Monday, April 17, 2023

અમે સેકન્ડ કલાસ સિટિઝનો

મારી વહાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી,
ભારોભાર આભાર તારા ભાવભીના આમંત્રણનો.
અમે જનમ જનમના હિજરતી,
અમે માઈલોના માઈલોના પગપાળા પ્રવાસી,
અમારાં વિતકની વાત માંડવા
અમદાવાદથી મુંબઈની મેરેથોન પણ પાર કરી લઈએ.
તારે ગળગળા થવાની કાંઈ જરૂર નથી
મારી વહાલી રાંકડી મુંબઈ યુનિવર્સિટી!

તારા હાથીકાય બજેટ પર બહુ બોજ પડતો હશે
પંડિતો ને આચાર્યોનો,
સાક્ષરો ને સારસ્વતોનો,
દિન, ફેલો ને ચાન્સેલરોનો!
તારે તો  મૂલ્યવાન શાલો ઓઢાડવાની હશે
ટોળા, ઘોંઘાટ ને અવજોના એબ્સર્ડ કવિઓને.
તારા શહેરની સેંટૂર ને શેરેટનના સ્યૂટ
બુક કરવાના હશે 
વિઝીટીંગ પ્રોફેસરો માટે.
બાલની ખાલ ઉતારે તેવાં ઝીણાં ને સૂક્ષ્મ સંશોધનો
તારે ફિનાન્સ કરવાનાં હશે.

મારી વહાલી કંગાળ મુંબઈ યુનિવર્સિટી,
અમારા વાળુ કે ઉતારાની ચિંતા-ફકર ના કરતી
આભાર તારા શહેરની ફૂટપાથોનો,
વખાના માર્યા આવેલા અમારા ભાંડુઓ ભેળા રાતવાસો કરી લઈશું.
દલિત કવિ નામદેવ ઢસાળના
ગોલપીઠે પડ્યા રહીશું.
તું તારે સરભરા કર તારા જ્ઞાનપીઠ ગુર્જરેશ્વરોની.
અમો તો રાતભર રઝળીશું ગ્રાન્ટ રોડની ગલીઓમાં,
પૂછીશું ખબરઅંતર અમારી પાંજરે પૂરાયેલી યેલામ્માઓની,
ધારાવીની ઝૂંપડપટ્ટીમાં
લતીફ ખટીકની લારી ઉપર
પાઉં-ખીમાનું વાળુ કરી લઈશું.

મારી વહાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી,
અમો તો તારી લીલીછમ 
લૉનમાં
ગંદી ગ્રેફીટી જેવા અક્ષરો માત્ર.

તું તારે કુલીન કવિઓ,
અભિજાત ઍકેડેમિશ્યનો
ને ભદ્ર ભારતીઓનાં આતિથ્યની તૈયારીઓ કર.

જો કે સપનાં તો અમને ય આવે છે સુખનાં-
કેવાં હશે વાતાનુકૂલિત વાહનો ને વિશ્રામગૃહો!
પણ તું દિલગીર ના થતી મારી વહાલી રાંકડી મુંબઈ યુનિવર્સિટી!

તેં તો અમારું ભાવભીનું સ્વાગત કર્યું છે
સેકન્ડ કલાસની ટિકિટથી.

અમને યાદ આવે છે 1962ની સાલની એક સવાર:
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં
જેમ્સ મેરેડિથ નામના પ્રથમ અશ્વેત વિદ્યાર્થીનો પ્રવેશ.
કુ-કલકસ-ક્લેનનાં ધોળીયાં ગીધડાંઓ ઘૂમરાયાં છે ચહુદિશ.
પણ કેનેડી કેમ્પસમાં તોપો તેડાવે છે
આકાશમાં હવાઇદળનાં હેલિકોપ્ટરો ચોકી કરે છે
અમેરિકાએ આખી તિજોરી ધરી દીધી છે એક અશ્વેત નાગરિકના સ્વમાન માટે!

અમને યાદ આવે છે
દલિતોના બેલી 'લા મિઝરેબલ'ના લેખકનું ઘર
ફ્રાન્સની સરકારે સાઈલન્સ ઝોન જાહેર કર્યો છે:
પ્લિઝ ડોન્ટ ડિસ્ટર્બ,
વિકટર હયૂગો ઇઝ વર્કિંગ.

મારી પ્રિય પામર મુંબઈ યુનિવર્સિટી,
તારાં દળદર ફેડવા અમે અંગૂઠા તો ઠીક
શિર ધરી દઈશું તારે ચરણે
મરાઠાવાડાના દલિતોની જેમ.

તારું નામાન્તર કરીને
અમે નાલંદા કે તક્ષશીલાનું ગૌરવ બક્ષીશું કદી.
તારા દૈન્ય પર શરમાવાની કાંઈ જરૂર નથી
મારી પ્રિય પામર મુંબઈ યુનિવર્સિટી
તેં તો અમારું સ્વાગત કર્યું છે
સેકન્ડ કલાસની ટિકિટથી.

No comments:

Post a Comment