Friday, April 14, 2023

ઓપરેશન ઇક્વૉલિટી

જોયા- જાણ્યા વગર
વાંચ્યા- વિચાર્યા વગર
સમજ્યા- બૂઝ્યા વગર
તું ત્રાટક્યો ગમારની જેમ.

ભોળા ભાઈ!
એમ કાંઈ થોડો સામ્યવાદ આવી જાય છે?
સ્થળ ત્યાં જળ
ને જળ ત્યાં સ્થળ,
ખાડો ત્યાં ટેકરો
ને ખીણ ત્યાં પહાડ.એમ ધરમૂળ ફેરફાર કરી કાઢવા એટલે ક્રાન્તિ થઈ ગઈ?

તમારા જેવા સેન્ટિમેન્ટલ લોકોનું કામ નહીં
કૉમરેડ બનવાનું.
માર્ક્સ-માઓની વાત તો બાજુ પર,
કમ સે કમ નક્સલબારીની નિશાળના
આદિવાસી છોરા જોડે એક દહાડો રમ્યો હોત
તો ય તારા કામમાં કાંઇ ભલીવાર આવત.

તું તો બેફામ અરાજકતાવાદી બનીને
સૂકા ભેળું લીલુય બાળી કાઢે છે.ભૂંડાં ભેળાં ભલાંનેય ભરખી જાય છે.
ભાવુક બનીને બધું ભાંગી નાખવાથી
થોડું નવનિર્માણ થઈ જાય છે?

સમથળ કદાચ  કરી શકે તું
તારું કામ નહીં સમરસતાનું,
સમાનતાનું.
આમ તો તેં દિવસે ય સપરમો ચૂન્યો:
26મી જાન્યુઆરી
દેશનો પ્રજાસત્તાક દિવસ!

સ્વતંત્રતા-સમાનતા-બંધુતાના આદર્શોના ધજાગરા
ફરકાવતાં હતાં અંજારનાં ભોળાં ભૂલકાં
ને તું એનાર્કિસ્ટની જેમ ઊડઝૂડ ત્રાટક્યો એમની પર

તું પાવન પ્રકોપથી એટલો પાગલ કે સાચું એપિસેન્ટર પણ ના ગોઠવી શક્યો!
ભૂંડા, કચ્છ તો સંતો- સખાવતીઓની ભૂમિ
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી.
ભલા ભાઈ!
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?

તારી વાત સાચી:
માહોલ તો એવો છે કે ગુસ્સાથી સળગી જવાય.
અવતાર ધરવાનું વચન આપી પૂતળામાં પેસી ગયેલા
ભગવાનનો કચ્ચરઘાણ  કરી કાઢવાનું મન થઇ જાય.

કોઈ ટીપા પાણી માટે ટળવળે
તો કોઈએ ટેરેસ પર ચડાવી દીધાં છે
આખ્ખે આખ્ખાં તળાવ.
કોઈ ચાંદરણાની સળી માટે વલખે,
તો કોઈએ આખ્ખે આખ્ખા સૂરજને છુપાવી રાખ્યો છે
સ્કાઈસ્ક્રેપરની આડે.
કોઈની વીરડીય  વસૂકી ગઈ છે
તો કોઈ આખ્ખે આખ્ખી નર્મદાને નાથી લાવ્યું છે
પોતાને ગામ.

અધીરાં તો અમેય થયાં છીએ,
સદીઓનાં વેઠ-વૈતરાં કરી કરી.
એમને નાગરિકમાંથી નૅટિઝન બનાવ્યા છે અમે
ને બદલામાં અમને મળ્યા છે દેશવટાના રઝળપાટ.
પણ અમે માનવતાવાદી છીએ:
અમે એક આંખ રાતી તો એક આંખ રોતી રાખીએ છીએ.
અમે તારી જેમ આખી સંસ્કૃતિને
મોંએ-જો-દેરોનો ટેકરો બનાવવા માગતા નથી.
અમે પાગલ પરશુરામની જેમ
લોહિયાળ ક્રાંતિમાં માનતા નથી.
અમે તો કરુણાળુ બુદ્ધના અનુયાયી.

લે, જો તારા આફ્ટરશૉકસની અસરો
ને કર પશ્ચાતાપ કલિંગના રાજાની જેમ:
ઓરિસ્સે વાવાઝોડું આવ્યું ત્યારે તો કોઈ ફરક્યું નહોતું,
એમનાં N. R. I. કનેક્શનોથી તો,
વિદેશી વિમાનોની વણઝાર ઉમટી પડી છે.
અરે ,ધોળીયા કૂતરાય એમનાં મડદાંની ગંધને
પહેલી પારખી કાઢે છે.
રેસ્ક્યુ-રિલીફ-રીહેબિલિટેશન
બધું વર્ણાશ્રમના  શાસ્ત્રીય ક્રમાનુસાર થાય છે અહીં.
ભદ્રજનો પછી ઇતરજનો પછી પરિજનોપછી હરિજનો.
સરકાર એમની,સ્વયંસેવકો એમના
એમને તો મોસાળમાં મા પીરસનાર
ને ઓશિયાળા ને આંગળીયાત તો અમે સૌ!
સ્વિટઝરલેન્ડના વૈભવી ટેન્ટ લઈ ગયા નેતા ને બાબુઓ
પાકિસ્તાનના પાયજામા લઈ ગયા ચડડી-બનિયનધારીઓ
અમારે ભાગે તો  ના આવ્યાં કટકો ટીન કે ટારપોલીન.
એમના વસ્તુશાસ્ત્રીઓએ કહ્યું:
વર્ણ પ્રમાણે ફાળવો વાસ.
ને અમારે ભાગે આવ્યા તળાવના ખરાબા-
વહેલો મળજો મોક્ષ જલસમાધિનો!

ભલા ભાઈ ભૂકંપ!
તારું 'ઓપરેશન ઇકવૉલિટી' ફેઈલ
તું ગમે તેટલા  રિકટર સ્કેલથી ત્રાટકે-
તું નહીં મિટાવી શકે
ભારતવર્ષની સામાજિક પ્રકૃતિ ને પર્યાવરણ.
ગમે તેટલી અનુકંપા છતાં
તું નહીં સિદ્ધ કરી શકે
બંધારણના આમુખમાં લખેલું બાબાનું સ્વપ્ન.

અલબત્ત એમને જરૂર યાદ રહેશે-
તારાનાં તેજે પણ ભયના ઓથાર હેઠળ ગાળેલી એ રાતો.

માટે હવે ન ત્રાટકતો બીજી વાર
વાંચ્યા -વિચાર્યા વગર
સમજ્યા-બૂઝ્યા વગર
જોયા-જાણ્યા વગર.

26 જાન્યુઆરી,2001ના ધરતીકંપની ઘટનાથી સ્ફૂરિત

No comments:

Post a Comment