ગ્લાસ નાઈલોનની સાડી પહેરી,
માથામાં કોપરેલ ચોળી,
બગછાપ સાબુથી સ્નાન કરી,
કૉલેજમાં જતી અમારી શબરીઓની સુક્કીભઠઠ આંખોને તળિયે
સૂકાય છે બોરબોર જેવડાં આંસુ-
તમારા સવર્ણ રામાઓની ગલીચ છેડતીથી.
અમારી અસ્મિતાને ઊંચકવા અમે શું કરીએ?
અમારા વગડાઉ વ્યક્તિત્વને કેમ કરી વેગળું મૂકીએ?
નામ બદલીએ?
અટક બદલીએ?
ગુજરાતી સાડીને અવળી વીંટીએ?
સંસ્કાર બદલીએ?
ધર્મ બદલીએ?
પણ ઇતિહાસ તો બદલી શકાતો નથી
ને ગરીબીને ફગાવી શકાતી નથી!
તમારી જેમ અમે ઋતુઓને
ફ્લેટ બહાર રાખી શકતા નથી-
એ સતત વરસે છે,
બેફામ ત્રાટકે છે,
ને ચારે બાજુના વાયરા વાય છે
અમારી કાણી છત ને કાણી દીવાલોમાંથી.
અમારાં લૂગડાંમાં ધૂંધવાય છે
ગોટાતા ધુમાડા
ને છાપરાંમાંથી વરસતી ધૂળ.
અભણ માની માવજત વગર
અમારા સૂક્કા, ભૂખરા, બરછટ
વાળનો ઢાળ કંઈક વિચિત્ર છે!
દૂધ, મલાઈબકે વિટમિન્સ વગર નભતા
અમારા દેહ તમારાથી જુદા જ છે!
પણ તમે ક્યારેય ગણી છે
બાજરીના રોટલા
ને ડુંગળીના ગાંઠિયાની કૅલરી?
અમારો રુક્ષ ને કાળી ચામડી તો ધોમ ધખતા સૂરજ હેઠળ
કેડ તોડતા વડવાઓનો વારસો!
કૉસ્મેટિક્સના ભાવથી ડઘાયેલાં અમે
લેટેસ્ટ કે ફૅશનેબલ બનવા જતાં પકડાઈ જઈએ છીએ!
અમારી તળપદી ભાષાને ફગાવી
અણિશુદ્ધ ભાષા બોલવાનો
ચીપીચીપીને પ્રયત્ન કરીએ છીએ
ને પકડાઈ જઈએ છીએ!
અફસોસ! ઇતિહાસ બદલી શકાતો નથી!
અમે અમારું ભવિષ્ય બદલીશું -
આવતી પેઢીનો ઇતિહાસ બદલીશું.
No comments:
Post a Comment