અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ-
અમારા વડવા તો ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.
એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીટાળતા હતા.
એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડી ઓઢીને જ ફરતા હતા.
હુંય કાંય ઓછો વરણાગિયો નથી-
સી.જી.રોડનાં શો રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઇ ઊઠે છે.
બિચ્ચારા...
મારી બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઓડ-સાઈઝનું પીટર ઇંગ્લેન્ડ છે !
No comments:
Post a Comment