હાથમાં પાવડા તગારાં લઈ
ડૉ. ભગા મંગા MS અને ડૉ. મ્હેરા મોહન FRCS
મૅન હોલનું ઢાંકણું ઉઘાડી
સડસડાટ ઊતરી પડ્યા પાતાળમાં.
આ અમદાવાદ તો અકરાંતિયું શહેર-
ડાયેરીયાનું દર્દી,
લૂસ મોશનનું પેશન્ટ,
અપચાનું જીર્ણ રોગી
એની સિસ્ટમ વારે વારે બગડે
ને છાશવારે ચઢાવવું પડે ડાયાલિસિસ
પણ આ ડૉક્ટરો ભારે કસબી
એમને એમના વિજ્ઞાન કરતાં એમની કળાનું ભારે ગુમાન.
ને પરગજુ ય એવા
કે ના જુએ દહાડો કે ના જુએ રાત.
ના પગબૂટ કે ના ગ્લોવ્ઝ,
ન ગેલન કે ન ઓક્સિજનના સિલિન્ડર,
ન ફર્સ્ટ-એઇડ બૉક્સ
ખરા મરજીવાઓ,ફક્ત કોથળી એક દેશીની પી
કાદવનાં કળણ ખોદવા, ઉલેચવા નીકળી પડે.
ન મળે મોતી કે ન મળે માણેક.
બસ શહેરના અનંત આંતરડાંને ઊંજ્યા કરે દિવેલ.
ને છોકરાંને વ્હાલ કરી ઝાડો કરાવે એમ
વ્હિસલ મારતાં મારતાં કરે સેવા-શુશ્રૂષા.
સાદગીના આગ્રહી તો એવા
કે જાણે ગાંધીબાપુના અદ્દલ હરિજન સેવકો!
મ્યુનિસિપાલિટીએ આપ્યાં છે
રાખોડી બાંડિયાં
ને ભૂરી ચડ્ડીઓ ખાદીની.
બસ અંધારી નસોમાં કર્યા કરે ખોદાણ,
ખેડાણ.
જમીન પર ચાર્ય કરે ભૂંડણાં
ને ચાટ્યા કરે મળ
ને ભોંય હેઠળ
ડૉ. ભગા મંગા ને ડૉ. મ્હેરા મોહન
અબૂલો ઢબૂલો રમ્યા કરે!
ને રમતમાં ને રમતમાં
કૂવામાં ગયેલો ઘડો જેમ બિલાડીમાં ઝડપાય
એમ આજે ડૉકટરોએ ખોળી કાઢ્યું એક ટયૂમર:
કોઈનાં કરતૂતનું માસૂમ ફળ!
જન્મ્યા પહેલાં નડતું હશે એની માની કુંવારી કૂખમાં
કે એનો લાગતો હશે ભાર આ પૃથ્વીને!
ને હવે નડે છે અહીં ધરતીની ધોરી નસોમાં.
પોટલું છોડીને ડૉક્ટરોએ શરૂ કર્યું પોસ્ટમોર્ટમ-
ઝેરી વાયુઓએ તો ભૂતની જેમ પકડી ગળચી.
ખાણિયાઓની જેમ ડૉક્ટરો લાગ્યા ગૂંગળાવા.
એમણે વારે વારે SOS નું દોરડું હલાવ્યું
પણ નર્કના દ્વાર જેવા મૅન-હોલના નાકે
તો ઊંઘે છે મુકાદમ જમાદાર સાહેબ,
ડૉ. મણા મ્હેતર ABZ ઇન સેનિટેશન,
હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ હાઈજીન!
લઠ્ઠાના ડોઝમાં ભારે દમામ
જાણે ડૉ. વાણી કે ડૉ. દાણી!
બાપડા ડૉ. ભગા મંગાને તક સવારની લાગી'તી તલબ
એમની તો એકમાત્ર ઈચ્છા હતી
બહાર આવી એક ખાખી બીડી ફૂંકવાની!
ને ડૉ. મ્હેરા મોહન -
સ્વભાવે જરા રંગીન, રૉમેન્ટિક...
એમને તો ઝટપટ બહાર આવી
લખડીને લઈ જવી'તી ફિલમમાં:
જય ભાથીજી મહારાજ!
બધાયની મનની મનમાં રહી ગઈ.
વહેતા વહેતા એ તો
ત્રીજે દહાડે નીકળ્યા દૂધેશ્વરને આરે-મોક્ષને ઓવારે.
નિર્મળ ને નીરવ ને નિરૂપદ્રવી
ડૉ. ભગા મંગા ને ડૉ. મ્હેરા મોહનની ખાંભીની માટી
વહી ગઈ સાબરમતી.
પણ હજી એમનાં સહસ્ર બાળકો
એ કાદવિયા દરિયા મોજથી ડહોળે છે-
મરે છે ને જીવે છે,
જીવે છે ને મરે છે.
No comments:
Post a Comment