રોજ જાસલની હ્રદયદ્રાવક ચિઠ્ઠીઓ
અને આંધળી માનાં આંસુભીના કાગળ આવે છે.
રોજ રૂપકુંવરબાની ચિતામાંથી ચીસો પડઘાય છે
અને સોનબાઈના લોહીમાં ભાભીની ચૂંદડીઓ રંગાય છે.
હું જ, હું જ છું એ સિતમગર સેડીસ્ટ,-
વિકૃત વાસનાગાર.
મેં જ તને દાસી પણ બનાવી
ને દેવદાસી પણ:
રાણી-મહારાણી અને રખાત પણ.
મેં જ તને બુરખો પણ પહેરાવ્યો
ને બિકિની પણ.
મેં જ તારા મનનો માણીગર છીનવ્યો
ને મેં જ તારે માથે અણગમતો મૂરતિયો સ્થાપ્યો.
તું તારા મનની કે તનની પણ માલીકણ ન રહી.
ઘરનાં પવાલાં-બુઝારાં તો ઠીક
તારી કૂખે જણેલાઓ પાછળથી ય મેં તારું નામ ભૂન્સ્યું.
ફ્લેવિયાની આપવીતીમાં
કે દમયંતીની દાસ્તાનમાં
હું જ તને કાલ બનીને કનડતો રહ્યો,
ને ઝાળ બનીને સળગાવતો રહ્યો.
તને ગાળ-તુંકારા કર્યા જીવનભર
ને તોય તું મહેર વરસાવતી રહી અનરાધાર
મારા વડવાઓની કુળદેવીની જેમ.
પણ હવે તું પુરુષરજની ઝંખનામાં
સદીઓથી શિલા થઇ નોંધારી થઇ ના પડી રહીશ મારગમાં.
તારા વેઠ-વૈતરાના ટોપલા હવે મારે માથાભેર.
હું કાચા પાકા રોટલા ટીપી કાઢીશ છોકરાં માટે .
ઓટલે લીંપી કાઢીશ ઓકાલીઓની ભાત;
ઘરડાં માબાપની કાવડ ઘડી રાખીશ.
હું જેસલની જેમ તારા માસિકધર્મનાં
લૂગડાંય ધોઈશ પ્રાયશ્ચિતમાં.
હવે પછીનું બાળક તારા ગર્ભાશયમાં નહિ,
વૈજ્ઞાનિકોની ટેસ્ટ ટ્યૂબમાંય નહિ
બલકે મારા હૈયાના હિંડોળામાં જણીશ.
તારે સાત પગલાં આકાશે ભરવાનાં છે
એટલે તું તારે બધાંય લંગર કાપી કાઢ પૃથ્વીથી;
ને સુકાન સંભાળ સકળ સંસારનું.
હું તો પ્રેમથી હલેસાં માર્યા કરીશ
આપણી જીવનનૈયા માટે.
તું જ મારે ચેતના ને તું જ મારી ચિનગારી ,
તું જ મારો સંગાથ ને તું જ મારી સહિયર.
તારાથી જ તો છે આ પૃથ્વી પર સ્વર્ગ,
તારી જ તો ફરતે સમ્બધાયું છે સંવેદનાનું જાળું.
તું જ તો છે પર્યાય પ્રેમનો.
પણ પશ્ચિમના મત્ત પવનમાં વહી જઈને
નોંધારું ના કરી મૂકતી માનવકુટુંબ.
ગંગાસતીની સજળ વાણીથી
માનવજાત શાણી થાય છે .
જસમા ઓડણ
રાજા સિદ્ધરાજની કામવાસનાનેય નાકામિયાબ બનાવે છે.
મીરાં મેવાડા રાણાના કારાવાસમાં કેદ થતી નથી.
એટલે તું તારી ગરિમાને શોભે
એવા લાગણીભીના ભીના રૂમાલ ફરકાવીને
નવતર મુક્તિક્રાંતિનું રણશિંગું ફૂંક.
આવ આપણે નવેસરથી ઘર માંડીએ.
જો ચકો ચોખાનો દાણો લાવે,
જો ચકી માગનો દાણો લાવે,
જો ચકો ચૂલો સળગાવે,
જો ચકી આંધણ મૂકે,
જો ચકો વાસણ માંજે,
જો ચકી પાણી ભરે,
જો ચકો-ચકી ખીચડી આરોગે,
જો ચકો-ચકી માળે પોઢી મોજ કરે...
બોલ, કેવો રૂડો સંસાર !
No comments:
Post a Comment