટેડ છું.
છડેચોક કહેવા દો:
સેક્સ વર્કર છું,એમ્પ્લોયર શોધું છું.

રિલીફ રીડ,રીચી રોડ,આશ્રમ રોડની ગલીકૂંચીમાં ભટકું છું.
રૂપાલી, એડવાન્સ નેટરાજના નાકે રઝળું છું.
સર્કિટ હાઉસમાં કોઈ નથી, પરિષદ ચાલુ છે.
કોલેજ હોસ્ટેલો ખાલી છે,વિદ્યાર્થીઓ વેકેશનમાં છે.

કવિઓ રંગીન છે પણ કડકાબાલૂસ છે ગુરુદત્તની જેમ:
કહે છે કે તાજું જ લખેલું મુક્તક ચોરાઈ ગયું છે
ને હવે મહાકાવ્યનો વદાડ કરે છે.

વર્કર છું,એમ્પ્લોયર શોધું છું.
સેક્યુલર છું,સોશ્યાલિસ્ટ છું,
નથી હું રેસીસ્ટ
કલર-કાસ્ટ-ક્રીડ કશામાં નથી માનતી.રામ પણ ચાલે, રહીમ પણ ચાલે,
ક્લિન્ટન પણ ચાલે,કાલિદાસ પણ ચાલે.

એમ્પ્લોયર મારો પરમેશ્વર
ને ગ્રાહકનો સંતોષ મારો મુદ્રાલેખ.

ઓર્ડર્સ રેડીલી સર્વ્ડ
કૅશ એન્ડ કેરી
હોમ ડિલિવરી પણ હાજી
હોટેલ ડિલિવરી પણ હાજી.
આસન  તમારું,ઑરગૅઝમ તમારું
સેડીસ્ટ હશો તો સાટકા ખાઈશ
મદિરા લઈ આવશો તો સાકી ય થઈશ.
હું તો યોગિનીની જેમ જલકમળવત:
કામ પત્યે મને વહેલી દેજો વિદાય:
રાહ જુએ છે ઘેર દૂધ પીટી દીકરી.

અર્થશાસ્ત્રીઓ કહે છે
લિબરલાઈઝેશન ને ગ્લોબલાઈઝેશનથી રોશન છે રાતો.
બધી ઈન્ડસ્ટ્રી ઠપ્પ છે
પણ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં છે તેજીનો ભડકો.

ILO કહે છે કે હું વર્કરની વ્યાખ્યામાંઆવું છું
ને લેબર વેલ્ફેર લૉઝ ને લાયક છું,
સપનું તો છે કોઠે નહિ, કડિયાનાકે નહિ
પૉશ કૉમર્શીયલ કોમ્પ્લેક્સમાં કોર્પોરેટ ઑફિસ ખોલું.
વેબસાઈટ બનાવીને e-mail થી બુકિંગ કરું,
લવલાઈન કે ચુલબુલી ચેટલાઈનના નેટવર્કથી વિશ્વવ્યાપાર કરું.

નિરોધ નહિ વાયગ્રા વહેંચવી છે લત્તે લત્તે
Sita ની ઐસી તૈસી
May I Help You નું બોર્ડ લગાવી harass કરતા પોલીસને
હવે નથી તો આપવા હપ્તા કે નથી આપવી ફ્રી સર્વિસ.

દાસી નથી હું,દેવદાસી નથી હું
એક રીસ્પેકટેબલ વર્કર છું
એક સ્પેશ્યલી સ્કિલ્ડ વર્કર છું.
બ્લ્યૂ કૉલર નહિ તો ન સહી,
વ્હાઇટ કૉલર નહિ તો ન સહી.
મને રેડ રીબન વર્કરનું નવું સ્ટેટ્સ આપો.
મને માત્ર નવું નામ નહિ, સ્વમાન પણ આપો.

હવે તો વેશ્યા...સૉરી સેક્સ વર્કર વેતનપંચ બેસાડો.
એપ્રેન્ટિસના લાભાર્થે
જ્યોતિષશાસ્ત્રની જેમ યુનિવર્સિટીઓમાં
કામશાસ્ત્ર ને કોકશાસ્ત્ર પણ ભણાવો.
STD AIDS ની સોગાદ ને બદલે
કૉન્ડમનાં ગિફટ હેમ્પર આપો.
એક એક વર્કરને બેડ-એટેચડ બાથની સાથે સાથે
attached creche ને કિન્ડર ગાર્ડન પણ આપો.
LTC ને Maternity Leave ના લાભ પણ આપો.

હવે બગાવત કરી છે,
Women's day ની કાજળકારી રાતે ઉદઘોષણા કરવી છે:
'Sex workers of the world, unite.
You have nothing to lose
Except your chastity chains.'

Monday, April 17, 2023

તું જાણે છે કે...

તું જાણે છે કે
સાળવીએ વણેલાં રેશમિયાં પોતથી
કે મેહરિયે વેતરેલા મૃગલાની મશકથી
માણસનું હૃદય સર્જી શકાતું નથી.
એટલે તેં દ્વિજોત્તમ પુરુષોત્તમ પાછળ ઘેલા થવાનું મૂકીને
શિરાઓનાં સૂતરથી જનોઈનું તાંતણો વણવો વ્યર્થ માન્યો હતો.
તું જાતના જન્માક્ષર નહોતી ગોઠવતી.
તું જાણે છે કે
લોહીમજ્જાથી ધબકતાં હૃદયનો
એક જ જાતગુણ હોય છે:
સ્પંદન!
એટલે તેં જાતીલા હીરાવેધ
ને નાતીલા મત્સ્યવેધ મૂકીને
તારી કાયાને પણછ ચઢાવી પડઘાવી શકે
એવા કોઈ શબ્દવેધને પામવા
તારા અંતરના એકાંત ખૂણે
સ્વયંવર યોજ્યો હતો
ને મદાયત્તમ તુ પૌરુષમ્ ની હાક મારતા
એક કવિની-દલિત કવિની માયાને માળા પહેરાવી હતી.
એ ચાંડાલપુત્ર ને તું મેઘવાળની કન્યા.
ને સૃષ્ટિ પર હાહાકાર મચી ગયો હતો:
અનુલોમ કે પ્રતિલોમ?
પણ તું જાણે છે કે
પ્રેમ જ પાર્થિવ ને પેગંબરી હોય છે.
માણસ માણસ વચ્ચેના વૈમનસ્યને વિચલિત કરે છે
ને તું જાને છે કે
વાડાઓ ઘેટાંબકરાંના હોય છે-
માણસના વાડા
ઢેઢવાડા કે ચમારવાડા જેવા સંકિરણ નહિ
બલ્કે વિશ્વ જેવા વિશાળ હોય છે:
વસુધૈવ કુટુંબકમ.
તારા પિતાની અંતિમ યાત્રાના શોક-સરઘસમાં
તને સામેલ ન થવા દઈ
ભલે તેઓએ સવાઈ 
સવર્ણગીરી દાખવી.
પણ તું જાણે છે કે
વિલાપ એ અંગત ને અમૂલ્ય સંવેદના છે
ને અરણ્યરુદન જેવી વિષાદી કોઈ અભિવ્યક્તિ નથી.
તું જાણે છે કે
જેઓએ તને ગાળોનો વરસાદ વરસાવી,
ધક્કા મારી હડધૂત કરવાની કોશિશ કરી
તેઓ ભિક્ષુ આનંદની કરૂણાની કસોટીની જેમ
તારા પ્રેમની પરીક્ષા કરી રહ્યા છે.
તું જાણે છે કે
તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે?
તું જાણે છે-
તેઓ જ્યારે જાણતા થશે
ત્યારે વસંત રજબની વિશાળ ને વિરલ મૈત્રી જેવા
આપણા સ્નેહનું સ્મારક રચાશે.

ફીલ ગુડ

કાંક ફીલી ગુડ ફીલી ગુડ કે'સ
સરકાર માબાપે આ હારો ગૅસ સોડયો સ
તે બધ્ધુ હારુ હારુ લાગ સ.

સિસોટી અજવાળવા જઈએ
તો બારીમાંથી ડોકિયું કરીએ
તો માંય કાચના પટારામાં રંગોના ફૂવારા ઊડ સ.
હીન્ડિયા શાંઇનિંગ... હીન્ડિયા શાંઇનિંગ...
એવા હોબાળા હંભળાય સ.
ભારત ઉદોય... ભારત ઉદોય...
એવાં ગાણાં ગવાય સ.
જ્યાં જુઓ ત્યાં
સરકાર માબાપનો જેજેકાર વર્તાય સ.

સરકાર માબાપ તો કે'સ-
ઊડાડો પતંગ જેટલા ઉડાડવા હોય એટલા
ઉતરાણ ક હરાધ કશું જોયા વગર.
શૌકાર લોક તો ચઢ્યું એમની મેડીઓ ન મોલાત પર
જલેબી ન ઊંધીયાના થાળ ભરી.
આખ્ખું આકાશ ગોરંભાયું સ કેસરિયા ઢેલાથી.
અમાર ગલિયાના બાપા ય ગેલમાં આઈ જ્યા
તે પસાડયું વાળુનું શકોરું ભોંય ભેળું-
ઢઢઢો તૂટેલી ફૂદીન હાંધી હાંધી
ઠુમકા માર માર કર્યા હાંમા વાયરે
ન ભૂશે પેટે;
તે પૂંઠેથી ચડ્ડીના ટેભા ય તોડી આયા.
બળ્યું નૈણા કોઠે અહવું ક રોવું?
છોરાં તો વાટ જુવ ક અમણાં
એંઠી પતરાળી ઊડીન પડશે અંકાશેથી
પતંગની જેમ.

સરકાર માબાપે આ હારો ગૅસ સોડયો સ:
ફીલી ગુડ... ફીલી ગુડ... 
પણ ફૂદીની હંઘાત ચોથિયું રોટલોય વહેંચ્યો હોત
તો તો મજા પડી જાત પતંગ ચઢાવવાની હઉન.

સરકાર માબાપ તો કે'સ
ગરબે ઘૂમો રાત ને દિ
નવરાત ક શિવરાત કશું જોયા વગર.
શૌકાર લોક તો શી.જી.રોડની દુકાંનો લૂંટી લાયું'તું
ગોધરાનાં રમખાણોમાં;
તે છેલછબીલાં ને ફૂલ ફટટાક થૈ
જે ગરબે ઘૂમે... જે ગરબે ઘૂમે..
કુંવરબૈના મામેરાની અરજીય અમાર તો
આ ફીલી ગુડ ગૅસમાં ચ્યાંક ઊડી જૈ.
નાગેપૂગે નાચવું ય ચ્યમનું ભૈલા-
નહિતર અમાર નાંની તો પદમણીન પાસી પાડ એવી સ.

સરકાર માબાપે તો કાંઈ જાત્રાઓ કાઢી સ
કાંઈ જાત્રાઓ કાઢી સ, ભૈસાબ!
એક ફરો ત્યાં બીજી જોડ...
કોક શાંમજી કરસણ વરમા ના હાડકાંની હાંલ્લીની જાત્રાય ફરતી ફરતી આયી'તી અમારા વાહમાં;
તે હઉની હારે અમેય દરશન કરી આયાં.
બળ્યું અહવુંય આવ સ-
હાડકાંમાં હું જોવાનું ઢેડભૈન?
સરકાર માબાપે કોક જનાવરનું હાડકું આલ્યું હોત તો કાસમ કહૈ આલત રૂપિયા દહ;
તો આખ્ખો દા'ડો ફીલી ગુડ ફીલી ગુડ થઈ જાત!

પે'લાં તો ભવૈ ન ભવૈડા જોતાં'તાં,
અવ આ નવતર જોણાં:ફીલી ગુડ...ફીલી ગુડનાં
સરકાર માબાપ કે'સ

રેવાંજીના રેલા અવ તો ગાંમ ગાંમ પૂગશે;
કાવડ ભરી ભરી નાખો કુંડમાં
ક પખાલ ભરી ભરી નાખો પાયખાનામાં.
નરબદાનાં નીર ભાળી
જીવ તો બૌ હરખાય સ.
પાણી ભેળાં કટકો ભોંય પણ આલી હોત
તો સરકાર માબાપ
ફીલી ગુડ ફીલી ગુડ થૈ જાત અમાર ય
પટેલના ફારમની જેમ અમાર ય લીલી નાઘેર!

સરકાર માબાપે આ  ગૅસ તો હારો સોડયો સ-
પણ પરપોટા ફૂટવા માંડ્યા સ
ન ગંધાવા માંડ્યો સ આ 
ફીલી ગુડ ગૅસ.
ચારેકોર હઉ થૂ... થૂ... કર સ
નજરબંધી તૂટવા માંડી સ
ન પરખાવા માંડ્યો સ
ફીલી બૅડ ફીલી બૅડ ગૅસ...

'ભવની ભવાઈ'ના પ્રિમીઅરમાં

આ તો ભવની ભવૈ
જરા જોતા જજો ભૈ
જરા લાગે જો નવૈ
તોયે જોતા જજો ભૈ... ભલો ભલો થા...થૈયા!

હું તો તરગાળાનો છોરો મારા ભૈ
હું તો મેઘવાળનો માગણ મારા ભૈ
મને પેમિયરમાં ચ્યાં તેડ્યો મારા ભૈ
કેતન ભૈ, મારી તો કેમત કાંણી પૈ...ભલો ભલો થા...થૈયા!

મંશી ભૈ જાંની હું તો મૂંઝાયો મારા ભૈ
મૌન ભૈ બલોલી હું તો ગંધાયો મારા ભૈ
આ તો બળી ગંધ વહેતી થૈ 
માળી આ તો  ગંધ છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

મેં ડૂંટીએ ચોપડ્યું થૂંક
તોયે બંધ થૈ ના ચૂંક
ને એક ગંધ છૂટી ગૈ
કે એક ગંધ છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

ના ભૂંગળો એ વાગી પાં.. પાં.. પાં...
ના પિપૂડી યે વાગી પીં... પીં...પીં...
તો યે ભૈ વાત વહેતી થૈ
કે ગોબરી ગંધ છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

ભૈ રાંડ, ગાંડ ને ઘેલી
ના જુએ તડકો કે હેલી
હાળી થવાની હતી એ થૈ
કે એક ગંધ વહેતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

રંગલી, જરા જો તો મારી બૈ
આ સીટમાં એક પરી જાગી જૈ
આખા અંતરની શીશી ખાલી થૈ
તોયે હજી ગંધ બંધ ના થૈ...
ભલો ભલો થા...થૈયા!

કે ફાળકો યે માથે નૈ
કે કુલડી યે કોટે નૈ
કે ઝૈડું યે કેડે નૈ
તોયે જીવા મારી જાત છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

ને તાડૂકયો એક ઐ. ઐ. ઇમનો પ્રોફેસર ભૈ
લીટા હેઠળ ખોળતો'તો ગરીબૈ ભૈ ગરીબૈ
પેમિયરમાં આવાં પાજી!થૂ ...થૂ...વૈ  વૈ
પીટટ કલાસ ભૈ, શિટટ કલાસ ભૈ.. વૈ વૈ...
ભલો ભલો થા...થૈયા!

રંગલી, આગળ તારો બાપ બેઠો પરધાંન-
એણે ફોડી ટચાકલી કે થૈ ટીંગાટોળી
ને થૈ ટીંગાટોળી કે થૈ ટીખળટોળી
સપૈડે એક ધોલ ધરી, બે ધોલ ધરી ભૈ...
ભલો ભલો થા...થૈયા!

હું તો તરગાળાનો છોરો મારા ભૈ
ન'તો કે'તો નથી હું કૈં કલાકાર ભૈ
બબા નાયકના ટોળાનો ભૈ તરગાળો ભૈ
વિજાણંદની શેણી ભૈ, હું હોથલની પદમણી ભૈ...
ભલો ભલો થા...થૈયા!

કચ્ચકડાની ફિલ્લમ ભૈ ને કચ્ચકડાનાં દુઃખ ભૈ
અહીં તો ખરાખરીના ખેલ ભૈ, મરજીવાના ખેલ ભૈ
બત્રી લખણે બે ખાવાની, ચોત્રી લખણે ચાર ભૈ
તમારી તો કલ્લા ભૈ, અમ્મારી ભવૈ ભૈ...
ભલો ભલો થા...થૈયા!

મે આઈ હેલ્પ યૂ

'સાહેબ...સાહેબ...
કહેતાં જીભ નથી ઉપડતી 
પણ...પણ...
ના બનવાનું બની ગ્યું.
જુલમ થઈ ગ્યો સાહેબ.
મારી બૈરીને.. 
મારી બૈરીને બદમાશોએ અભડાવી સાહેબ.'

"સાલા,તારી બૈરી દેખાવે જ વેશ્યા લાગે છવા
ને તું ભડવો.
એમ કહે ને
કે બૈરી જોડે રાતના બાર વાગે ધંધો કરાવે છે
ને હપ્તા ભરતો નથી."

"ના...ના...સાહેબ, ના.
અમે તો સાહેબ 
ગરીબ માણસ
ઠેઠર બહાર
ખરા બપોરથી મધરાત લગી
પાણી વેચી પૈસો ભેગો કરીએ
ત્યારે ખાવા પામીએ.
અમે ગરીબ ખરા
પણ પરસેવો પાડીને પેટિયું રળીએ.
અમે એવું ના કરીએ સાહેબ.
ભગવાન બધું જુએ છે ઉપરથી
ને અમનેય આબરૂ વહાલી છે સાહેબ.
નાતમાં વાત જાય
તો નાતબહાર થઈ જઈએ
ને રાતોરાત છોકરાં લઈ
કૂવો પૂરવો પડે...
સાહેબ.'

"સાલા, પણ એમાં વાતનું વતેસર શીદ કરે?
ખાવાની ચીજ હોય
ને બે બટકાં ભર્યાં
તો એમાં તારું
કે તારી બાયડીનું
શું ઓછું થઈ ગયું?"

'સાહેબ, ખમૈયા કરો
પણ આવું ના બોલો.
દાઝયા ઉપર ડામ ના દો.
તમારે ઘેર પણ 
મા બહેન દીકરીયું હશે સાહેબ...
લગીર વિચાર કરો સાહેબ.'

"લે મેલ બધી પળોજણ.
બાંધી મુઠી રાખ
ને ચાલ
એ બદમાશો જોડેથી અલાવું
એક પત્તી દસની
ને થઈ જા ઘર ભેળી."

'ના, સાહેબ ના.
અમે કાંઈ પૈસાનાં ભૂખ્યાં નથી. 
અમારી ફરિયાદ લખો
એટલી જ મહેરબાની.'

"જો કાળ પેલું
પશલીની મા રઈલી
રોતી રોતી કહેતી'તી-
કેલિકો મિલના ભૂંગળા જેવું
ને પાંચ રૂપૈડી?
મારી કૂણી કાકડી જેવી છોડી
બોલો, પોસાતું હશે સાહેબ?
ને એને ય કરી આપી
દસની પત્તી.
ઢેઢનું મન તો ઢોકળે રાજી-
તું લેજે બે પત્તી, બોલ રાજી?"

'સાહેબ, આવી વાતો કરી
અમને ના શરમાવો.
લાખો મનખાવતારમાં
કોઈ રઈલી ય હોય
ને કોઈ પશલી ય હોય
એ તો ભગવાન જ જાણે!
પણ સાહેબ,અમારી ફરિયાદ લખો.'

"અહાહા...
એમાં મોટા ઘા પડી ગયા
તે ફરિયાદ લખો.
અમે કંઈ તમારા માટે નવર બેઠા છીએ?
રાવ તો એવી કરે છે
જાણે ઢેઢવાડો આખો ભડકે બળતો હોય?
કહ્યું કે
એક નહિ તો બે પત્તી 
નહિ તો પકડ ચલતી...
હાળાં ઢેઢાં તો 
ખરાં મોંએ વળગ્યાં છે!'

'નખ્ખોદ જજો તારું...
સપૈડા,
તારી બાયડી ને છોરાં
બધ્ધાં ફાટી પડજો,
આમ ગરીબનું કાળજું શેકયું
તે ભગવાન
તારું ધનોતપનોત નીકળી જજો.
બે કાંડાનું બલ ય ના દીધું ભગવાન
નહિ તો બધાને ફૂલે બળતું કરત.'

"ઊભાં રહો, ઊભાં રહો.
ભગવાન કે જમાદાર-
કોઈને ગાળો ભાંડવાથી કશું નહિ વળે.
અહીં તો મંત્રીથી માંડી સંત્રી
સૌ પત્તી ને હપ્તાની વાત કરે છે.
તમારી વાત હું લખીશ પેપરમાં.
લખીશ કે સ્ત્રી દાક્ષિણ્ય, નારીસ્વતંત્ર્ય, નાગરિક અધિકાર
બધાને ઠેબે ચઢાવે છે આ લોકો.
PUCL કે CPDR કે ABCD કે XYZ
કંઈ બંદૂકની ગોળી કે એસિડના બલ્બનાં નામ નથી
કે કોઈ એના નામે મૂતરે.
પણ તમે કેવળ એક કામ કરો
જતાં જતાં 'મે આઈ હેલ્પ યૂ'ના બોર્ડ પર
'મે આઈ હર્ટ યૂ'નું 
નવું બોર્ડ ચઢાવતા જાવ."

અમે સેકન્ડ કલાસ સિટિઝનો

મારી વહાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી,
ભારોભાર આભાર તારા ભાવભીના આમંત્રણનો.
અમે જનમ જનમના હિજરતી,
અમે માઈલોના માઈલોના પગપાળા પ્રવાસી,
અમારાં વિતકની વાત માંડવા
અમદાવાદથી મુંબઈની મેરેથોન પણ પાર કરી લઈએ.
તારે ગળગળા થવાની કાંઈ જરૂર નથી
મારી વહાલી રાંકડી મુંબઈ યુનિવર્સિટી!

તારા હાથીકાય બજેટ પર બહુ બોજ પડતો હશે
પંડિતો ને આચાર્યોનો,
સાક્ષરો ને સારસ્વતોનો,
દિન, ફેલો ને ચાન્સેલરોનો!
તારે તો  મૂલ્યવાન શાલો ઓઢાડવાની હશે
ટોળા, ઘોંઘાટ ને અવજોના એબ્સર્ડ કવિઓને.
તારા શહેરની સેંટૂર ને શેરેટનના સ્યૂટ
બુક કરવાના હશે 
વિઝીટીંગ પ્રોફેસરો માટે.
બાલની ખાલ ઉતારે તેવાં ઝીણાં ને સૂક્ષ્મ સંશોધનો
તારે ફિનાન્સ કરવાનાં હશે.

મારી વહાલી કંગાળ મુંબઈ યુનિવર્સિટી,
અમારા વાળુ કે ઉતારાની ચિંતા-ફકર ના કરતી
આભાર તારા શહેરની ફૂટપાથોનો,
વખાના માર્યા આવેલા અમારા ભાંડુઓ ભેળા રાતવાસો કરી લઈશું.
દલિત કવિ નામદેવ ઢસાળના
ગોલપીઠે પડ્યા રહીશું.
તું તારે સરભરા કર તારા જ્ઞાનપીઠ ગુર્જરેશ્વરોની.
અમો તો રાતભર રઝળીશું ગ્રાન્ટ રોડની ગલીઓમાં,
પૂછીશું ખબરઅંતર અમારી પાંજરે પૂરાયેલી યેલામ્માઓની,
ધારાવીની ઝૂંપડપટ્ટીમાં
લતીફ ખટીકની લારી ઉપર
પાઉં-ખીમાનું વાળુ કરી લઈશું.

મારી વહાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી,
અમો તો તારી લીલીછમ 
લૉનમાં
ગંદી ગ્રેફીટી જેવા અક્ષરો માત્ર.

તું તારે કુલીન કવિઓ,
અભિજાત ઍકેડેમિશ્યનો
ને ભદ્ર ભારતીઓનાં આતિથ્યની તૈયારીઓ કર.

જો કે સપનાં તો અમને ય આવે છે સુખનાં-
કેવાં હશે વાતાનુકૂલિત વાહનો ને વિશ્રામગૃહો!
પણ તું દિલગીર ના થતી મારી વહાલી રાંકડી મુંબઈ યુનિવર્સિટી!

તેં તો અમારું ભાવભીનું સ્વાગત કર્યું છે
સેકન્ડ કલાસની ટિકિટથી.

અમને યાદ આવે છે 1962ની સાલની એક સવાર:
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં
જેમ્સ મેરેડિથ નામના પ્રથમ અશ્વેત વિદ્યાર્થીનો પ્રવેશ.
કુ-કલકસ-ક્લેનનાં ધોળીયાં ગીધડાંઓ ઘૂમરાયાં છે ચહુદિશ.
પણ કેનેડી કેમ્પસમાં તોપો તેડાવે છે
આકાશમાં હવાઇદળનાં હેલિકોપ્ટરો ચોકી કરે છે
અમેરિકાએ આખી તિજોરી ધરી દીધી છે એક અશ્વેત નાગરિકના સ્વમાન માટે!

અમને યાદ આવે છે
દલિતોના બેલી 'લા મિઝરેબલ'ના લેખકનું ઘર
ફ્રાન્સની સરકારે સાઈલન્સ ઝોન જાહેર કર્યો છે:
પ્લિઝ ડોન્ટ ડિસ્ટર્બ,
વિકટર હયૂગો ઇઝ વર્કિંગ.

મારી પ્રિય પામર મુંબઈ યુનિવર્સિટી,
તારાં દળદર ફેડવા અમે અંગૂઠા તો ઠીક
શિર ધરી દઈશું તારે ચરણે
મરાઠાવાડાના દલિતોની જેમ.

તારું નામાન્તર કરીને
અમે નાલંદા કે તક્ષશીલાનું ગૌરવ બક્ષીશું કદી.
તારા દૈન્ય પર શરમાવાની કાંઈ જરૂર નથી
મારી પ્રિય પામર મુંબઈ યુનિવર્સિટી
તેં તો અમારું સ્વાગત કર્યું છે
સેકન્ડ કલાસની ટિકિટથી.

હૉર્મોન્સ

હું તો મારા બાપનો દીકરો છું-
તો પછી મારી નસોમાં દીપડાનું લોહી કેમ ઘૂરકે છે?
હું તો મારી માનો દીકરો છું-
કોઈએ એની કૂખ પર લાત મારતાં
લોહીના ખાબોચિયામાં હું ઢેખાળાની જેમ 
ડફ દઈને જન્મ્યો હતો!
લોકો તો કહે છે
એ અનાથ માંસના લોચાને
અગ્નિનો કણ માનીને
આંબેડકર ઋષિના આશ્રમે ઉછેરવામાં આવ્યો હતો.
લોકવાયકા તો એમ પણ છે
કે માર્ટિન લ્યૂથર કિંગ નામના
એક શ્વેત આત્માના હોર્મોન્સ
એના રક્તમાં 'સામાજિક પ્રયોગ' રૂપે ચઢાવ્યા હતા!
એ બધું તો ઠીક,
પણ હું તો મારા દાદાનો દીકરો છું-
મારી સાળના કાંઠલામાં જીવતો બૉમ્બ લઈને
હું આ શી રમતે ચઢ્યો છું?
અરે , મારું ઝૂંપડું સળગી જશે
કે કોઈ પાડોશી દાઝી જશે તો?
તો પછી મારી રગોમાં કેવું લોહી દોડે છે?
બિચારો મારો બાપ તો મસાણિયો-
એણે બહુ મડદાં બાળ્યાં'તાં.
હું મારા બાપનો દીકરો છું-
એટલે શું મારે જીવતાં મનેખ 
બા...ળ... વા...નાં...?

Sunday, April 16, 2023

સ્વપરિચય

કોઈક દિવસ અતિથિ થઈને આવ, સવર્ણા.
મારી વ્યથાને પામવી હોય તો
અછૂતનો સ્વાંગ રચી આવ, સવર્ણા.

જો તારા શહેરથી આપણા ગામનો માર્ગ-
સૌથી ઊંચી હવેલીને ટાળો દઈને આવજે,
ત્યાં તો વારાફરતી સંભોગાય છે
અમારી નિરાધાર અબળાઓ!
એ જમીનદાર તો ગામનો રાજા-
એ અસ્પૃશ્ય તો શું
જુવાન કૂતરીને પણ છોડે એવો નથી!

ગામની ભાગોળની પરબનું પાણી ના માગતી-
તને ખોબો વાળી પાણી પીતાં આવડે છે?

જો ત્યાં મારું ઠેકાણું ય ના પૂછતી.
નહિતર કોઈના નાકનું ટેરવું ઊંચું થશે,
કે કોઈની આંખોમાં ઉમટી આવશે ઘૃણા.

ડાબે જમણે નજર નાખતાં
રાખે માનતી કે
એટલામાં હશે ક્યાંક મારું ઘર!
અહીં તો રહે
બામણ,કણબી,કોળી,કુંભાર,મોચી.

બસ, હવે આ ખાઈને ઓળંગ
એટલે પેલા ટેકરા પર
ઝાડમાં દટાયેલાં જણાશે ઝૂંપડાં.
એનાં નળિયાં પર બેઠું હશે
એકાદ ગરધન કે કલીલ
કે આંગણામાં બે ત્રણ કૂતરાં
ચગળતાં હશે હાડકાં.
કાળા વાન ને વામણા દેહ,
ને અડધાં ઉઘાડાં ડિલ !
હા,સવર્ણા એ બધા જ  મારા ભાંડુઓ છે.
મા ઘરમાં ગાયના ઘૂઘરા શેકે છે,
બાપુ કુંડના ખારામાં ચામડાં ફેરવે છે,
આ ચોગાનમાં કોસ વેતરે છે તે કાકા,
આકડો ને આવળ ભાંગવા ગઈ છે ભાભી,
ને નાનકી તો ગાગર લઈ ગઈ છે તળાવે.

બસ, સવર્ણા હવે નાક ન દબાવ.
ગંદકીથી ગૂંગળામણ થાય ને ચીતરી પણ ચઢે.
પણ જો હું તો અહીં દૂર
લીમડાની નીચે ખાટલો ઢાળી
વાંચુ છું પાબ્લો નેરુદાની કવિતાઓ!
હું ય આ ટાપુ પરનો એકાકી માનવી છું.
,

ધર્મચક્ર

(પ્રસ્તાવના)
હું ને મારી પીંજારણ રાબિયા
કામઠી ની દોરની જેમ ધરૂજતાં ધરૂજતાં 
એ મોટા માણસોનાં મહોલ્લામાંથી પસાર થતાં હતાં
ને ચોગરદમથી સૌ અમને ઘેરી વળ્યાં.
અમારી કાકલૂદીઓ ને 
કિકિયારીઓ વચ્ચે
અમારા ગાંસડાના રૂ ગાભા સાથે
અમને દીવાસળી ચાંપી દીધી.

હું ને મારો ભેરુ અબ્દુલ
ગામડેથી શહેરના મોટા દવાખાને
અમારા ભાંડું ની ખબર કાઢવા આવ્યા હતા.
ખાટલો મળતો ન હતો,
કોઈ મારગ બતાવતું ન હતું,
અમે ગાભરા ગાભરા આમતેમ ડાફોળીયે ચઢયા હતા.
ને અમારી પૂંઠે પડેલાઓએ દેકારો કર્યો:
આ લોકો ખૂન કરવા આવ્યા છે!
ને અમે ગભરાટમાં ભાગંભાગ કરવા લાગ્યા.
ત્યાં ટોળાએ અમને ટીંગાટોળી કરી
ઊંચકીને ત્રીજા માળથી ભોંય પર પટકી દીધા.
અમારું પ્રાણપંખેરું ઊડી જાય તે પહેલાં તો
ભોંય રાહ જોતા એમના ભાઈબંધોએ
અમારાં ભાંગી ગયેલાં હાડકાં પર
કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી...

હું ને મારું કુટુંબ -ગની, લતીફ,રઝિયા અને ફાતમા
મેઘાણીનાગરના અમારા ઘરમાં
થરથરતાં-કાંપતાં લપાયાં હતાં
ને ટોળાં અમને ફરી વલ્યાં.
માળે માળે માલસામાનને આગ લાગી.
અમે અલ્લાતાલાને બંદગી કરતાં હતાં
ને બંધ ઘરમાં આગ ઘૂમી વળી.
ને અમે ભડથું થઈ ગયાં...

(કવિતા)
ધર્મભ્રષ્ટ કરવાની જેહાદમાં
દફન ને બદલે અગ્નિદાહ દીધો એ ધર્મઝનૂની ટોળાઓએ.
ને અમને જન્નતને બદલે અહીં આ સ્વર્ગ મળ્યું.
રાજા તો એનો એ જ છે:
કેવળ અલ્લાહ ને બદલે ઇશ્વર નામે ઓળખાય છે અહીં.
એટલે રંજ હવે વટાળનો નહિ, પુનર્જન્મનો છે!
વળી કોઈ વિધર્મી ટોળાની બર્બર તબાહીના ઇન્તજારમાં
અવતરવાનું.
પછી કબરમાં,
પછી ચિતા પર,
પછી દફન, પછી દહન,
ને એમ ધર્મચક્રના ખપ્પરમાં ખપ્યા કરવાનું!

Saturday, April 15, 2023

કૉલેજિયન શબરીની વ્યથા

ગ્લાસ નાઈલોનની સાડી પહેરી,
માથામાં કોપરેલ ચોળી,
બગછાપ સાબુથી સ્નાન કરી,
કૉલેજમાં જતી અમારી શબરીઓની સુક્કીભઠઠ આંખોને તળિયે
સૂકાય છે બોરબોર જેવડાં આંસુ-
તમારા સવર્ણ રામાઓની ગલીચ છેડતીથી.
અમારી અસ્મિતાને ઊંચકવા અમે શું કરીએ?
અમારા વગડાઉ વ્યક્તિત્વને કેમ કરી વેગળું મૂકીએ?
નામ બદલીએ?
અટક બદલીએ?
ગુજરાતી સાડીને અવળી વીંટીએ?
સંસ્કાર બદલીએ?
ધર્મ બદલીએ?

પણ ઇતિહાસ તો બદલી  શકાતો નથી
ને ગરીબીને ફગાવી શકાતી નથી!
તમારી જેમ અમે ઋતુઓને
ફ્લેટ બહાર રાખી શકતા નથી-
એ સતત વરસે છે,
બેફામ ત્રાટકે છે,
ને ચારે બાજુના વાયરા વાય છે
અમારી કાણી છત ને કાણી દીવાલોમાંથી.
અમારાં લૂગડાંમાં ધૂંધવાય છે
ગોટાતા ધુમાડા
ને છાપરાંમાંથી વરસતી ધૂળ.
અભણ માની માવજત વગર
અમારા સૂક્કા, ભૂખરા, બરછટ
વાળનો ઢાળ કંઈક વિચિત્ર છે!
દૂધ, મલાઈબકે વિટમિન્સ વગર નભતા
અમારા દેહ તમારાથી જુદા જ છે!
પણ તમે ક્યારેય ગણી છે
બાજરીના રોટલા
ને ડુંગળીના ગાંઠિયાની કૅલરી?
અમારો રુક્ષ ને કાળી ચામડી તો ધોમ ધખતા સૂરજ હેઠળ 
કેડ તોડતા વડવાઓનો વારસો!
કૉસ્મેટિક્સના ભાવથી ડઘાયેલાં અમે
લેટેસ્ટ કે ફૅશનેબલ બનવા જતાં પકડાઈ જઈએ છીએ!
અમારી તળપદી ભાષાને ફગાવી
અણિશુદ્ધ ભાષા બોલવાનો
ચીપીચીપીને પ્રયત્ન કરીએ છીએ
ને પકડાઈ જઈએ છીએ!

અફસોસ! ઇતિહાસ બદલી શકાતો નથી!
અમે અમારું ભવિષ્ય બદલીશું -
આવતી પેઢીનો ઇતિહાસ બદલીશું.

દલિત દંપતીને ઠાલો દિલાસો

(1)
ઉકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,
રાજા રાંમની જેમ.
એટલે વારે વારે ના મેળવી જો મગલના ચહેરાને
તારા કે તારા વડવાઓના ચાડા હાથે.
ને બચારી બાયડીને મારી મારીને અધમૂઈ ના કર.
ઊકા! મર્યા ઢોરના આંચળ ય મેઠા લાગે...
રે'વા દે, બાયડીને  બચારાં બચ બચ ધાવશે છોરાં.
ને અડે કાંઈ અભડાઈ જવાય,ઊકા?
બાપડી બાયડીને  આડી વાટે આંતરે
તે કાંઈ એનો વાંક-ગનો?
ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય...
ઊકા!સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?
જો ને આ ધરતી-
સૂરજના પહેલા ખોળાની પોરી!
કેવી ખાબડખૂબડ,
કેવી કાબરચીતરી,
કેવી અંધારી ને અધકચરી!
ઊકા!એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં
ઝાઝો ફેર નથી એ વાત હાચી;
પણ એમ તો કેટલાંય કણબાં, કોળાં
કલાડીની મેંશ જેવાં હોય છે-
લે કહે, એ બધાં તેં  જન્યાં'તાં, મેં જન્યાં'તાં?
ખોળે કે ખભે બેસાડી ગેલ કરાવે
એ મોતિયો કે મીંદડી તેં જન્યાં'તાં?
ઊકા!જણનારી તો જનેતા
પણ ગોકુળિયામાં તો પાળે એ પિતા કહેવાય
વાલના બી ભેળો વટાણો આવે
તે કાંઈ વીણી કઢાય,ઊકા?

કામનો ને બોલનો ભાગિયો
એ તો  કાલ મોટો થઈ
જશે આકડે કે આવળિયે
ને સૌ સારાં વાનાં થશે.

ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે
રાજા રાંમની જેમ.
કાં તો તાકીને મારવું પડશે તીર
કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર
ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર.

(2)

મેઠી!મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી સીતાની જેમ.
એટલે વાડે ને વગડે
કે ઝાડે ને ઝાંખરે
છેડો તાણીને લોહીના ઉકાળા જેવો વલોપાત ના કર.

એ તો બાપડો વખાનો માર્યો
બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા
કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય.
તને કૂખમાં શૂળની જેમ કળતા
એ કણબીના કણાને ધવરાવતાં જોઈ
ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય
ને વખતે ધોલધપાટે ય કરી બેસે...
નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?

પણ કણબીની વાડી
કે કાળુભાનો કૂવો
કે કોળીનો કૂબો- 
ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઉછરે
તે બધુંય ગળી જવું પડે:
રાતી નજર
ને કાળી દાનત ય.

પણ મેઠી!
ઢેડ ઢેફા જેવો ધૂળીયો તો ય ધણી
ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી
ઊભો રાખે એવો એ તો...
એના આદમીની આમન્યા તો નંદવાઈ ને?
પણ મેઠી!
બચ્ચું તો બાળારાજા.
ખ્રિસ્તી બાવો કહે છે ને
કે ગમાણે જન્યા એ પરભુ કહેવાયા
ને વહેતી છાબડિયે  જડયા એ રાજા કહેવાયા!
એ તો કાલ દાઢીયાળો થઈ  તારી પડખે ઊભો રે'શે.

તું જ જો ને-
મા કાળકાનો પછેડો  ન'તો પકડ્યો પતૈએ? 
ને બઈ જસમાનો છેડો ન'તો ઝાલ્યો રાજા સધરાજે?

તોય કાંઈ પાલવડે પડ્યા ડાઘ?
એમની તો પત રહી
ને એ...લોકમાં પંકાય ને પૂજાય.
મેઠી! મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી સીતાની જેમ.
કાં વગડાની વાઘણ 
કે જંગલની જોગણી થઈ
ખપ્પરમાં લેવાં પડશે બધાં કણબાંકોળાંકાળોતરાં.


એક કેરિયરીસ્ટને

સરલાજી,
I AS તો એક ચાકરીનું નામ છે
ને એટલે જ એ શૂદ્રોનું વારસાગત કામ છે
અને છતાંય જોયું ને-
IAS કે ઍર હૉસ્ટેસ:
સઘળે રીના રૉય કે રતિ અગ્નિહોત્રી જ સિલેક્ટ થાય છે?

સાંભળ્યું છે કે તમે શૃંગાર નથી કરતાં
ને સરસ્વતી જેવાં સરળ ને નિર્મળ લાગો છો:
એટલે જ એમણે બાસ્કેટ પેપર ગણી
ડૂચો વાળી ફેંકી દીધો તમારો ચહેરો
-અનફીટ ફોર આઈ.એ.એસ.ના શેરા સાથે.
તમે તો આંગ્લવાણીનાં વિદુષી છો-
કોઈ નિગ્રો કવિની વાણીનો તણખો અમને આપો
છાંટો વિશ્વનાં અમૃત આમ કંકાલો પર.
દૂધ જેવા ધોળા, ઊજળા 
D. O. letterને બદલે
લો, અમારા કાળા કપાળે દસ્ક્ત કરો:
લખો સંદેશો દુનિયાભરને-
'દુનિયા કે દલિત એક હો.'
કહી દો આપણા યુવકબંધુને:
IAS તો આમ્રપાલિ-ઘેલા કરે.
IAS તો મેનકા- તપ ચળાવે.
IAS તો કન્વર્ઝન-નીઓ બ્રાહ્મીન.

જુઓ રુએ છે રાંમી,માંની
અમથો -કચરો:
તમે મોટાં ભેળાં ભળી જવાનાં,
તમે ઊજળાં ભેળાં હળી જવાનાં,
અમે એકલવાયાં-
આવળિયા કુંડે બૂડી જવાનાં.

સરલાજી,IAS તો એક બ્રેઇન ડ્રેઇન છે:
કાં ફૂલનદેવી થઈ ફૂંકી કાઢો
કાં તોરલ થઈ તારો આ ડગમગ દલિત સંસાર.

દલિત દધીચિ

લો, મારી પૂંછડિયે પેટાવો આગ;
તમને આ સવર્ણ પુરી સળગાવી આપું.
મારા ગંડસ્થળમાં ભરો દારૂ;
તમને  બધું બેફામ રંજાડી આપું.
મારાં હાડકાંનો ભૂકો કરી ભેળો કરો ફોસ્ફરસ
ને છાંટો ગુલાલની જેમ એમના શ્વેત ચહેરાઓ પર
કે તાણો ત્રિપુંડ એમના કપાળે,
મારા શબ્દે શબ્દને નિચોવી
કાઢો લીલા કાચ ઝેરના કટોરા
ને અભડાવી દો ગંગાજળની ઝારી.
હવે મારી કલમના કકડે કકડા કરી કાઢો-
એ ભેરુભંગ સારસીની જેમ સતત આક્રંદ કર્યા કરે છે.
લો મારા વ્હાલા ભાંડુઓ, મારું સઘળું સ્વાર્પણ:
મારા અસ્થિમાંથી જ બનાવો વજર કે બનાવો કવચ.
હું જાતનો ચમાર,
જીવતેજીવત બીજું તો શું કરી શકું?
તમે કહો તી બે-ચાર ધોળીયાનાં ઉકેલી કાઢું ચામડાં,
બે-ચારનાં ફોડી કાઢું પેટ
કે ચઢિયાતું મીઠું નાખી હાંલ્લીમાં બાફી આપું એકાદનું કાળજું.
મારાથી નથી જીરવાતાં
આ રુધિર,
આ રુદન,
આ ચીસો,
આ ભડકા.

ગૉડફાધર

દેવા,તું તારે કર જલસા,
આ રૂપિયા 10000000000નું જનકલ્યાણ ફંડ
ને તું એનો ચૅરમૅન
આ તારી જીપ.
આ તારો શૉફર
ને આ તારો બંગલો.

પણ સાહેબ!મને કાંઈ ગમ પડતી નથી ને?

તું ગમાર જ રહ્યો દેવા ચમાર!
એમાં તે શી ધાડ મારવાની છે?
બે બિલાડી ને વાંદરાની વાત નથી જાણતો?
બચકું અહીં ભર,
બચકું તહીં ભર
ને કર લીલાલ્હેર!

તેં ચૅરમેન માઓની લાલ કિતાબ નથી વાંચી લાગતી!

સાહેબ, હું તો બે ચોપડી ગુજરાતી ભણી
ઊઠી ગયો
ત્યારથી હરિજનસેવામાં જ લાગી ગયો છું.

દેવા!જો સત્તા એક તો બંદૂકના નાળચામાંથી આવે છે
ને બીજી રૂપિયાના રણકારમાંથી આવે છે
ને આ દેશની પ્રજા તો નમકહરામ છે.
એટલે ઇશારામાં સમજી જા.
બીજી વાર નહિ ચૂંટાય તોય
તારે જહાજ કમાવા જાવે નહિ જવું પડે.
તારી તો પેઢીઓની પેઢીઓ તરી ગઈ સમજ.
ભોંયમાં દાટીએ તો ખાતર પણ પડે
પણ આપણાં તકદીર તો સ્વિટઝર્લેન્ડની બેંકમાં સલામત.
એટલે દેવા, સો વાતની એક વાત-
તારે તારો ઇન્ફિરિયારિટી કૉમ્પ્લેક્સ
તો કાઢવો જ પડશે.
આપણે રાજા ને બધાં રૈયત
ખબરપત્રીઓ બોલાવી
વારે-તહેવારે દરબાર ભરવો
ને ફંડમાં સોમા ભાગની સોનામહોરો ખેરાત કરી દેવી
ગરીબગુરબાં, દીનદલિત 
દુઃખિયાંને.
બસ પ્રજામાં તારી વાહ વાહ
ને અહીં તારું પ્રમોશન-
બોલ,સમાજકલ્યાણ મંત્રી બનવું છે ને
નેક્સ્ટ રિશફલમાં?

પણ સાહેબ!લોકોનાં દુઃખ નથી જોવાતાં!

દેવા, લાગણીવેડા છોડ ને બી પ્રેક્ટિકલ.
ગરીબની તો ગાંડમાં દાંત હોય છે-
બધું ભૂલીને વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ
ને કર તાગડધિન્ના.

પણ સાહેબ, લોકોનો અસંતોષ...

દેવા, ગાંડાં ન કાઢ.
જો તારે ઘેર લોક રેલી લાવે
કે તારી ગાંડ તળે રેલો આવે
તોય તારે ગભરાવાની જરૂર નથી.
તું તારે  બે આંગળી મોઢામાં ઘાલી 
મારજે વ્હિસલ...
ખાખી ડગલાવાળા ડાઘીયા આવીને
ગધાડાં-બલાડાંની જેમ બધાંને પૂરી દેશે ડબે-
કોઈને MISA માં તો કોઈને PASA માં
કોઈને DIR માં તો કોઈને XYZ માં
ને કોઈ પત્રકાર તારી વિરુદ્ધ જનમત જગાવે
તો કાતરી લેવી જીભ સેન્સરશિપથી
ને કવિડાંને તો
કાળી કારાગાર કોટડીમાં  હડસેલી દેવાં આજીવન.
તારે તો રુઆબ બતાવવો પડશે રુઆબ-
ચૅરમૅન હિટલર જેવો.

પણ, સાહેબ,સેવા...સમાજસેવા...

હા,દેવા!હા.
હું એ જ કહું છું-
તારે તો મેવા ખાવાના છે મેવા.
ને મન થયે મદિરા કે માનિની.
એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિકસ.
પણ લે આ ગુરુમંત્ર
ને માદળીયે ગંઠીને પહેરી રાખ:
બધું ચૂકજે
પણ હસ્તિનાપુરની દેવીની આરતી તું 
સાંજ -સવાર-રાત-મધરાત
ને બને તો અખંડ દીવો કરી
પચ્ચીસેય ક્લાક ઉતારજે.
એ રાજી
તો દુનિયા જખ્ખ મારે છે.

સૂટ પહેરેલો સૂરજ

હું નથી તો તારી નવી સવારનું સામૈયું કરવા આવવાનો,
ન તો તારી જુગજૂની સાંજને વળાવવા આવવાનો.

તું કોણાર્કની કામુક અપ્સરાના ઉરપ્રદેશમાંથી ઊગે,
કે કોટેશ્વર મહાદેવના રૌદ્ર લિંગ પરથી ઊગે,
અટલજીની બિડાઈ ગયેલી આંખોમાં આથમે
કે અશોક ભટ્ટના ખિસ્સામાંથી ઊગે.

નથી તો હું તને ઘૂંટણિયે પડીને સૂર્ય નમસ્કાર કરવાનો,
ન તો તને ગાયત્રીમંત્ર ભણી અર્ધ્ય આપવાનો.

ન તો કાંકરિયાની પાળે આટાશબાજીનો તમાશો જોવા જવાનો,
ન તો સી.જી.રોડનાં છાકટાં છોકરડાં ભેળો ભળી 
તારો જયજયકાર કરવાનો:
હલ્લો મિલેનિયમ!
હલ્લો મિલેનિયમ!

હતો તું કદી દેવાધિદેવ,
સચરાચરનો સ્વામી દેદીપ્યમાન દેવતા!
તારા ગુરુત્વાકર્ષણના પ્રતાપે
તેં લીધી હતી પ્રિયતમા પૃથ્વીને આલિંગનમાં.
તારા સુંવાળા સ્પર્શથી ફૂલો ખીલતાં હતાં.
તારા હૂંફાળા સહવાસથી બીજાંકુરો ફૂટતાં હતાં.
તારાં કિરણોથી શિશુઓના ગાલો પર લાલિમા લીંપાતી હતી.
તારા પ્રકાશથી પલ્લવો પર લીલિમા છવાતી હતી.
તારા દીદાર માત્રથી પૃથ્વી પરની કાલિમા ભાગતી હતી.
સર્જનહારે તને સૃષ્ટિમાત્રનો
સાન્તાક્લૉસ બનાવ્યો હતો:
તારી ઝોળીમાં એક એક માટે આશાનું કિરણ હતું.
એકે એક માળામાં રોશની કરવાની હતી,
એકે એક કૂબામાં કોડિયું પેટાવવાનું હતું.
તેમણે તને સુંદર કમનીય ઋચાઓની  સોગાત આપી
ને તું ભાવવિભોર થઈ ગયો!
લુચ્ચા શિયાળની જેમ
તેમણે મંત્રો ને શ્લોકોથી તારી ભાટાઈ કરી:
तमसो मा ज्योतिर्गमय!
ને તરણ સર્વ કિરણો ખંખેરી નાખ્યાં એમના ચરણે.
અસીમ અવકાશન સ્વામી
તને સત ઘોડાના રથમાં બેસાડી
મોઢેરાના મહેલમાં સવર્ણાઓની સ્નાનક્રીડાની લાલચ ધરી
ને તું જાણે કાળમીંઢ ઉલ્કા બની ગયો!
નિર્વસ્ત્રા સૂરજમુખીઓએ  તારું સૂર્યસ્નાન કરી
તને ભરપૂર ભોગવ્યો
ને હવે તું પતિત પુરુષની જેમ તેમની પરિક્રમા કરે છે.
યાદ કર કે સપ્તર્ષિઓ  અને આકાશગંગાઓ 
તારી પ્રદક્ષિણા કરતાં હતાં એક કાળે!

તું એમના અંતઃ પુરનો એક ચાકર માત્ર.
ધારે તો તને માદળીયે પૂરે
ને ધારે તો તને ટચલી આંગળીની મુદ્રિકામાં કેદ કરે નંગ બનાવી.
ધારે તો તારી જોડે પાણી ભરાવે
ને ધારે તો તને જીવતો જડી લે સોલાર પ્લેટમાં
તારી ભીષણ ઊર્જા એમની મુઠ્ઠીમાં.
તું હવે બાવા-બામણની કઠપૂતળી,
કમ્પ્યૂટરની કુંડળીમાં પૂરવા જોગ પૂર્વગ્રહ માત્ર,
તારાં મેઘધનુષી પીંછાં પડાવી લઈને
તને ભગવો ભિખારી બનાવ્યો છે તેમણે.
હવે તું કેવળ મંદિરો ને મહાલયોમાં સેવા આપે છે,
અમારાં ચર્મકુંડઓમાં તો તું ડોકિયું ય કરતો નથી.
અમારાં પ્રસ્વેદબિંદુઓની પ્રાર્થનાઓની તું મજાક કરે છે.
એટલે અમે તો અમારા સૂરજનું નામ પણ બદલી નાખ્યું છે:
અમે એને આદિત્ય નહીં,
આંબેડકરના નામે ઓળખીએ છીએ.
અમે એને દાદા નહીં, બાબા કહી નવાજીએ છીએ.
તારી જેમ નાગડો-નઠારો નહીં,
સૂટ પહેરીને એ ઊભો અમારો મહાપ્રતાપી સૂરજ:
એ તારી જેમ ત્રિશૂળ કે પરશુધારી નથી,
એના હાથમાં તો છે પેન ને પોથી.

તું એક વર્ણ-વાઇરસ આભડેલ
કરપ્ટ , દિશાહારા ડિસ્ક માત્ર.
તું પોતે જ Y2K ઓ.કે.નથી-
નવા મિલેનિયમને તારા અંધકારથી ના અભડાવ.
તારો પ્રકાશ તો ઠીક,
પડછાયો ય ના ખપે હવે તો.
લોરકાના કઠિયારાને બોલાવી તને તો વઢાવવો છે મારે.

તારું સામૈયું કેવું?
તારાં વળામણાં કેવાં?

તું કાં ઊભી પૂંછડિયે ભાગ્યો

હિટલર,હાથ મિલાવ
તને જેસી ઑવન્સ બોલાવે છે.
તું કાં ઊભી પૂંછડિયે ભાગ્યો,સ્ટેડિયમ છોડી?
જો,
એણે એના કાળા હાથે સફેદ મોજું પહેર્યું છે.
એના ગળામાં એક નહિ, બે નહિ
બલ્કે ચાર ચાર સુવર્ણચંદ્રકો ચમકે છે.
તને તારા આર્ય લોહીના સોગંદ,ઊભો રહે.
જેસી ઑવન્સ એક ખેલદિલ ઇન્સાન છે:
ને લોહીનો એક માત્ર રંગ લાલ હોય છે,
તારા ધ્વજના સ્વસ્તિક જેવો,
તારી આંખોમાં સળગતા અગ્નિની શિખા જેવો,
ગૅસ ચૅમ્બરમાં તરફડતા યહૂદીની ચીસ જેવો
ને જેસી ઑવન્સના રાતા અંડરવૅર જેવો.

હિટલર,ઊભો રહે,હાથ મેળવતો જા.
તું નહિ ભાગી શકે-
તારી પૂંઠે પૂંઠે મેટાડોર મુહમ્મદ અલીનો મુક્કો આવી રહ્યો છે:
તારા છૂંદાઈ ગયેલા હૃદયના રક્તફુવારાઓનો રંગ

અને જેસી ઑવન્સના કાળા હાથના રુધિરનો રંગ
બધું એકરંગ બનાવવા.

હિટલર હાથ મિલાવતો જા,
તને જેસી ઑવન્સ બોલાવે છે:दैवायत्तं कुले जन्मं मदायत्तं तु पौरुषम।।

આ સિલસિલો

જ્યારે ઝનૂની ટોળાંઓ
મજેથી પોતાની સંહારલીલા કહેલી વિખેરાઈ જાય છે
ત્યારે કરફ્યૂ જાહેર થાય છે
રમખાણોમાં બધું બળીને ખાક થઈ જાય છે
પછી અપીલબ્રિગેડોની સાઇરનો બીજી ઊઠે છે ચોગરદમ-
વર્તમાનપત્રોમાં,આકાશવાણી પર,ટી.વી. ના પડદે,
એક્તાસમિતિ ભાઈચારાની ભૂંગળો વગાડે છે ચૌરેચૌટે.
રાહતછાવણીઓમાં સખાવતીઓ
બ્રેડ,બટાટા ને મિલ્ક પાઉડરની ખેરાત કરે છે.
સરકિટ હાઉસની રાવટીમાં
કાળા કેરના સમાચારો વચ્ચે
કસુંબાઓ લેવાય છે,
પાનબીડાંની લહેજત લેવાય છે
ને સરકારો એકની ઉપર એક તપાસપંચોની જાહેરાતો કરે છે.
સંસદ સભ્યોનાં ઝૂંડ દિલસોજીભર્યાં નિવેદનો ઝાડી એકબીજાને દોષી ઠરાવે છે.
કવિઓ વિષાદયોગમાં ડૂબી જઈ
આંખ મીંચી લે છે...

આ સિલસિલો મારા દિમાગમાં ધૂંધવાતા દારૂગોળાને
દીવાસળી ચાંપે છે.
ને આ સર્વ
લૉ એન્ડ ઓર્ડર માટેની શાંતિસેનાઓ સામે
એક અદના આદમીઓની આદમસેના બનાવવાનું
મને આહવાન આપે છે.
મને એખલાસ માટેના એક અંતિમ હુલ્લડ માટે,
એક છેલ્લા રમખાણ માટે
કરગરે છે આ સિલસિલો.

તમારું નખ્ખોદ જજો હરિજનો

તમારું નખ્ખોદ જજો હરિજનો
વીસમી સદીના ઢળતા સૂરજના તાપમાં
તમારો વંશવેલો સૂકાઈ જજો.
રણમાં નદી શોષાઈ જાય,
એમ તમે ઊડી જજો.
તમે ધૂમમ્સની જેમ કણ કણ થઈ વેરાઈ જાઓ-
વાયુને પણ તમારા વાવડ ના હો,
કે તમારી સ્મૃતિનાં ઝાંઝવાં ય ના જલે કદી.
કોઈક તો કાળ થઈને
કૉન્સ્ટિટયુશનના શિડયૂલનો  કોળિયો કરી જાવ-
સ્કૉલરશિપ ને રિઝર્વેશન
બધું ઓહિયાં કરી જાવ.
કે હાઇડ્રોજનના ફુગ્ગા બાંધી
એક એકને હવામાં ઉડાડી મેલો. 
પરપોટીય ના ઉપર આવે એવા ઊંડા
સાગર તળિયે ઘરબી દો સદાને માટે
કે હરિ તારો હવે પછીનો અવતાર હિતલરનો થાઓ
પણ આ હરિજનોનો કચ્ચરઘાણ વાળો.
ત્રાહિમામ્ ! ત્રાહિમામ્ ! ત્રાહિમામ્!
નથી ખમાતી ગંધ તમારી
બહુ ગંધાતી છે ગંધ તમારી-
લસણ જેવી, વિષ્ટા જેવી,
નથી સહેવાતું દ્રશ્ય તમારું-
આખેઆખું મળથી ખદબદતું
અળસિયા જેવું શરીર તમારું,
નથી વેઠાતો સ્પર્શ તમારો-
લીંટ જેવો,ઊલટી પછીની લાળ જેવો,
તમે બહુ ક્રૂર છો 'લ્યા હરિજનો-
મર્યા ઢોર પર છરી ચલાવો;
ગીધડાંના સગલા તમે 'લ્યા,
મર્યા ઢોરની જ્યાફ્ત ઉડાવો!

ત્રાહિમામ્ ! ત્રાહિમામ્ ! ત્રાહિમામ્!
તમે તો ધૂળ ધૂળ કર્યું 'લ્યા જીવતર !
કહે છે કે શૂદ્રોનું  વીર્ય પિશાચી-
એક આર્યકન્યાની કૂખે જન્મ્યાં
એરુ, વરૂ ને વીંછી
હરિજનોના હાથ માયાવી-
સ્પર્શ માત્રથી થઈ કોઢ કોઢ વૈશ્યાણી
દલિતોનું થૂંક તેજાબી-
ગયું ક્ષત્રિયનાં હાડ ગળાવી.

ત્રાહિમામ્ ! ત્રાહિમામ્ ! ત્રાહિમામ્!

બળે હવનમાં હાડકાં,
માંસ, ચામ ને લોહી.
શૂદ્રો આવ્યા! શૂદ્રો આવ્યા!
આર્યકુમારો! આર્યકુમારો!
મનુસ્મૃતિ ઓ મનુસ્મૃતિ,
કોઈ વ્હારે ધાઓ,વ્હારે ધાઓ.
ગંગા કાંઠે ગાંડ ધૂએ સૌ-
નથી બચ્યું રે ગંગાજળ!
વેદ ભૂલ્યા, મંત્ર ભૂલ્યા,
સંસ્કૃત મેલી બામણબચ્ચા કોમર્સ ભણ્યા!
અભડાયા જો અસ્પૃશ્યોથી
કોણ કરે પવિત્ર, કોણ કરે દ્વિજને ત્રીજ?
બોડી બામણીનું ખેતર આ ધરતી,
પરશુરામ થઈ અવતરો પરભુ-નશૂદ્રી કરો આ ધરતી.

પણ તમે તો 'લ્યા
અદ્દલ હરિ જેવા હરિજનો-
જૂજવે રૂપે, જૂજવે નામે
સંભવામિ યુગે યુગે!
વસ્તી વસ્તી કરી હોળી વારંવાર
પણ તમે તો ઉકરડો થઈ ઊગ્યા સહસ્રવાર-
જાણે દેવહૂમાની રાખ ચોળી!
કે દેવહૂમાની રાખ ચોરી?
જે જોઈએ તે માગી લ્યો,'લ્યા હરિજનો
IAS કે FRCS
રે આખેઆખી ડિક્શનરીભરી ડિગ્રીઓ આપું.
કહો તો ચંદ્રલોક પર ચઢાવી આપું.
હવે કદી શ્રાપ નહિ આપું-
લો નર્ક નહિ,સ્વર્ગલોકમાં જાઓ,
એક ધરતીને ઉગારો, 'લ્યા હરિજનો!

Friday, April 14, 2023

ભૂદેવો અને બાકીનાં સૌ પામર જીવડાંઓ

આ સભામાં પધારેલા મારા વહાલા
આર્યો, દ્રવિડો અને બાકીનાઓ
બ્રાહ્મણો, ક્ષત્રિયો,વૈશ્યો, શૂદ્રો અને બાકીનાઓ
હરિજન,ગિરિજન, ઇતરજન અને બાકીનાઓ
ઉજળિયાતો,પછાતો અને બાકીનાઓ
યજમાનો, વહવાયાં અને બાકીનાઓ
સવર્ણો, વર્ણસંકરો,અવર્ણો અને બાકીનાઓ
સનાતનીઓ, મરજાદીઓ અને બાકીનાઓ
શૈવો, વૈષ્ણવો,પ્રણામી, તેરાપંથી અને બાકીનાઓ
લાલ ચાંલ્લાવાળા,આડા ચાંલ્લાવાળા અને બાકીનાઓ
નાગરો,ગામડિયાઓ અને બાકીનાઓ
કડવા, લેઉવા,આંજણા, અમીન અને બાકીનાઓ
હાથી, ઘોડા,માંકડ, મચ્છર અને બાકીનાઓ
વિસનગર, વડનગર,પટણી અને બાકીનાઓ
શાહબુદ્દદીન રાઠોડ,જોસેફ 
મૅકવાન,મિલિંદ પ્રિયદર્શી અને બાકીનાઓ
સૌરાષ્ટ્ર કચ્છ ક્ષત્રિય મોચી સમાજના સભ્યો અને બાકીનાઓ
ખામ(K. H. A. M),
અજગર(A. J. G. A. R.) અને બાકીનાઓ

હું નહિ સંબોધી શકું આ  સભાને,
તમે માણસનો વાડો બનાવ્યો
માણસનો ગોળ બનાવ્યો, માણસનો એકડો બનાવ્યો
માણસનો ચતુષકોણ બનાવ્યો,માણસનો પિરામિડ બનાવ્યો
તમે એકના બે, બેના ચાર
ચારના ચોવીસ હજાર ટુકડા બનાવ્યા
ધન્ય છે
આ સભાના ભૂદેવો અને બાકીનાં સૌ પામર જીવડાંઓ

સાન્તાક્લૉસ

ઉઘાડા ડિલના એ આદમીએ
રાત ગુલાબને ગાજમાં નહિ
બલ્કે છાતીમાં જ સેરવી દીધું હતું.

એ દિવસ નવેમ્બર
કે એ રાત નાતાલની ન હતી...

બળબળતા તાપમાં
વગડો વેઠતાં કાઠાં
પટેલની પાટમાં દિવસભર વૈતરાં ફૂટી
મધરાતની નિંદરમાં ઘસઘસાટ ઘોરતાં હતાં...

ત્યારે ઑલિયા જેવો એ બુઢ્ઢો  ઓળગાણો
ઝૂંપડે ઝૂંપડે ફરીને સાદ પાડતો હતો:
બાળ તરસ્યું છે, માડી
કોઈ ટોજો એને.

પપ્પુ

વ્હાલા પપ્પુ,
આમ તો આખી દુનિયા તારા માટે છે.

નથી કેવળ ગામના મંદિરના ઠાકરજી;
જે કૂવાને ખોદતાં તારા કાકા દટાઈ ગયા
એ ચોરાના કૂવાનું સવર્ણ પાણી;
જે ગળીઓને દાદાએ વાળીને ઊજળી કરી
એ ગલીઓની સુધરેલી ધૂળ,
જે વાડીઓને તને કૂખમાં રાખી વાવી
એ વાડીઓનાં મીઠાં ફળ;
,જે આપણા ઘર પછવાડેથી જોઈ શકાય એવી
તારા બાપે સળગાવેલી
સવર્ણોની હોળીનો ભડકો;
જેનું નામ નથી આવડતું
પણ આપણા ઘરાક કણબીને ઘેર
દર રાંધણ છઠે રંધાય છે
એ વાનીનો મોંમાં પાણી આવે એવો સ્વાદ;
જેની સાથે તારે ગિલ્લીદંડા રમવા છે
એ મુખીના છોકરાની ભાઈબંધી;
જેની પાની જોઈ તને પ્રેમ કરવાનું મન થશે 
એ નાગરની કન્યા.

પપ્પુ, આમ તો આખી દુનિયા તારે માટે છે.
અરે!દુનિયા શું-
જ્યાં લગી સવર્ણો ન પહોંચે ત્યાં લગી
આ ચાંદો-સૂરજ પણ તારા માટે છે.

માથા ફરેલ માણસની ઉક્તિ

બેપાંચ ઘણ ઝીંકો મારે માથે
એના કોચલામાંથી કાઢો શેતાનનાં છોરાં
એમાં ભરો ભીની માટી સોતું ધાન
છો ઊગી નીકળે ઘાસ મારે માથે
મારે નથી થવું માથા ફરેલ મનેખ.

માથું ફરે ને ફરે ધરતી
ઉગમણે જવા આથમણે ઉપડે પગ
ચીલો ચાતરી ચાલે ચરણ
થાય, લીલા થૉરને માથે ઝાટકો દઉં?
રામ-રામની સલામને મારસલ્લામાં દઉં?

દન ફરે ને ફરે દશા
'લ્યા કોઈ આ ભવનો ભાર ઉતારો
કરવતથી વહેરીને કીડો કાઢો
ઊંધા ગધેડે ફેરવી વાળો
'લ્યા મને ઉગારો
મારો તો માથે પડ્યો આ ફેરો.

મારા ગામડાના ભેરુ મોહન વાલજીને અર્પણ.

સૂંઢલ

એક ચામડિયણને ચૌધરીએ આંખ મારી-
ચપટીમાં ચામડિયાનો ચૂડલો ઊતર્યો.
મુછાળો મરદ કડીયાળી ડાંગે હાંકી ગયો હરખપદુડી.
હિલોળા લેતાં,
મારગડે મલકાતાં
લળી લળીને ફૂંદરડી ફરતાં ફરતાં
બબલાની બાયડી ચલોડાના ચૉરા ભેળી થઈ ગઈ!

પોસદોડાનાં ફીણનો મેણો ચઢાવી,
ચૂલામાં ચેહ લગાડી,
પગના ભેજાને ભડભડ સળગાવી
એ કાળજાના કકડા શેકવા બેઠો-
જાણે હવનમાં હોમાય મરઘડો!

કલાડાના ફરતે કુંડાળે વળ્યાં બચુડિયાં
ને બબલે ટીપીટીપીને હથેળી જેવો ઘડયો રોટલો.
અગનની ચોટલીએ ચકળવકળ થતી આંખોમાં
બાળુડાંનાં પોશ પોશ આંસુ છલકાય.
ઘર આખામાં ઘાઘરાની ગંધ
આખી રાત ધૂપિયાની ધૂણીની જેમ ગોટાઈ
ને વળગણીએ વળગેલા મધપૂડા જેવા કમખેથી
મધરાત લગી ટપ્ ટપ્ ટપકયું જોબન.

ભરભાંખળે, ભાંગેલી સૂંઢલે
બબો ચૌધરીનું ધૂંસરું તાણવા લાગ્યો
એકલ પંડે, એકલ હૈયે.

પશ્ચાતાપ પરિષદ


તેઓ બહુ અભિમાનપૂર્વક કહે છે,
સૂર્યોદય તો પહેલ- પ્રથમ થાય છે પૂર્વમાં.
તો પછી
આદિમ અંધકાર કેમ ઓગળતો નથી આર્યાવર્તમાં?
પૂંછડી ખર્યાને યુગો થયા,
પશુતા હજુ લોહીમાં કેમ અકબંધ છે:
રોજના બળાત્કાર,ખૂન,લૂંટ,આગજની,અત્યાચાર-
દલિત દમનચક્ર નિરંતર ચાલ્યા કરે છે!
સહસ્રાબ્દિઓથી સૂર્યનમસ્કાર કરે છે,
ગાયત્રીમંત્ર જપે છે અહર્નિશ,
'તમસો મા જ્યોતિર્ગમય'ની પ્રાર્થનાઓ કરે છે.
પણ સવર્ણોને કેમ હજી સૂર્યનો સાક્ષાત્કાર થતો નથી?

તેઓ જેને અંધારિયો ખંડ કહે છે
ત્યાં ઉજાસ થયા વાવડ મળ્યા છે. 
રવાન્ડાના હબસી હુતુઓએ
પોતાના જ હમવતન- હમરંગ 8 લાખ તુત્સીઓને
રહેંસી કાઢ્યા જાતિયુદ્ધમાં...
આફ્રિકન યાદવાસ્થળીથી કિંકર્તવ્યમૂઢ કોફી અન્નાને
આંસુભીની આજીજી કરી
ને યોજાઈ એક પશ્ચાતાપ પરિષદ!
'બર્બરતાને દેશનિકાલ કરી બિરાદરી સ્થાપો
સભ્યતાનું બીજું નામ છે સમાનતા.
મેઘધનુષ્યના પટ્ટાઓની જેમ આલિંગો એકબીજાને
ને સૃષ્ટિ બની જશે સ્વર્ગથી સુંદર.'

પ્રકાશના કિરણને પામવાની પૂર્વશરત છે પ્રાયશ્ચિત-
શાસ્ત્રોનો શુકપાઠ કરતા બ્રહ્મરાક્ષસોને
કોઈ કવિ કલાપીના પસ્તાવાની કવિતા સંભળાવો:
'હા!પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે'.

Menu a la Indian

અમારા શુદ્ધ ભારતીય ભોજનાલયમાં
ગાયનું માંસ નથી મળતું-
વિદેશી હૉટ-ડોગ કે હેમ્બર્ગર પણ નથી મળતા.

અહીં સ્વદેશી, નો-બીફ બારબેકયૂ મળે છે:
હિંદુઓની હૉટ ફેવરીટ, 
ડિલિશિયસ દલિત ડીશ!

સસલાંથી પણ કૂણાં નાનાં નાનાં ભૂલકાંઓનાં ભેજાં,
ઢળકતી ઢેલડીથી પણ ઘાટીલી કન્યાઓના સ્તનોના ભૂના,
કાંચનમૃગથી પણ કોડીલા જુવાનિયાઓની કલેજી ફ્રાય...

જેતલપુરમાં, ગોલાણામાં, બેલછીમાં, કુમ્હેરમાં-
ભારતના ગામેગામ ને શહેરે શહેર અમારી શાખા છે!

કાસ્ટ સર્ટિફિકેટ

આ કાંઈ કાગળનો ટુકડો નથી,
આ જાદુઈ કાગળને તમે નથી જાણતા-
અરે, આ જ તો છે સર્વેસર્વા?
કાનમાં કહું,
એ તો એક મિનિ મેગ્નાકાર્ટા છે.
એક વ્હિપ છે,
એક લાયસન્સ છે.
નહિતર ડિગ્રી સર્ટિફિકેટનો અર્થ જ ક્યાં રહે છે?
આ જ તો છે નોકરીનું ભલામણપત્ર 
ન છૂટકે લખાયેલ ને ન છૂટકે સ્વીકારાયેલ.
આ તો મલ્ટિ-પર્પઝ સ્કીમ છે:
એક વિશાળકાય રીલિફ ફંડ છે,
ડુપ્લિકેટ રેશનકાર્ડ છે.આ તો આઇડેન્ટિટિ કાર્ડ છે -
કોમી રમખાણના દિવસોમાં  બન્ને પક્ષેથી બચી જવાય છે.
સૌથી વિશેષ તો
આ કન્સેશન કાર્ડ છે-
બાટાના બુટ કન્સેશનમાં,
રેમન્ડનું પેન્ટ કન્સેશનમાં
શાકવાળી નું કન્સેશનમાં
ગામના કૂવાનું પાણી કન્સેશનમાં
અરે, આ પૃથ્વી પરની હવા પણ કન્સેશનમાં
એટલે જ તો મારે મન આ કાસ્ટ સર્ટિફિકેટ
આપણા રાષ્ટ્રધ્વજ કરતાં ય વધારે સન્માનનીય છે.
આ  કાસ્ટ સર્ટિફિકેટને બીજી રીતે
જોવું જ શા માટે જોઈએ?
બાકી આ કાસ્ટ સર્ટિફિકેટમાંથી તો ઝરે છે
ગંધાતો પૅપિરસ-
એની દુર્ગંધથી જ ઊજળા નાકને ચીતરી ચઢે છે.
આ કાસ્ટ સર્ટિફિકેટ તો એક કરાર છે-
કાયદેસરની ભીખનો
ને આત્માના વેચાણનો.જેમ રેફયૂજીસ કેમ્પના નિરાશ્રિતો
ટમ્બલર ઓથે પોતાના ગરીબ ચહેરાઓ સંતાડે
એમ સ્કોલરશીપની લાઈનમાં ઊભેલા બિચારા વિદ્યાર્થીઓ
આ કાસ્ટ સર્ટિફિકેટના પારદર્શી પડદા હેઠળ છૂપાય છે.
આ કાસ્ટ સર્ટિફિકેટ
Foolscape પેપરમાંથી બનાવેલા ફુગ્ગા જેવું ફની છે:
ખુલ્લું કરી વાંચતાંની સાથે જ 
એ પોસ્ટર જેવું હળવું ને હાસ્યાસ્પદ બની જાય છે.
પેરોલ પર છૂટેલા કેદી જેવા માણસો માટે
ખુલ્લી જેલમાં હરીફરી શકાય
એ વાસ્તે બનાવાયું છે આ કાસ્ટ સર્ટિફિકેટ.
બાકી આ કાસ્ટ સર્ટિફિકેટ તદ્દન કામચલાઉ છે-
'હું પણ માણસ છું' એવા સર્ટિફિકેટની અવેજીમાં
તો મળ્યું છે આ કાસ્ટ સર્ટિફિકેટ.
એટલે જ જીવની જેમ જતન કરું છું
મારા પ્યારા કાસ્ટ સર્ટિફિકેટનું.
જો કે કોઈ પણ કાગળની જેમ
આ સર્ટિફિકેટનો કાગળ પણ બુલેટપ્રૂફ નથી.
તથા કેદીના ચેસ્ટ-નંબરની જેમ
આ કાસ્ટ સર્ટિફિકેટ પહેર્યું હોવા છતાં
કોઈ ગોરી હૈયા સોંસરવી નીકળી જાય છે.

ગાંડગુલામી

હા,બાપ અમે તો વહવાયાં...
આમ તો એક હેડીના
પણ કાંઈ પટેલના પેંગડામાં પગ  ઘલાય?
કે બાપુની ભેંસને ડોબું કહેવાય?
બૈરી, છોકરાં,ગધેડાં,ચાકડો, નીંભાડો-
બધાં અમારે તો વાડમાં પડ્યાં ઉછરે,
દા'ડી-દપાડી, ઉછીઉધારાં,
કેડની કમાણી કે બાવડાંની બરક્ત
કલાડી-કોડિયાં કે ચરવો-ચપણિયાં-
બસ,એમ પેટવડિયે થાય તીસ દી'નો ગુજારો.
ના ધનારખ ના મિનારખ,
ના અણોજો ના આતવાર...
બસ,ઊંબેળ્યું, ઊપણ્યું કે ઓઘલ્યું
ને એમ આંતરડે વળી ગાંઠયો
ને કાંસકી થઈ ગઈ પાંસળીઓ,
તોય વરસૂંદમાં તો બળ્યો ઝૂંઝો ને સલો?
'લ્યા ભઈ, મેં તે શી ગધાડી ઝાલી
કે આ જન્મારાની ગાંડગુલામી?

ઓપરેશન ઇક્વૉલિટી

જોયા- જાણ્યા વગર
વાંચ્યા- વિચાર્યા વગર
સમજ્યા- બૂઝ્યા વગર
તું ત્રાટક્યો ગમારની જેમ.

ભોળા ભાઈ!
એમ કાંઈ થોડો સામ્યવાદ આવી જાય છે?
સ્થળ ત્યાં જળ
ને જળ ત્યાં સ્થળ,
ખાડો ત્યાં ટેકરો
ને ખીણ ત્યાં પહાડ.એમ ધરમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાન્તિ થઈ ગઈ?

તમારા જેવા સેન્ટિમેન્ટલ લોકોનું કામ નહીં
કૉમરેડ બનવાનું.
માર્ક્સ-માઓની વાત તો બાજુ પર,
કમ સે કમ નક્સલબારીની નિશાળના
આદિવાસી છોરા જોડે એક દહાડો રમ્યો હોત
તો ય તારા કામમાં કાંઇ ભલીવાર આવત.

તું તો બેફામ અરાજકતાવાદી બનીને
સૂકા ભેળું લીલુય બાળી કાઢે છે.ભૂંડાં ભેળાં ભલાંનેય ભરખી જાય છે.
ભાવુક બનીને બધું ભાંગી નાખવાથી
થોડું નવનિર્માણ થઈ જાય છે?

સમથળ કદાચ  કરી શકે તું
તારું કામ નહીં સમરસતાનું,
સમાનતાનું.
આમ તો તેં દિવસે ય સપરમો ચૂન્યો:
26મી જાન્યુઆરી
દેશનો પ્રજાસત્તાક દિવસ!

સ્વતંત્રતા-સમાનતા-બંધુતાના આદર્શોના ધજાગરા
ફરકાવતાં હતાં અંજારનાં ભોળાં ભૂલકાં
ને તું એનાર્કિસ્ટની જેમ ઊડઝૂડ ત્રાટક્યો એમની પર

તું પાવન પ્રકોપથી એટલો પાગલ કે સાચું એપિસેન્ટર પણ ના ગોઠવી શક્યો!
ભૂંડા, કચ્છ તો સંતો- સખાવતીઓની ભૂમિ
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી.
ભલા ભાઈ!
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?

તારી વાત સાચી:
માહોલ તો એવો છે કે ગુસ્સાથી સળગી જવાય.
અવતાર ધરવાનું વચન આપી પૂતળામાં પેસી ગયેલા
ભગવાનનો કચ્ચરઘાણ  કરી કાઢવાનું મન થઇ જાય.

કોઈ ટીપા પાણી માટે ટળવળે
તો કોઈએ ટેરેસ પર ચડાવી દીધાં છે
આખ્ખે આખ્ખાં તળાવ.
કોઈ ચાંદરણાની સળી માટે વલખે,
તો કોઈએ આખ્ખે આખ્ખા સૂરજને છુપાવી રાખ્યો છે
સ્કાઈસ્ક્રેપરની આડે.
કોઈની વીરડીય  વસૂકી ગઈ છે
તો કોઈ આખ્ખે આખ્ખી નર્મદાને નાથી લાવ્યું છે
પોતાને ગામ.

અધીરાં તો અમેય થયાં છીએ,
સદીઓનાં વેઠ-વૈતરાં કરી કરી.
એમને નાગરિકમાંથી નૅટિઝન બનાવ્યા છે અમે
ને બદલામાં અમને મળ્યા છે દેશવટાના રઝળપાટ.
પણ અમે માનવતાવાદી છીએ:
અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ.
અમે તારી જેમ આખી સંસ્કૃતિને
મોંએ-જો-દેરોનો ટેકરો બનાવવા માગતા નથી.
અમે પાગલ પરશુરામની જેમ
લોહિયાળ ક્રાંતિમાં માનતા નથી.
અમે તો કરુણાળુ બુદ્ધના અનુયાયી.

લે, જો તારા આફ્ટરશૉકસની અસરો
ને કર પશ્ચાતાપ કલિંગના રાજાની જેમ:
ઓરિસ્સે વાવાઝોડું આવ્યું ત્યારે તો કોઈ ફરક્યું નહોતું,
એમનાં N. R. I. કનેક્શનોથી તો,
વિદેશી વિમાનોની વણઝાર ઉમટી પડી છે.
અરે ,ધોળીયા કૂતરાય એમનાં મડદાંની ગંધને
પહેલી પારખી કાઢે છે.
રેસ્ક્યુ-રિલીફ-રીહેબિલિટેશન
બધું વર્ણાશ્રમના  શાસ્ત્રીય ક્રમાનુસાર થાય છે અહીં.
ભદ્રજનો પછી ઇતરજનો પછી પરિજનોપછી હરિજનો.
સરકાર એમની,સ્વયંસેવકો એમના
એમને તો મોસાળમાં મા પીરસનાર
ને ઓશિયાળા ને આંગળીયાત તો અમે સૌ!
સ્વિટઝરલેન્ડના વૈભવી ટેન્ટ લઈ ગયા નેતા ને બાબુઓ
પાકિસ્તાનના પાયજામા લઈ ગયા ચડડી-બનિયનધારીઓ
અમારે ભાગે તો  ના આવ્યાં કટકો ટીન કે ટારપોલીન.
એમના વસ્તુશાસ્ત્રીઓએ કહ્યું:
વર્ણ પ્રમાણે ફાળવો વાસ.
ને અમારે ભાગે આવ્યા તળાવના ખરાબા-
વહેલો મળજો મોક્ષ જલસમાધિનો!

ભલા ભાઈ ભૂકંપ!
તારું 'ઓપરેશન ઇકવૉલિટી' ફેઈલ
તું ગમે તેટલા  રિકટર સ્કેલથી ત્રાટકે-
તું નહીં મિટાવી શકે
ભારતવર્ષની સામાજિક પ્રકૃતિ ને પર્યાવરણ.
ગમે તેટલી અનુકંપા છતાં
તું નહીં સિદ્ધ કરી શકે
બંધારણના આમુખમાં લખેલું બાબાનું સ્વપ્ન.

અલબત્ત એમને જરૂર યાદ રહેશે-
તારાનાં તેજે પણ ભયના ઓથાર હેઠળ ગાળેલી એ રાતો.

માટે હવે ન ત્રાટકતો બીજી વાર
વાંચ્યા -વિચાર્યા વગર
સમજ્યા-બૂઝ્યા વગર
જોયા-જાણ્યા વગર.

26 જાન્યુઆરી,2001ના ધરતીકંપની ઘટનાથી સ્ફૂરિત

સાળ ભાંગી

એના કાંઠલે જડાયેલી આંખોના આટાપાટા હવે બંધ.
એના મનના મોર ક્યાં પોત પર કળા કરશે?
એની નાનકીની ઓઢણીનો અડધો ચાંદો 
બળીને ખાક થઈ ગયો.
-ભીના સૂતરનો રંગ બળે છે;
સાથે રંગીન સપનું બળે છે.
એના તાણાવાણામાં ગૂંથાયેલું એનું આયખું
રાખનો ઢગલો થઈને ઠરી ગયું!

...એ સળગે આદિ માનવીને ઓઢાડેલી
લજ્જાના પ્રથમ સંસ્કાર!

હવે એની આંખોમાં બરફ થઈ ગયેલાં
આંસુઓનો થર અંધારી રાતમાં અંગારા જેમ ઝગશે.
હવે એના ઘરમાં
અડધી રાતનો દીવો નહિ બળે.

એમણે એની સાળ ભાંગી છે.

બાલ સ્વયંસેવક

સમરસતાનું સૂત્ર લઈને
તેઓ દલિત વસ્તીમાં આવ્યા:

પહેલાં તો એમણે
એની ખાખી ચડડીના ખિસ્સામાં
ચોકલેટ મૂકી.

પછી મૂક્યો ચૉક.

એણે તો બાલસહજ લખ્યું:
'ભારત મારો દેશ છે
બધા ભારતીયો મારાં ભાઈબહેન છે...'

તેઓ ચોંકી ઊઠ્યા શિશુસહજ ભાતૃભાવથી!

'કથાઓ ઘડીને કહેવી પડશે આર્ય અને મ્લેચ્છની
દુષ્ટ પર ઇષ્ટના વિજય માટે સુદર્શન વગેરેની.'

હવે તો તે સવાયો હિંદુ બની
ધોળા ખમીસના ખિસ્સામાં
હોંશે હોંશે ત્રિશૂળ ખોસીને જાય છે.
શિબિરમાં,શાખામાં
સ્વયંસેવક બની.

તા.3-10-2003ના 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં ખંજર,તલવાર,ભાલા,
લાઠીથી સજ્જ આર.એસ.એસ.ના બાલ સ્વયંસેવકોની પ્રગટ થયેલી તસવીરથી સ્ફૂરિત.

દાદા આંબેડકરનાં સંતાન..!

ગુરુદક્ષિણાની તારી કુટિલ દાનત જાણી ચૂકેલા
મારા મનુને ઓક્સફર્ડ
અને મારા કૌટિલ્યને કૅમ્બ્રિજમાં જવા દે
પછી તને રચી આપશે ન્યાસયી સ્મૃતિઓ
ને નવલાં શાસ્ત્રો.

તારી દેવભાષા ૐ થીય અદકેરા એકાદ અક્ષર માત્રથી
એ જગત આખાને અપાવશે મોક્ષ.
માણસને ભગવાન બનાવી આપશે
ને ચાર ધામ જ નહિ
ગામેગામને તીર્થ બનાવી આપશે.

સરયૂ કાંઠેના અડ્ડા જેવા તારા આશ્રમોમાં
ભલે તું એકલવ્યને એડમિશન ન આપે;
ને યેલમ્માની દેવદલિતાઓ જોડે
તું તારી જંઘાઓ દબાવડાવે.
પણ યાદ રાખ શંકરાચાર્ય,
મારાં વીર્યવાન સંતાનો આવીને
તારી વિદ્યા અને શકુંતલા બેઉને જીતી લેશે.
સાઈબિરીયા કે સાઉદીઆઓનો ન્યાયદંડ
તારી પિતાંબરી પીઠ પર ફટકારશે.
એમણે તારી આંખનું જ નહિ
તારા આસુરી આકાશનું ય નિશાન તાક્યું છે

મારે માણસ નથી બનવું

જંતુ બનીને જીવવું કબૂલ છે-
મારે માણસ નથી બનવું
મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.

મારે નથી જોઈતી પાંખો-
મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઈશ-
સાપ કે ગરોળી થઈને.

ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.

અરે , હું ક્રૂઝોના ટાપુ પર
ફ્રાઇડે બનીને જીવીશ.

પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું,
મારે હિંદુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.

હીરાકુંડ

હીરા,આવળનો રંગ તો બરાબરનો જામ્યો છે
ને પાકાં ગલ પાકી ગયાં છે ચામડાં
ત્યારે છોકરાં નવડાવતો હોય એવા વહાલથી
ક્યાં લગી મસળીશ આ ચામડાં- સાંજથી સવાર?
આ કુંડના ખારા પાણીની ગંધને
પાકેલી કેરીની જેમ
ક્યાં લગી ભરીશ ફેફસાં ફૂલાવી ફૂલાવી?
હીરા, તને આ કુંડની ભારે માયા-
જાણે તુલસી શ્યામના કુંડનું તિર્થોદક!
એ જ તારી કુળદેવી
ને એ જ તારી કામધેનુ.
પણ 'લ્યા તું તો ભોળો ને ભટ્ટાક,
તારી કાલિંદીને તો 
બાટા નામના વરણાગિયે
કાનપુરના કારખાને ઓઢાડી નવતર ચૂંદડી...
પણ આ માયા ને માયામાં તો
તારા આયખાને ચઢી ધૂળ,
ને કમાવાના કામનું ય ના રહ્યું તારું ચામડું.
જો ને,આકડાના દૂધમાં ઊજળાં થયાં ચામડાં
પણ કાળાં ડિબાંગ થયાં ને તારાં કાંડાં!
ને વાછૂટની ગંધ કરતાંય ભૂંડું ગંધાય તારું ડીલ!
અલ્યા, અંતે તો તારે કરવાં'તાં
નાડી ને જોતર,
સૂંઢીયો ને રામૈયો?
તારે તો નહીં  વાડી કે નહીં પાડી-
તેં શી આ આદરી બિરાદરી?
લ્યા, કોળી કે કણબીની બાયડીની
જાંઘે ય જોવા મળી છે બાપજન્મારે?
હીરા, તારા કુંડમાં તો સદીઓથી
સબડે છે કાળો સૂરજ-
તું ઊંચે તો જો બાપડાનું ગ્રહણ છૂટે...
તું હવે ઘેલો ન થા 
આકડિયા પાણીમાં જન્મેલાં ઇન્દ્રધનુથી.
હીરા,જો-
આકાશમાં તો ધખે છે સોનાના સૂરજ
ને ધરતી પર તો છે ઝળાંહળાં અજવાળું.

વહવાયાં

...એ મશાલો સળગી ભાગોળે,
... એ ઢોલ વાગ્યું,
...એ ટોળું આવ્યું,
...એ ધારિયાં, ભાલાનાં ફળાં ચમકે.
...એ ધૂળના ગોટા ઊડ્યા અંકાશ...
લ્યા ભાગો,લ્યા ભાગો,લ્યા ભાગો,
લ્યા ધાડ પડી,લ્યા ભાગો.
અલ્યા ઝેણિયા ઝાડ ઉપર ના ચઢો,
એ તો એક ઝાટકે થડ હોતું ને'ચું.
લ્યા ભાગો,લ્યા ભાગો,લ્યા ભાગો.
હાળા ખાડામાં ના હંતા'તા.
નહિ તોલ્યા ધરબઇ જ્યા હમજો.
લ્યા કૂવાનું ઢાંકણું કુણ ઢાંકે...
નહિ તો બધાં ઊંચાં કરીને ડફાડફ પાણીમાં.
લ્યા ભાગો,લ્યા ભાગો,લ્યા ભાગો,
ન'તો કે'તો ક પંછાયો ના પાડો
ન'તો કે'તો ક કોરેમોરે હેંડો
માળાં માને જ નહિ-
શે'રમાં કોપ ચા પીધો ક જાણે હઉ હરખાં!
લ્યા આયા,લ્યા આયા,લ્યા આયા.
લ્યા ભાગો,લ્યા ભાગો,લ્યા ભાગો.
મારી ડોશી, લ્યા મારી ડોશી,લ્યા ડોશી-
ડોશી ભાગ, તારો બાષ્પ પડ્યો પછવાડ
ધોડ ડોહા ધોડ,
તારો કાળ પડ્યો તારી પૂંઠે
લ્યા આ બાયડી
માળી ચ્યાં થઈ ગાભણી અટાણે-
હેંડ હાહુ હેંડ
નહિ તો પેઢામાં લાત ભેળાં હેઠાં
તું ન તારો મેઠીયો ગરભ
અલ્યા...બચારી બલાડી...
રોઈ રોઈને મરી જાહે
લ્યા માળા તમે તો મને ય મારી નંખાવશો...
હાળા કાળિયા તારા કાળ હાળુ ચ્યાં ધોડ્યો
હાળા ધોડ મારી પૂંઠે પૂંઠે,
પૂંછડી ગાંડમાં ઘાલી કાઢ હડી.
દોડો લ્યા દોડો દોડો
...એ માળાં વરૂ તો દોડી પૂગ્યાં-
લ્યા માર્યા લ્યા માર્યા લ્યા માર્યા
લ્યા માર્યા લ્યા માર્યા લ્યા માર્યા
રે'વા દો બાપલા રે'વા દો બાપલા 
રે'વા દો જોરૂભા,
રે'વા દો જટાજી,
રે'વા દો કાંતિભાઈ,
અમે તમારી ગાય બાપા,
અમે તમારાં છોરાં બાપા,
અમે તમારાં વહવાયાં બાપા, 
રહેવા દો બા...પ...લા...આ...

(આક્રોશ 1978)

હીરો

કુંડમાં ચામડાં ફેરવતાં ફેરવતાં
હીરાને હસ્તિનાપુરની ગાદી એ વિરાજેલાં
ચાવંડામાં પ્રસન્ન થઇ ગયાં
ને પ્રસાદમાં મોકલી આપ્યાં
પક્ષની કંઠી ને લોકસભાની ટીકીટ 

હીરો તો ભગવાનનો માણસ -
પાડોશીનાં ચામડાં પણ પલાળી આપે એવો પરગજુ
રોહીદાસ જેમ હીરો ય કુંડ ફેરવે
ને રટણા કરે:
રામની નહિ, પણ રાંકની.

હીરાએ તો ધોળો ઝભ્ભો .
ધોળું ધોતિયું
ને ધોળી ટોપી ચઢાવ્યા ખાદીનાં
ને ઊપડ્યો હસ્તિનાપુર.
પાર્લામેન્ટનાં એક ખૂણે
બાબાસહેબનું એક બાવલું ઊભું.
હીરો તો ભલા ભગવાનના દર્શન થતાં જ
સાષ્ટાંગ દંડવત કરવા ચત્તોપાટ સૂઈ ગયો
ને શ્લોક બોલવા લાગ્યો :
મારા નોધારાના આધાર ,
મારા ગરીબોના બેલી
મારા રાંકના રતન ,
મારા ભગવાન તારી જે,

ને પાર્લામેન્ટની લોનમાં
આ તમાશો જોઈ
સૌ હસવા લાગ્યા ખડખડાટ :
જોયું , એમ.પી.આવ્યા છે!
ખરા જાનવરને ટિકિટ આપે છે પાર્ટી!
આ આર્યાવર્તનું શાસન
આવા અક્કલના ઓથમીરને માથે?

હીરો તો જાણે અમરાપુરીમાં ભૂલો પડ્યો
હસ્તિનાપુરમાં તો હરાજી ચાલે
હિંદુસ્તાનનાં મનેખની.
એ તો હેરતમાં પડી ગયો
પાર્લામેન્ટના બખાળા જોઈ
એનો માંહ્યલો મૂંઝાયા કરે:
માળું આમને શું કહેવું-
આટલા ભણેલાં,ચાલાક   ને ચોખલિયાં લોક
ને તોય આ દેશની આ દશા!
અહીં રૈયત બધી રોકકળ કરે
ને આ ફાંદાળા હાળા   ફૂલ્યા કરે!

અમદાવાદ આવે
ને હીરાના વિરોધીઓ ઠેકડી કરે :
'હીરો ઘોઘે જઈ આવ્યો
ને દિલ્લીએ હાથ દઈ આવ્યો.'

એવામાં એકાએકગુજરાતમાં લાગી લ્હાય.
દાકતરોની ડાગળી ચસકી
ને કરી અનામતની હોળી.
હોળીમાં હરિજનોને ઝીંકે
ને કરે દેકારા:
અનામત હટાવ.
અનામત હટાવ.
હોળીમાં બળી બળી ભડથું થયાં બધાં.
હીરાનું હૈયું હાથમાં ન રહ્યું.
એનું અંતર કકળી ઊઠયું.
ફલાંગ ભરતો પવનપાવડી પર ચઢી
હીરો તો પાછો પૂગ્યો હસ્તિનાપુર.

શીતળામાનાં ઝલોલા જેવા,
રૂવે રૂંવે આગના ટશિયા ફૂટ્યા
ને દારૂખાનાની કોઠીની જેમ
હીરાના અંગ અંગમાંથી અગનફૂલ ઝરવા લાગ્યાં.
પણ ભાષણના શબ્દો ન જડે.
કાગળમાં તો કાળાકાળા મંકોડા
ને રાતીરાતી ઝીમેલો!
ગળે ડૂમો વળી વળીને ઊભરાય
ને મોઢે ફીણના ગોટેગોટા.
અચાનક હીરો તો
પીધેલા હાથીની જેમ રૂમલાયો
ને હનવા ભગવાનની જેમ
સંસદમાં કરવા માંડી હડીયાદોટી,
હીરો તો હાકોટા કરે
ને રાગડા તાણી રોવા માંડે,
એના રુદનમાં વહે રોષ ને રુધિર:
બધી બેન્ચો સળગી હીરાની હાકે-
ટ્રેઝરી બેન્ચ ને વિપક્ષી બેન્ચ.
પ્રેક્ષકગેલેરી ને પત્રકાર ગલી .
હીરાએ તો કર્યો હોબાળો
ને ડોલાવ્યો દરબાર.
ગ્રેટ પાર્લામેન્ટેરિયનોએ ઉઠાવ્યો
પોઈન્ટ ઓફ ઓર્ડર:
આ કોણ હવનમાં હાડકાં નાખે ?
સ્પીકરે ઠોકયો હથોડો વારંવાર :
ના શિસ્ત, ના સમાજ, ના શરમ ?
ગેરસંસદીય ભાષા ન ચાલે હીરા,
આ તો ઓગસ્ટ હાઉસ!
રુદન ગેરસંસદીય?

પણ હીરો જેનું નામ
ચામડિયાનો છોરો.
એણે તો સંસદનું ચામડું ચીર્યું
ને જોયું તો
સિંહના ચામડામાં છૂપાયું શિયાળ -
લુચ્ચું શિયાળ!
હીરો તો ગરબા ગાવા માંડ્યો
ગાંડો થઇ:
સંસદ તો બધી ભઈ પોલંપોલ
સંસદ તો ભઈ પોલું ઢોલ .
હીરાની દાંડી ને સંસદનું ભોલ.
હીરો ધીબે ને ખૂલે પોલ...
કાલભૈરવની જેમ નાચ્યો હીરો
સંસદના હૈયે ભર્યું બચકું
ને કોગળે કોગળે પીધુ લોહી
અલખ અઘોરીની જેમ.
હીરાના મોઢે મેલ્યું માઈક્રોફોન
હીરાના ચહેરા પર ગોઠવ્યું ફોકસ,
બી.બી.સી.નાં પડદે
હીરો તો હીરો બની ગયો.!
ગાંધીના અહિંસાવાદી દેશ
હિન્દુસ્તાનમાં હરિજનોનો હત્યા . હેડ લાઈન્સ
ગૌવધ tટાણે શંભુ ઉપવાસ કરે
ને માનવવધ ટાણે માધવ વાંસળી વગાડે
નીરોની જેમ! -
હીરાની હૈયાવરાળ બની ગઈ હેડ લાઈન્સ દેશવિદેશ.

ઘેર બધાં હીરાને વધાવવા અધીરાં:
સૂટેડ બૂટેડ ગાંધીઓ કરતાં
નાગરી નાતે નાતબહાર મૂકેલો
આ અભણ નક્સલાઇટ નરસૈંયો
ભલો ભલો.
પણ ચિંથરેવીંટ્યા રતન જેવો હીરો
ભોળો ભટ્ટાક .
અમદાવાદ સ્ટેશને ઊતરીને જુએ 
તો ખિસ્સું કતરાયેલું- 
કંઠી ને ટિકિટ ગૂમ.
ટી,સી.એ ટપાર્યો હીરાને:
'બીજી વાર હસ્તિનાપુરની ગાડીના રવાડે ચઢતો નહિ:
ચામડાં ચૂંથ્યા કર છાનોમાનો.

હીરાલાલ રણછોડભાઈ પરમાર 
(પાટણના માજી સાંસદ, ૧૯૮૦)
(૧ મે ૧૯૨૯- ૯ મે, ૨૦૨૦)
શ્રી.હીરાલાલ પરમારની સ્મૃતિ ને સલામ.

મારા ભાગનો વરસાદ

કોને ખબર
લાંચિયા દેવની જેમ તે યજ્ઞયાગથી રીઝે છે
કે લંપટ જોગીની જેમ
હળોતરે જોતરાયેલી
કુંવારી કિસાનકન્યાઓના નવસ્ત્રા નાચથી?
પણ જ્યારે તે ખરેખર વરસે છે
ત્યારે તેઓ તો છત્રી નીચે જાતને છૂપાવી લે છે
કે કરી કાઢે છે કારના કાચ બંધ
કે કાગળની હોડીઓ તરતી મૂકે
જુએ છે મેઘધનુષ્યના રંગીન તમાશા.

મેઘરાજાની બધી મહેર જાણે તૂટી પડે છે મારા માથે
વીજકડાકા ને વાવાઝોડા સમેત.
બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ
ફસડાઈ પડે છે મારો કૂબો ,
ને ગારમાટીનો રેલો બની વહી જાય છે
ગોરધન મુખીની ખેત-તલાવડીમાં.

મેઘો મંડ્યો છે:
જમના કાંઠે ગામ આખાની ગાયો ચરાવવા કાનિયો ગયો છે
ને ભર્યે ભાદરવે ભાણી પહેરેલાં લૂગડાં ધુએ છે વારાફેરી .
માસ્તરની નિશાળમાં ધોધમાર વરસાદ વરસ્યો’તો
ત્યારે તો તણાતી કીડી માટે
કબૂતરે ય ચૂંટ્યું’તું પીપળાનું પાન!
મનેય હૈયાધારણ
કે વરુણદેવના વધામણે આવ્યા’તા તેમ
તેઓ તરાપે તરતા તરતા
કે પવનપાવડીમાં ઊડીને ય નાખશે પાશેર ધાનનું પડીકું.

પણ તેઓ તો જેજેકાર કરતા રહ્યા જળબંબાકારનો!
એમના યજ્ઞકુંડો ભેલા ઉભરાયા અમારા ચર્મકુંડો ય –
ઉપરવાસ ને હેઠવાસ ,
એમ લોક આખાનું પાણી લૂંટી લૂંટી
એમને તો સંઘરી લીધાં
નદીનાળાં ને નહેરતળાવ.
કોઈએ વાવ્યા વોટરપાર્ક
તો કોઈએ ઉગાડ્યાં એક્વેરિયમ.
કોઈએ સીંચ્યા કમોદ-જીરાસરનાં ધરુવાડિયાં
તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી.
કોને ખબર મારા ભાગનો વરસાદ
કોના ખેતરમાં વરસતો હશે?
કોને ખબર મારા ભાગની ફસલ
કોણ લણતું હશે?
કોને ખબર વાદળાં તો
મેં વાવેલા ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના
મારા સપને?

કોને ખબર?

એક કૂતરો દ્વિજ થયો

શાસ્ત્રોમાં ભલે જે કહ્યું તે-
હું તો  કહું છું બ્રાહ્મણ વદે તે બ્રહ્મવાક્ય .
એ અંજલિ ભરીને જળ  છાંટે
તો  પોદળાને ય પવિત્ર કરે
ને લોકો એની પ્રસાદી ય લે !
જનોઈ તો  જાનવરને ય આપી શકાય-
જો એ જ્ઞાનેશ્વરની ભેંસની જેમ ગીતાગાન કરી શકે !
થાળ ભરી સોનામહોર આપો
તો એ શુદ્ર શિવાજીને પણ ક્ષત્રિય શિવાજી જાહેર કરી શકે.
અને આ અલ્સેશિયન કૂતરાની તો વાત જ અનોખી છે:
એને ગોમાંસ નહિ,
બલકે યવન-મ્લેચ્છ-ચાંડાલ જેવા
સૌ વિધર્મી-અધર્મીનું માંસ બહુ ભાવે છે,
વખતે એ મનુના ધર્મશાસ્ત્રના શ્લોકો ઘૂરકી શકે છે,
કૌટિલ્યના અર્થશાસ્ત્રની આયાતો પણ ભસી શકે છે.
આ વફાદાર શ્વાન તો આપણો સનાતનધર્મી સેવક છે.
અરે! સ્વયં સેવક છેને છે ગૌબ્રાહ્મણપ્રતિપાળ પણ.

હું ગીગો ભટ્ટ આ બ્રહ્મસભામાં આજ્ઞા કરું છું
કે એના ગળાનો પટ્ટો તોડી નાખો.
ને એના ઉપનયન સંસ્કાર કરી એણે છૂટ્ટો મૂકો.
હું એણે દ્વિજોત્તમ જાહેર કરું છું.
શાસ્ત્રોમાં ભલે જે કહ્યું તે- વિપ્ર વદે તે વેદવાક્ય !


અભણ હોત તો સારું

વિજ્ઞાન ભણતાં ભણતાં
ન્યૂટનનું સફરજન પડતું જોઈ
મને પહેલો વિચાર એણે ખાવાનો આવ્યો હતો.
સમૂહ્જીવનનો પથ શીખવા જતાં
હરીજન આશ્રમ રોડ પરનાં કાચઘરો જોઈમને પહેલો વિચાર
એમની ઉપર પથરો ફેંકવાનો આવ્યો હતો.
રિસેસમાં લાગેલી તરસને દબાવતાં
પાદરે માંડેલી પરબની ગોળીને જોઈ
મને પહેલો વિચાર
કૂતરાની જેમ એક પગ ઊંચો કરી
એમાં મૂતરવાનો આવ્યો હતો.

શિયાળ ફરતું ફરતું શહેરમાં આવી ચઢ્યું-
અકસ્માતે રંગરેજના કુંડામાં પડી ગયું-
રંગીન થતાં રંગમાં આવી ગયું-
જંગલમાં જઈ રજા તરીકે રોફ કરવા લાગ્યું-
પકડાઈ જતાં પાઠ  શીખ્યું-
-એવા મુદ્દા પરથી એક કરતાં વધારે અર્થ નીકળે,
એવી વાર્તા લખવા કરતાં
મને છેલ્લો વિચાર અભણ રહેવાનો આવ્યો હતો.

ભણીને અપમાનની સભાનતાને પામવી અને 
નિષ્ક્રિયતાને પોષવી- એના કરતાં તો
અભણ રહીને અન્યાયીને માથે આડી તો મારત,
કે મહુડી ઢીંચીને અપમાન તો ગળી ગયો હોત!

કાળિયો

બાપડા કાળિયાને શી ખબર
કે  આપણાથી શૂરાતન ના થાય?
ગાયના ગૂડા ખાઈને વકરેલો
એ તો હાઉ...હાઉ...હાઉ કરતો
વીજળીવેગે દોડી
દીપડાની જેમ તૂટી પડ્યો.
એણે તો બસ ગળચી પકડી રહેંસી કાઢ્યો મોતિયાને-
એનો દૂધનો કટોરો ઢોળાયો ચોકમાં,
એનાં ગલપટ્ટાનાં મોતી વેરાણાધૂળમાં.
એની લહ...લહ...નીકળી ગઈ વેંત લાંબી જીભ.
મોઢામાંથી ફીણના  પરપોટા ફૂલવા લાગ્યા
ને ફૂટવા લાગ્યા.

ગામ આખ્ખું વળ્યું ટોળે:
‘ઢેડાનો કોહ્ય્લો કાળિયો ...
બાપડા મોતિયાને ફાડી ખાધો.
હેંડો બધાં-
હાળા આ તો ફાટી ગ્યા કૂતરાંય આ તો!’
ને કાળિયાની પૂંઠે પડ્યાં
કણબાં ને કોળા ને ભા  ને બાપુ.
ભાલા ને બરછી  ને દાંતી ને ડાંગ,
ને થયું દળકટક ને ધીંગાણું !
પણ કાળિયો તો જાણે કાળ ,
એ તો ધોડ્યો જાય ઊભી કોતરે ...
પૂંઠે કંઈ કેટલાંય ગોટમણા ખાય
ને ચાટે ધૂળ.
પણ કાળિયો તો કાળિયારની જેમ
બસ ધોડ્યે જાય, ધોડ્યે જાય...

કહેવતમાં કીધું છે કે ભાંગી ધા ઢેઢવાડે જાય-
ધીંગાણું તો થાકીને ફર્યું પાછું
ને વિફર્યું વાસમાં.
નળિયા પર પડે ધબધબ લાકડીઓ.
ઝૂડી લેંબડી ને ઝૂડી પેંપળી.
ઝૂડી શીકોતરીની દેરી ને ફોડી પૂર્વજિયાંની માટલી,
ઝૂડી મેઠલી ને ઝૂડી માંનડી,
ઝૂડ્યો ધૂળિયો ને ઝૂડ્યો પરમો.

ખમા! બાપા ખમા!
કાળિયો તો જનાવર
પણ તમે તો મનખાદેવ,
બાપડા કાળિયાને શી ખબર
કે અમારાથી શૂરાતન ના થાય?

અમે અલ્ટ્રા ફેશનેબલ લોકો

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ-
અમારા વડવા તો ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.
એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે  વીટાળતા હતા.
એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડી ઓઢીને જ ફરતા હતા.
હુંય કાંય ઓછો વરણાગિયો નથી-
સી.જી.રોડનાં શો રૂમ  સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા  વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઇ ઊઠે છે.
બિચ્ચારા...
મારી બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઓડ-સાઈઝનું પીટર ઇંગ્લેન્ડ છે !



કાલચક્ર

સરયૂ ને કાંઠે બહુ સિતમો થયા 
કોઈ વાર ઋષિ શમ્બુક હણાયા 
તો કોઈવાર ઈશ્વર અલ્લાહનાં ઘર ભાંગ્યા.
સીતા કે શૂર્પણખાને રંજાડયાં રાજાએ.

શ્યામને થયું 
મરુભૂમિમાં શોષાઈ ગયેલી સરસ્વતીને તીરે જઈ વસું.
વાલ્મીકિ થઇ જવાય ત્યાં લાગી તપસ્યા કરું.

સૂપડું-સાવરણો લઈને  
ગધેડા પર બિરાજમાન શીતળામાતાના સ્થાનકે 
લઇ ગઈ મા  .

‘બોલ,ત્રિશૂળદીક્ષા આપું કે તલવારદીક્ષા?’
માએ કહ્યું : કલમદીક્ષા આપો એને , 
એનું ને સૌનું ભલું કરે એ.’
 
સતી રૂપકુંવરના સ્મશાનઘાટની  છત્રીના છાંયે 
શ્યામે કક્કો ઘૂંટ્યો.
ઘડી મરી ગયેલાં કૂતરાં કે બિલાડાંની  બાબાગાડી ખેંચી
રમતોય ખરો.
સાંજના વાળુમાં રાજભોગ જેવી કોકટેલ પણ 
આરોગતો મજેથી.

પાયખાનાં  પખાળીને 
નગરનું મેલું માથે ચઢાવીને 
માં સાથે નાનકડો શ્યામ રાજમાર્ગ પર ચાલે છે
ને જોધપુર નરેશ ગજરાજસિંહની સવારીને 
અપશુકન થાય છે.

‘મા, કેમ બધા હાડ... હાડ …કરે છે આપણને
જ્યાં ને ત્યાં ?’
‘છાનો મર , કેટલી વાર કહું કે ભંગી છીએ એટલે!’ 

શ્યામને વળી પાછી દ્વિધા થઈ :
કીરપાણદીક્ષા લઉં કે કલમદીક્ષા?
વિદ્યાર્થી શ્યામલાલે ઘડ્યું આવેદનપત્ર એના બાંધવો માટે :
૧. દરેક વાલ્મીકિને જ્જ્માનના કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે રોજનો એક આનો ને બે તાજી રોટી આપવી જોઇશે.
૨.જાજરૂ કે સફાઈ સિવાયના બીજા કોઈ કામ પેટે 
જૂદું વધારાનું વેતન ચૂકવવું જોઇશે, વેઠ સદંતર બંધ.
૩.માથે મેલું નહીં , એકાગાડી આપવી જોઇશે.

પણ રાજસ્થાન હાઈકોર્ટના પ્રાંગણમાં તો બેઠું હતું મનુનું પૂતળું-
રખેને કોઈ આંબેડકર સંહિતાનો અમલ કરે !
પણ શ્યામ જાણે એકલવ્યનો અવતાર 
દ્રોણના   પૂતળાની આંખ ,
એનું મસ્તક,
એનું હૃદય ,
સૌ બન્યાં એકમાત્ર લક્ષ્ય.

સ્નાતક થયો, અનુસ્નાતક થયો
અધ્યાપક થયો, પ્રાધ્યાપક થયો
મહેતર મટીને માસ્તર થયો
રૂખી મટીને ઋષિ થયો.

આવ્યો ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬નો દિવસ 
જોધપુરના કિલ્લાના દ્વારે 
હારતોરા લઈને ઊભાં છે નરેશ ગજરાજસિંહ 
વાઈસ ચાન્સેલર ડો.શ્યામલાલને વધાવવા.

શ્યામને યાદ આવે છે 
ચચ્ચાર સુવર્ણચંદ્રકોથી શોભતા
અશ્વેત ઓલિમ્પિયન જેસ્સી ઓવેન્સ સાથે
હાથ મેળવ્યા વગર 
ઊભી પૂંછડીએ ભાગી જતા હિટલરની!

કાગડા-કલીલનું મેલું માથે ઊંચકી 
મનુનું પૂતળું શરમનું માર્યું સળગી રહ્યું છે –
એક વાલ્મીકિ વાઈસ ચાન્સેલર બની ગયો છે 
એક ચમારિન અયોધ્યાની મહારાણી બની ગઈ છે
દેશનો રાજા દલિત નારાયણ છે.

કાલચક્રે  એક વર્તુળ પૂરું કર્યું છે.
તું જ મારી સહિયર:નીરવ પટેલ 


તું જ મારે ચેતના ને તું જ મારી ચિનગારી ,
તું જ મારોગુજરાતી દલિત કવિતા 

કવિશ્રી  નીરવ પટેલની  આ કવિતા અર્પણ કરું છું
શ્રી.માર્ટીન મેકવાનને, જેમણે  મનુપ્રતિમા  હટાવવા આંદોલન શરૂ કર્યું છે
શ્રી ચંદુ મહેરિયા અને શ્રી હરિ દેસાઈને જેમણે આ બાબતે અનુક્રમે પોઝીટીવ અને નેગેટીવ લેખ લખ્યા છે
અને 
મહારાષ્ટ્રની આંબેડકરી   મહિલાઓ કાન્તાબાઈ આહિરે અને શીલાબાઈ પવાર જેમણે મનુના પૂતળાના મોં પર  કાળો કુચડો ફેરવ્યો .

જોધપુર યુનિવર્સીટીના પ્રો.શ્યામ લાલ લિખિત Untold  Story of a Vice Chancellor આત્મકથાથી સ્ફૂરિત.

કાલચક્ર 

સરયૂ ને કાંઠે બહુ સિતમો થયા 
કોઈ વાર ઋષિ શમ્બુક હણાયા 
તો કોઈવાર ઈશ્વર અલ્લાહનાં ઘર ભાંગ્યા.
સીતા કે શૂર્પણખાને રંજાડયાં રાજાએ.

શ્યામને થયું 
મરુભૂમિમાં શોષાઈ ગયેલી સરસ્વતીને તીરે જઈ વસું.
વાલ્મીકિ થઇ જવાય ત્યાં લાગી તપસ્યા કરું.

સૂપડું-સાવરણો લઈને  
ગધેડા પર બિરાજમાન શીતળામાતાના સ્થાનકે 
લઇ ગઈ મા  .

‘બોલ,ત્રિશૂળદીક્ષા આપું કે તલવારદીક્ષા?’
માએ કહ્યું : કલમદીક્ષા આપો એને , 
એનું ને સૌનું ભલું કરે એ.’
 
સતી રૂપકુંવરના સ્મશાનઘાટની  છત્રીના છાંયે 
શ્યામે કક્કો ઘૂંટ્યો.
ઘડી મરી ગયેલાં કૂતરાં કે બિલાડાંની  બાબાગાડી ખેંચી
રમતોય ખરો.
સાંજના વાળુમાં રાજભોગ જેવી કોકટેલ પણ 
આરોગતો મજેથી.

પાયખાનાં  પખાળીને 
નગરનું મેલું માથે ચઢાવીને 
માં સાથે નાનકડો શ્યામ રાજમાર્ગ પર ચાલે છે
ને જોધપુર નરેશ ગજરાજસિંહની સવારીને 
અપશુકન થાય છે.

‘મા, કેમ બધા હાડ... હાડ …કરે છે આપણને
જ્યાં ને ત્યાં ?’
‘છાનો મર , કેટલી વાર કહું કે ભંગી છીએ એટલે!’ 

શ્યામને વળી પાછી દ્વિધા થઈ :
કીરપાણદીક્ષા લઉં કે કલમદીક્ષા?
વિદ્યાર્થી શ્યામલાલે ઘડ્યું આવેદનપત્ર એના બાંધવો માટે :
૧. દરેક વાલ્મીકિને જ્જ્માનના કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે રોજનો એક આનો ને બે તાજી રોટી આપવી જોઇશે.
૨.જાજરૂ કે સફાઈ સિવાયના બીજા કોઈ કામ પેટે 
જૂદું વધારાનું વેતન ચૂકવવું જોઇશે, વેઠ સદંતર બંધ.
૩.માથે મેલું નહીં , એકાગાડી આપવી જોઇશે.

પણ રાજસ્થાન હાઈકોર્ટના પ્રાંગણમાં તો બેઠું હતું મનુનું પૂતળું-
રખેને કોઈ આંબેડકર સંહિતાનો અમલ કરે !
પણ શ્યામ જાણે એકલવ્યનો અવતાર 
દ્રોણના   પૂતળાની આંખ ,
એનું મસ્તક,
એનું હૃદય ,
સૌ બન્યાં એકમાત્ર લક્ષ્ય.

સ્નાતક થયો, અનુસ્નાતક થયો
અધ્યાપક થયો, પ્રાધ્યાપક થયો
મહેતર મટીને માસ્તર થયો
રૂખી મટીને ઋષિ થયો.

આવ્યો ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬નો દિવસ 
જોધપુરના કિલ્લાના દ્વારે 
હારતોરા લઈને ઊભાં છે નરેશ ગજરાજસિંહ 
વાઈસ ચાન્સેલર ડો.શ્યામલાલને વધાવવા.

શ્યામને યાદ આવે છે 
ચચ્ચાર સુવર્ણચંદ્રકોથી શોભતા
અશ્વેત ઓલિમ્પિયન જેસ્સી ઓવેન્સ સાથે
હાથ મેળવ્યા વગર 
ઊભી પૂંછડીએ ભાગી જતા હિટલરની!

કાગડા-કલીલનું મેલું માથે ઊંચકી 
મનુનું પૂતળું શરમનું માર્યું સળગી રહ્યું છે –
એક વાલ્મીકિ વાઈસ ચાન્સેલર બની ગયો છે 
એક ચમારિન અયોધ્યાની મહારાણી બની ગઈ છે
દેશનો રાજા દલિત નારાયણ છે.

કાલચક્રે  એક વર્તુળ પૂરું કર્યું છે. 

જોધપુર યુનિવર્સીટીના પ્રો.શ્યામ લાલ લિખિત Untold  Story of a Vice Chancellor આત્મકથાથી સ્ફૂરિત.





તું જ મારી સહિયર

રોજ જાસલની હ્રદયદ્રાવક ચિઠ્ઠીઓ 
અને આંધળી માનાં આંસુભીના કાગળ આવે છે.
રોજ રૂપકુંવરબાની ચિતામાંથી ચીસો પડઘાય છે
અને સોનબાઈના લોહીમાં ભાભીની ચૂંદડીઓ રંગાય છે.
હું જ, હું જ છું એ સિતમગર સેડીસ્ટ,-
વિકૃત વાસનાગાર.
મેં જ તને દાસી પણ બનાવી 
ને દેવદાસી પણ:
રાણી-મહારાણી અને રખાત પણ. 
મેં જ તને બુરખો પણ પહેરાવ્યો 
ને બિકિની પણ.
મેં જ તારા મનનો માણીગર છીનવ્યો
ને મેં જ તારે માથે અણગમતો મૂરતિયો સ્થાપ્યો.
તું તારા મનની કે તનની પણ માલીકણ ન રહી. 
ઘરનાં પવાલાં-બુઝારાં તો ઠીક 
તારી કૂખે જણેલાઓ પાછળથી ય મેં તારું નામ ભૂન્સ્યું.
ફ્લેવિયાની આપવીતીમાં 
કે દમયંતીની દાસ્તાનમાં
હું જ તને કાલ બનીને કનડતો રહ્યો,
ને ઝાળ બનીને  સળગાવતો રહ્યો.
તને ગાળ-તુંકારા કર્યા જીવનભર 
ને તોય તું મહેર વરસાવતી રહી અનરાધાર 
મારા વડવાઓની કુળદેવીની જેમ.

પણ હવે તું પુરુષરજની ઝંખનામાં 
સદીઓથી શિલા થઇ નોંધારી થઇ ના પડી રહીશ મારગમાં.
તારા વેઠ-વૈતરાના ટોપલા હવે મારે માથાભેર.
હું કાચા પાકા રોટલા ટીપી કાઢીશ છોકરાં માટે .
ઓટલે લીંપી કાઢીશ ઓકાલીઓની ભાત;
ઘરડાં માબાપની કાવડ ઘડી રાખીશ.
હું જેસલની જેમ તારા માસિકધર્મનાં 
લૂગડાંય ધોઈશ પ્રાયશ્ચિતમાં.
હવે પછીનું બાળક તારા ગર્ભાશયમાં નહિ,
વૈજ્ઞાનિકોની ટેસ્ટ ટ્યૂબમાંય નહિ
બલકે મારા હૈયાના હિંડોળામાં જણીશ.
તારે સાત પગલાં આકાશે ભરવાનાં છે 
એટલે તું તારે બધાંય લંગર કાપી કાઢ પૃથ્વીથી;
ને સુકાન સંભાળ સકળ સંસારનું.
હું તો પ્રેમથી હલેસાં માર્યા કરીશ 
આપણી જીવનનૈયા માટે.
તું જ મારે ચેતના ને તું જ મારી ચિનગારી ,
તું જ મારો સંગાથ ને તું જ મારી સહિયર.
તારાથી જ તો છે આ પૃથ્વી પર સ્વર્ગ,
તારી જ તો ફરતે સમ્બધાયું છે સંવેદનાનું જાળું.
તું જ તો છે પર્યાય પ્રેમનો.
પણ પશ્ચિમના મત્ત પવનમાં વહી જઈને 
નોંધારું ના કરી મૂકતી માનવકુટુંબ.
ગંગાસતીની સજળ વાણીથી 
માનવજાત શાણી થાય છે .
જસમા ઓડણ
રાજા સિદ્ધરાજની કામવાસનાનેય નાકામિયાબ બનાવે છે.
મીરાં મેવાડા રાણાના કારાવાસમાં કેદ થતી નથી.
એટલે તું તારી ગરિમાને શોભે 
એવા લાગણીભીના ભીના રૂમાલ ફરકાવીને 
નવતર મુક્તિક્રાંતિનું રણશિંગું ફૂંક.

આવ આપણે નવેસરથી ઘર માંડીએ.
જો ચકો ચોખાનો દાણો લાવે,
જો ચકી માગનો દાણો લાવે,
જો ચકો  ચૂલો સળગાવે,
જો ચકી આંધણ મૂકે,
જો ચકો વાસણ માંજે,
જો ચકી પાણી ભરે,
જો ચકો-ચકી  ખીચડી આરોગે,
જો ચકો-ચકી માળે પોઢી મોજ કરે...

બોલ, કેવો રૂડો સંસાર !

નામશેષ

શેતાન શિલ્પીએ જન્મતાં વેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?

મારે તો ભૂલી જવું’તું મારું નામ-
એટલે જ તો મધરાત માથે લઇ એકવાર
ઘરગામ છોડી ભાગી નીકળ્યો ‘તો  શહેર ભણી.
અહી આવીને મેં મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો
ફરકાવ્યો’તો ઇન્ક્લાબનો ધ્વજ !
મારા નામના બંધારણના અણુએ અણુને
મેં ઓગાળી દીધા છે કોસ્મોપોલીટન કલ્ચરના દ્રાવણમાં.
મારા નામની કાંચળી ઉતારી
હું નિર્મળ ને નવીન બની ગયો છું
નહિ શોધાયેલા કોઈ તત્વ જેવો.
માઈક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?

અરે મને તો દહેશત છે-
મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ?

ઋચાને પત્ર

ઋચા, તારી નસેનસમાં વેદોનું લોહી વહે છે .
શ્રુતિ અને સ્મૃતિઓના સ્તનપાનથી બંધાયેલું છે તારું કલેવર.
તારે શિરે સોહે છે બ્રાહ્મણત્વની કલગી.
મારા બાપુની સાવરણીએ વાળેલા વાડામાં વીત્યું છે તારું શૈશવ.
ગૌરીવ્રતના કન્યાકાળે તેન જોયાં હતાં ગામ ગોંદરે અમારાં ઝૂંપડા
ત્યારે પ્રથમ વાર જન્મી હતી તારી બાલિશ આંખોમાં જુગુપ્સા.
ને તારા કૂતુંહલે વાંચ્યો હતો અમ ચમાર પ્રત્યેનો ધિક્કાર 
તારા વડીલોને ચહેરે.
ને ત્યારે તેં માનવીઓને અ,બ,ક,ડ વિભાગોમાં વહેન્ચાતેલા જોયા હતા.
ઋચા, હજીય તારી શેરીના કૂતરાના મોંમાં છે 
અણોજાનો સાદ પાડવા ગયેલ મારા બાપુની પોતડીનો ગાભો.
વાળુમાં આવે છે તારા ભાઈ ગૌરવના લાળીયા માંથી ભોંય પર પથરાયેલો ભાત.
હા,ઋચા, હું મજેથી ખાઉં છું ને જીવું છું 
અને એ જ તારા સહાધ્યાયીની સંજ્ઞા
પ્રથમવાર તારા કર્ણપટલે ઝીલી ત્યારે 
'જન્મના જાયતે શુદ્ર ,સંસ્કારાત દ્વિજ ઉચ્યતે '
એ શ્લોકનું ગુંજન થતું હતું .
મહાશાળાનાં વર્ષોમાં મનોવિજ્ઞાનની આંગળી પકડી 
તું પા..પા..ચાલે છે.
એટલો 'હું'તું સવિગત ઓળખે છે.

આજના દિક્ષાંત સમારંભમાં સુવર્ણ ચંદ્રકની આભાથી 
અંજાયેલી તું  Congratulations નો શિષ્ટાચાર પાઠવે છે.
અફસોસ !ઋચા કે હું પ્રણવ પંડિત નથી કે નથી ભાર્ગવ ત્રિવેદી!
હું છું 'ડ' વર્ગનો લલિત પરમાર.
ઋચા, મારે મન તું વેદની ઋચાથી વિશેષ છે,
મેઘદૂતની  પ્રણયપંક્તિ છે!
ઓમર ખૈયામની રૂબાઈત છે.

મારા ભાગનો વરસાદ

કોને ખબર
લાંચિયા દેવની જેમ તે યજ્ઞયાગથી રીઝે છે 
કે લંપટ જોગીની જેમ 
હળોતરે જોતરાયેલી 
કુંવારી કિસાનકન્યાઓના નવસ્ત્રા નાચથી?
પણ જ્યારે તે ખરેખર વરસે છે 
ત્યારે તેઓ તો છત્રી નીચે જાતને છૂપાવી લે છે
કે કરી કાઢે છે કારના કાચ બંધ 
કે કાગળની હોડીઓ તરતી મૂકે 
જુએ છે મેઘધનુષ્યના રંગીન તમાશા.

મેઘરાજાની બધી મહેર જાણે તૂટી પડે છે મારા માથે
વીજકડાકા ને વાવાઝોડા સમેત.
બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ 
ફસડાઈ પડે છે મારો કૂબો ,
ને ગારમાટીનો રેલો બની વહી જાય છે 
ગોરધન મુખીની ખેત-તલાવડીમાં. 

મેઘો મંડ્યો છે:
જમના કાંઠે ગામ આખાની ગાયો ચરાવવા કાનિયો ગયો છે
ને ભર્યે ભાદરવે ભાણી પહેરેલાં લૂગડાં ધુએ છે વારાફેરી .
માસ્તરની નિશાળમાં ધોધમાર વરસાદ વરસ્યો’તો 
ત્યારે તો તણાતી કીડી માટે
કબૂતરે ય ચૂંટ્યું’તું પીપળાનું પાન!
મનેય હૈયાધારણ 
કે વરુણદેવના વધામણે આવ્યા’તા તેમ 
તેઓ તરાપે તરતા તરતા 
કે પવનપાવડીમાં ઊડીને ય નાખશે પાશેર ધાનનું પડીકું.

પણ તેઓ તો જેજેકાર કરતા રહ્યા જળબંબાકારનો!
એમના યજ્ઞકુંડો ભેલા ઉભરાયા અમારા ચર્મકુંડો ય –
ઉપરવાસ ને હેઠવાસ ,
એમ લોક આખાનું પાણી લૂંટી લૂંટી 
એમને તો સંઘરી લીધાં
નદીનાળાં ને નહેરતળાવ.
કોઈએ વાવ્યા વોટરપાર્ક
તો કોઈએ ઉગાડ્યાં એક્વેરિયમ.
કોઈએ સીંચ્યા કમોદ-જીરાસરનાં ધરુવાડિયાં 
તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી.
કોને ખબર મારા ભાગનો વરસાદ 
કોના ખેતરમાં વરસતો હશે?
કોને ખબર મારા ભાગની ફસલ 
કોણ લણતું હશે?
કોને ખબર વાદળાં તો 
મેં વાવેલા ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના 
મારા સપને?

કોને ખબર?

બાબાસાહેબ દેવ થઈ ગયા

એ સવાર હશે 6ઠી ડિસેમ્બર1956 પછીના કોઈ દિવસની.
મારી એકડિયા નિશાળની સામેના ચોરે
અમારા ગોળના ગોવિંદ બારોટ
કરુણ રૂદનવાળું મરશિયું ગાતા હતા:
'ભીમરાવ સ્વર્ગે સિધાવિયા..'

એમના રાવણહથ્થાની ઘૂઘરીઓય ઝીણું ઝીણું રોતી હતી.
જરૂર એમના બાપા કે દાદા મરી ગયા હશે:
બિચારા કેવા અનાથ 
બની ગયા છે!

રિસેસમાં પાણી પીવા મહોલ્લે પહોંચ્યો
તો રાતપાળી કરીને આવેલ મોટાભાઈએ પોક મૂકી:
'બાબાસાહેબ દેવ થઈ ગયા..'

આજે 6ઠી ડિસેમ્બર1991.
ભીમવંદના થાયછે, ભીમભજનો ગવાય છે
ભીમગરબા ને ભીમરાસડા લેવાય છે
સારંગપુરની ભીમદેરીએ ભીમપારાયણ ચાલે છે:
કોઈ કમળ લઈને આવે છે,કોઈ ત્રિશૂળ લઈને આવે છે
કોઈ હાથીએ બેસીને આવે છે,કોઈ રથે ચડીને આવેછે
કોઈ ભૂરી ભીમધજાઓ ચઢાવે છે
તો કોઈ ભગવા ભીમનેજાઓ ધરાવે છે
લત્તે લત્તે ભીમભૂવાઓ ડાકલાં નગારાંઓ  વગાડે છે
ને નવલખાં નૈવેદ્ય ને નારિયેળ
પોતાના ઘર ભણી પધરાવે છે
કોઈ તાજા લોહી ભરેલા કળશ ને કુંભ
છેક બેલછી બિહારથી લાવે છે
ને ભીમધૂણામાં હોમે છે.

'ખરેખર બાબાસાહેબ દેવ થઈ ગયા, મોટાભાઈ?'

સંસદ સદસ્યાનો સોગંદ વિધિ

હું ફૂલન દેવી, એક દલિત નારી
ભારત માતાના સોગંદ ખાઈને કહું છું 
કે હું એની તન મનથી સેવા કરીશ, રક્ષા કરીશ.

હા, મેઁ ચંબલમાં બેરહમ રંજાડ કર્યો હતો,
૨૧ ઠાકુરને એકસામટા વીંધી નાખ્યા હતા.
એમણે ગીધડાંની  જેમ મને ચૂંથી હતી,
મોઢે ડૂચા મારી મને ભોગવી હતી સાગમટે.
ગમ આખ્ખાની વચ્ચે 
ભર બપોરે નાગી ફેરવી હતી મને .

હું ભારત માતાના સોગંદ ખાઈને કહું છુંકે 
હું એની કન્યાઓના શિયળની 
લોહીના અંતિમ બુંદ લાગી રક્ષા કરીશ.

હા, હું અંગૂઠા છાપ છું.
કારણકે મારા વડવાઓના અંગૂઠા કાપી ગયા હતા કપટી  બ્રાહ્મણો .
હું આ બુઠ્ઠા અંગૂઠાની છાપ ભૂંસવા 
આજથી એકડિયાસદનમાં પ્રવેશ લઉં છું.

હું સોગંદપૂર્વક કહું છું , મારી વહાલી ભારત માતા
કે  એક દિવસ
તારા પવિત્ર નામને અપવિત્ર કરતા સૌ જુલ્મગારોની 
હું નાગી પરેડ યોજીશ રાજપથ-જનપથ પર 
ને લાલ કિલ્લાથી  ઘોષિત કરીશ
નૂતન આઝાદ દિવસ.

જય હો ભારત માતા.



પોસ્ટમોર્ટમ

એની નાભિમાંથી ના મળી કસ્તૂરી.
એની ત્વચાને ઘણી તપાવી,
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો.
અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!
એના મસ મોટા જઠરમાંથી 
ના મળ્યો સાચા મોતીનો ચારો.
એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી
ના મળ્યું પુરાણનું એક પાનું ય.

એના કોહી ગયેલા કાળજામાંથી
ના મળ્યું સૂર્યવંશી શૂરાતન.

એના પોઇઝન થઈ ગયેલા હૃદય રસમાંથી
ના મળ્યું એના પુણ્ય એ કમાયેલું અમૃત!
એના અણુ એ અણુ જેટલા ટુકડા કરી જોયા
પણ એની છઠ્ઠી ઇન્દ્રિય ના મળી તે ના મળી.

હા, એના વિશાળ હૃદયમાંથી 
મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય.
એની અંગુલિઓને છેડેથી 
મળી આવ્યા નહોરનાં મૂળ.

એના સ્ફટિક જેવા ચોકઠાં હેઠળથી 
મળી આવ્યા ત્રિશૂળીયા દાંત,
એની આંખો
મગરનાં આંસુથી આંજેલી હતી.

એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં 
થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ.
એ એક આર્યપુરુષના મમીનું
પોસ્ટમોર્ટમ હતું.

નોંધ: આજે પોસ્ટ કરેલ વિશ્વકવિતા 'મરણોત્તર શબપરિક્ષણ' નોબેલ પ્રાઈઝ મળ્યું છે એવા ગ્રીક કવિ ઓડિશયસ એલિટીસની રચના આ સાથે વાંચો. એક વિશ્વકવિતામાંથી પ્રેરણા પામી દલિત કવિ પોતીકી રીતે કેવી વાત કરી શકે છે એનું નીરવભાઈની કવિતા ઉત્તમ ઉદાહરણ છે. 
ખાસ નવોદિત કવિઓએ વિશ્વકવિતા અને ભારતીય દલિત કવિતા વાંચવી એવો આગ્રહ છે.