હું તારી પ્રતીક્ષા કરું છું :
તેં અંજલિ ભરીને અમૃતવાણી છાંટી
ને સવર્ણ શાપથી શલ્યા બની ગયેલા
ખંડેર ખોળિયાં મહોરી ઊઠ્યાં.
તેં વસ્તી વસ્તી વિદ્યા વાવી
ને એની આભાથી ઉજળી થઈ અછૂતોની ઓલાદ.
તેં સાવરણી વીંઝી વાળી કાઢ્યા
કૂડા-કચરા ઉકરડાનાં ઢગ
ને કાદવિયાં કલેવર ચોખ્ખાં -ચણાક થયા.
તેન બંધારણને ચોપડે લખ્યા છઠ્ઠીનાં નવા લેખ.
ને પેટીયાને મળ્યા પગ
વેઠિયાને મળી વાચા
પાંગળાને મળી પાંખો
આંધળાને મળી આંખો.
વાડેથી છૂટેલા વાછરડાઓની જેમ
સૌએ માંડી કૂદાકૂદ.
જોમ મળ્યું, જુવાની મળી,ઉલ્લાસ મળ્યો, આશા મળી
ને લોકો અગણિત સૂરજ-નક્ષત્રોને પામવા
હડિયાદોટ કરી મૂકી.
કોઈએ ખાદી ટોપી માથે મૂકી.
કોઈએ અંગે ખાખી વરદી પહેરી લીધી
કોઈએ ટેબલ-ખુરશી બોટી લીધાં
તો કોઈએ દલિત કવિતા ગાવાને મશે
મોઢે મેક અપ કરી
દૂરદર્શનના રૂપેરી પરદે જાતને મઢી લીધી!
પણ દલિત દીન- દુખિયાંની થઈ ચૂંથાચૂંથ.
બળિયાના બે ભાગ જેવી !
માંની-મેથી, અમથો-તખી,
સેનમાં-નાડિયા, ભંગી-હાડી
સૌ ખીણમાં પડ્યાં સબડ્યા કરે, કણસ્યા કરે
ને તોયે છેલ્લા દમ લગી
ભીમધૂન રટ્યા કરે:
બાબાસાહેબનો જયજયકાર!
કોઈનાં માથાં વઢાય,
કોઈના કાળજાં વધેરાય,
કોઈનાં ભોથાં ભડભડ બળે.
કોઈની આબરૂ વાટે-વગડે , ચોરેચૌટે લૂંટાય.
કોઈના માથે મળનાં માંડવા હજી મહેકે,
કોઈની હાંડલી દેવતા ઝંખે.
ને કોઈ અનામતિયો એપાર્ટમેન્ટનાં દીવાનખાનામાં
એ ચિચિયારીઓની જુગુપ્સાને ભૂલવા
રંગીન ચેનલની તલાશમાં આળોટયા કરે.
આ હાલ છે તારા સંઘર્ષના શમણાંનાં,
તારી મુક્તિના મનસૂબાના
.તારાં અંતેવાસીઓનાં અંતર રુએ અનરાધારે!
તું તો કવચ-કુંડળ વગર
એકલવ્ય જેવી આરાધનાથી
ઉપેક્ષિત ને એકલવીર રહીનેય જૂદ્ધે ચઢ્યો હતો.
કાશીના પંડિતોથી ઠુકરાયેલો તું
વિલાયતી વિધ્યાપીઠોને સેવતો હતો!
તેન તાતાં તીર મારી કૂલડી સમેત
અમારા ગળાનો ડૂમો વીંધી કાઢ્યો હતો
ને વિષાદવાણીની આદિમ સરવાણીઓ ફૂટી નીકળી હતી.
મહોલ્લે મહોલ્લે વાલ્મીકિ ને રૈદાસ પુનર્જીવિત થયા હતા.
દલિત કવિતામાં આક્રંદ અને આક્રોશનાં ડમરું વાગતાં હતાં.
પણ આજે છગનભાઈની રેલી
ને મગનભાઈની મહારેલીમાં
બેન્ડ-બગી ને નેતાઓનાં સામૈયાં થાય છે તારે મશે.
આજે જયજયકારનાં બુલંદ નારાઓના ઘેનમાં
દલિત દિવાળીનો ઉત્સવ ચાલે છે.
ને ‘संघम सरणं गच्छामि’ ની હાકલ ડૂબી ગઈ છે એમાં.
હજારો મણનાં હારતોરામાં
તારી દિશાદર્શક આંગળી ઓઝલ થઇ રહી છે.
આજે ચૌદમી એપ્રિલનાં પરોઢિયે
હું ૧૦૦૮ ખટારાઓથી શણગારેલી શોભાયાત્રાની નહિ
હું કોઈ એકવીસમી સદીના અલાઉદ્દીનનાં
બિલોરી સૂરજની નહિ
બલકે તારા પુનરાવતારની પ્રતીક્ષા કરું છું
મારા દીનબંધુ, મારા દલિતમિત્ર !
આ સારંગપુરનું બાવલું ફાટો
,એના કણકણમાંથી પાવક પ્રજળો
એની પ્રસાદી ઘરેઘર પહોંચો.
તારું પુનરુત્થાન થાઓ આ પથ્થરના પાળિયામાંથી
તારી સંવેદનાઓનો અમને ફરીથી સાક્ષાત્કાર થાઓ.
ભૂલ્યાં-ભટક્યાં ફરીથી પોતાનાં ભાંડુઓને ભેટે.
તું આ કાળી રાતના ગર્ભને ચીરીને
તારાં બાળકોમાં અવતાર થઈને અવતર.
No comments:
Post a Comment