Friday, April 14, 2023

જેતલપુર હત્યાકાંડ



શિયાળાની કડકડતી ઠંડીની ભેંકાર રાત-
ચારે તરફ સૂમસામ ને સૂનો
સૂતો છે વગડો.

ત્યારે શિયાળવાંની લાળીને હમણાં જ લલકારી
'માખણિયા'ના ઘાસની ગંજીમાં
ઘસઘસાટ ઘોરતો'તો શકરો
ફાટેલીતૂટેલી ગોદડીમાં ઢબૂરાઈ,
ટૂંટિયું વળી
જાણે બુઝાયેલા તાપણાની હૂંફાળી રાખમાં પોઢયો છે મોતિયો!

તારા ટપોટપ હોલવાયા
પણ માઝમ રાતનો મરઘો તો ના બોલ્યો.
એકાએક શકરે નાખી ચીસ...
ચીસાચીસ... ચીસાચીસ...
જાણે કો' ઘવાયેલા દીપડે પાડી ત્રાડ!
ઘુવડે પાડી ચીસ...
સમડીએ નાખી ચીસ...
ચીબરીએ દીધી ચીસ...
સૌ નિશાચરોએ કરી મૂકી રડારોળ...
જાણે આખો વગડો રાતી ચીસે સળગ્યો!
કોઈ રાની પશુએ
વાઘ કે વરુએ
નક્કી કોઈ સસલાની ગળચી પકડી
કે ઊંઘતું પારેવું ઝડપાયું પંજામાં,
ચિરાયું નહોરમાં,
કોઈ ભોળા પંખીનો માળો પીંખાયો
ને બચ્ચાંએ કરી મૂકી બૂમરાણ...

પણ મરઘો બોલે તો જ વહાણું વાય!
શકરાની ચીસે થઈ ગઈ દિશાઓ લાલઘૂમ.
બહેરા સ્વામિનારાયણનો બાવો
શિક્ષાપત્રીના પાટા બાંધી મીઠી નિદ્રામાં મ્હાલે.
ઝાડવે ઝાડવે પડઘાય ચીસ
પણ ના જાગે જેતલપુર ગામ!

બુકાની બંધ માનવઓળાઓ
ઝળુંબે ચારેકોર,
ગડદાપાટ,
ઢોરમાર,
લાકડીઓની બોછાર,
લોહીલુહાણ
ને અધમૂઓ.
લોહી નીંગળતી જીભે
શકરો કરે કાકલૂદીઓ:
ખમૈયા કરો બાપલા... ખમૈયા કરો...
મને છોડી મૂકો માબાપ...
હું તમારી ગાય માબાપ...
તમે કહો તો કદી પગ નહીં મેલું જેતલપુર ગામ.

પણ વાળ ખેંચી
ઢસડી તાણી,
શકરનો કર્યો ચીલો સીમથી ગામ.
ગામથી ગ્રામપંચાયત,ન્યાય પંચાયત-
બસ પટેલે લીધી પેટી
ને કડવે રેડયું કેરોસીન
કોઈએ ઝાલ્યો બાવડે
ને કોઈએ દીધો ગળે પગ,
ને થઈ હોળી...

શકરો તો થયો ભડકો...
ભડકામાં બળવા માંડી ચીસ.
ઘૂંટાવા માંડ્યા શ્વાસ.
ભડકે માંડ્યું તાપવા આખું ગામ.

પણ ભડકો તો પૂગ્યો થઈ ફોન શહેરમાં.
કમિશનરનું કટક બોલાવ્યું ભડકે.
કોણ શકરો?
શકરો, શકરોબાજ શકરો?
ના , ભાઈ , ના.
અરે, આ તો આપણો શકરો.
વગડાનો નહીં,
આ તો આપણા વાસનો શકરો.
પચ્ચીસ વર્ષે બાપડો પંડે એકલો શકરો.
પાંત્રીસ રૂપિયે પટેલભાઈનો
સીમરખો સસ્તો શકરો.
વાસમાં સહુનો વ્હાલો શકરો
શરદપૂનમનો શોખીન શકરો.
ગરબારાસમાં ગબલાવાસે ઘૂમતો શકરો
ગૌચર માટે લડતો શકરો,
લઘુતમ વેતન માગતો શકરો,
શકરો ચામડિયાનો છૈયો 
સમાનતાનાં ગાણાં ગાતો
હરિજન નરસૈયો!

બાપડો શકરો-
અરેરે, બાપડો થયો ભડકો.
પણ એનો કાંઈ વાંક.
પણ એનો કાંઈ ગુન્હો બાપલા?

વાંક? ગુન્હો?
શકરા ઉપર સૌને હતો શક-
શકરો તો ચોર હતો ચોર:
- શકરે ચોરી'તી રાવળિયાની શક્કરટેટી,
-શકરે ચોર્યું'તું કાછિયાનું શકકરિયું,
શકરે ચોર્યું વાઘરણનું શીંગોડું,
-શકરે ભાંગ્યું'તું કુંભારભાઈનું શકોરું,
-શકરે તોડ્યું'તું ભરવાડણનું શીકું,
-શકરે ફૂંકયો'તો પૂજારીનો શંખ,
-શકરે વગાડ્યો'તો સ્વામિનારાયણનો  ઘંટ.

ના.
શકરો તો ગામ આખાનાં ઘરેણાં ચોરી,
જેતલપુરના સોનીને વેચી;
આંતરરાષ્ટ્રિય સોનાના ભાવ  ગબડાવી પાડતો'તો.
આખું અર્થતંત્ર  ડામાડોળ કરી કાઢતો'તો.

ના ...
શકરો તો શિયાળ જેવો લુચ્ચો હતો
એણે ઘણા દરબારી સિંહોને કૂવામાં ગબડાવી પાડ્યા'તા!

ના...
શકરો તો શકરોબાજ હતો-
કંઈ કેટલાંય ભોળાં જનાવર ભરખી ગ્યો'તો!

ના...
શકરો તો શિકારી કૂત્તો હતો-
ઘાસની ગંજીમાં પડ્યો પડ્યો શિશ્ન ચાટતો'તો
ને ગામની ઊજળી વહુઆરુની પૂંઠેપૂંઠે
ભાદરવો કે ના ભાદરવો-
સૂંઘતો સૂંઘતો ફરતો'તો!
શકરો સળગાવવા જેવો'તો!

દશ કોષ દૂર શહેરમાં જાગ્યાં
સૌ શકરાનાં સગાંવહાલાં.
જાગ્યા રમેશભાઈ,
જાગ્યાં શાન્તાબેન,
જાગ્યા મનુભાઈ,
જાગ્યા નારણભાઇ,
થઈ ગ્યો હાહાકાર શહેરમાં,
ચોરેચૌટે ટોળે વળ્યું લોક.
સૌએ કાઢી સ્મશાનયાત્રા,
માર્ગે ઉમટયો મોટો મહેરામણ.
સૌ  રડયાં મૂકી પોકે પોક.
સૌ ભરાયાં ક્રોધે,
સૌએ પાળ્યો શોક.
જવાનિયે છેડયો આક્રોશ...
ને નક્કી થઈ એક શોકસભા.

વડવાનલના વેગે ઉપડી વાત-
સૌ ઊમટયું જેતલપુર ગામ,
કોઈએ જોડી સાઇકલ
ને કોઈએ પકડી ચલતી.
કોઈએ પકડી બસ કે કરી હાઇજેક,
કોઈએ પકડ્યું ટ્રેકટર કે કર્યું પંક્ચર,
અટારીએથી
માથે ઢોળ્યું સવર્ણ કન્યાએ
એંઠવાડનું પાણી.
ગામેતીએ ફેંક્યો કાંકરો,
બીજે ફેંક્યો ઢેખાળો,
તો ત્રીજે ફેંકી ઈંટ

ને પછી વર્ષા આ તો પથ્થરની ભઈ!

લ્યા ભાગો...લ્યા ભાગો...લ્યા ભાગો...
પણ સામે આંતર્યા
ખાખી ડગલે!
એમણે વીંઝી લાઠી,
ને ફોડયા અશ્રુવાયુના ટેટા.

લ્યા આ તો ભારે થઈ ભઈ ભારે થઈ...
લ્યા ઝડપાયા, ભઈ ઝડપાયા, ભઈ ઝડપાયા
લ્યા કરો કાંક...
લ્યા કરો કાંક...
રે લીધી કોઈએ કાંકરી ને તાકી અટારી માંહ્ય.
બીજે લીધો ઢેખાળો,
ને ત્રીજે લીધો ઈંટાળો,
ને ચોથે લીધો પથરો,
થઈ ફેંકમફેંકી સામા સામી...
કોઈનું તૂટયું ટાલકું
ને કોઈનું ફૂટ્યું માથું!

ટોળાનું તે નિશાન કેવું?
ને ટોળા પરનું નિશાન કદી કાંઈ ચૂકે?

બાપડો શકરો!

એની શોકસભા ભેળાણી,
એની શોકસભા લજવાણી.

બસ એક પ્રાર્થના ના પહોંચી પરમેશ્વરના કાને.
શકરાના લંબાતા શ્વાસે લખાવ્યું'તું-
ફલાણા ફલાણા પટેલ-

આરોપીઓ તો સારા ઘરના-
એમને રિમાન્ડ પર કાંય લેવાય?
ને એમણે તો જીતવા માંડ્યું-
શકરે તો કરી'તી આત્મહત્યા!-એમણે તો ચલાવ્યું તૂત!
એમણે રોક્યો હાર્વર્ડનો એલ.એલ.એમ.
રોક્યો ચાણક્ય ચતુર,
રોક્યો બીરબલ બાહોશ,
રોક્યો પાલખીવાળો,
રોક્યો પખાલવાળો.

બાપડો ન્યાયાધીશ પણ મૂતરે એમનું નામ સાંભળી!
અદ્દલે જહાંગીરીની વાત જવા દો!
ચૂંટણીટાણે વચન દીધેલાં
યાદ કરાવે કૌરવોનાં કણબાં બચ્ચાં-
રે એ તો ધારે તો બ્રહ્માને તેડે
ને ધારે તો કુબેર-તિજોરી તોડે!

બાપડો શકરો
ભડકો તો બળીબળીને બેઠો હેઠે...

રે એમાં શું?
રામે શંબુકને નહોતો માર્યો?
કૃષ્ણે જરાસંધને નહોતો ચીર્યો?
ભાગલપુરમાં ન'તી ખોતરી કાઢી આંખો?
ઝાંઝમેર ને રણમલપુર ને દસાડા-
લ્યા ભૂલી ગયાં?
ને તમે તો શૂદ્ર છો,
ક્ષુદ્ર છો,
જંતુ છો,
મગતરાં છો,
મચ્છર છો.

ઓહોહો...એમાં તે શું થઈ ગયું-
એક ઢેડું મર્યું
એમાં આટલો હોબાળો શેનો?

આહાહા....
અમારા બાપદાદે તો
જે ઢેયડી ગમી એને પાડી શેઢે
કે જે ઢેડું ફાટ્યું આડું
એને માર્યું આડું.
ને કર્યું પાંસરું દોર.

છે કાંઈ બાઈ સોનાના ઘણીનો અતોપતો?
ધાકમાં ને ધાકમાં થઈ ગઈ ને દરબારી રખાત?

લ્યા , અમે તો પટેલ છીએ પટેલ.
આ ગામના ઘણી, અન્નદાતા!
ગામ છેવાડે રહેવા દીધાં એ કાંઈ ઓછું છે લ્યાં?
તમે તો વહવાયાં,
લ્યા ભૂલી ગયાં એ સૌ?
જા...જા, છાનુંમાનું ભૂલી જા-
લે મણ બે મણ દાણા.
લે આ માધવસિંહના પાંચ હજાર,
લે આ વાણવીશેઠના બીજા પાંચ હજાર. 
લ્યા ધરાયો લ્યા?
જા હસતો હસતો...
શકરો હોય કે ના હોય,
તું નહીં સૂવે ભૂખે...બસ.
ખેંચી કાઢ પાછો કેસ.
આમેય ગામ હામે લડવાનું ગજું નહીં તારું
સંકેલી લે ભીનું-
ને કશી ઉંહ કરી છે
તો શકરા જેવી થશે તારી વલે.

પણ રમેશભાઈ,
શાંતાબેન,
મનુભાઈ,
નારણભાઇ,

તમે ચૂપ ના રહેશો.

એમણે કરવાનાં ખૂન
ને આપણે ભરવાની શોકસભાઓ?
હજી રાખ કંઈ ઠરી નથી.હજી ચીસ કંઈ બળી નથી.
આજે શકરો,
કાલે શોમલો.
વાઘ લોહી ચાખી ગયાનું દુઃખ છે મોટું.

શકરાની ચીસો આકાશમાં ચકરાવો લે છે.
શકરાની ચીસોથી ખેતરમાં મોલ ધરૂજે છે,
ઝાડવાં કંપે છે.
જનાવર કંપે છે.

જયાં જ્યાં લોહીનું બુંદ પડ્યું
ત્યાં ત્યાં શકરે નાખ્યો ફણગો.

ભલે સળગે શકરો દેવહુમાની જેમ.
નહીં, નહીં...

હું નહીં સૂવાનો, 
નહીં સૂવા દેવાનો,
હું એ જ ઘાસની ગંજીમાં પડ્યો પડ્યો
તિખારા જેમ પ્રજળું છું.
ને રાતી આંખે જાગું છું.
જોઉં છું કોણ પાડે છે છીંડું?
કોણ દબોચે ઘેટાં મારાં?
હું તીર જેવી પેન તાકીને ઊભો છું.
આક્રોશની સરાણે સજાવી લાવ્યો છું ટાંક
પણછ ચઢાવી બેઠો છું-
પટેલ તને નહીં છોડું
પોલિટિશિયન તનેય નહીં છોડું
જો કશું કપટ કર્યું છે તો...

શેષનાગને વીંધી નાખી
પૃથ્વીનો દડો ગબડાવી પાડીશ પાતાળે.
પાકિસ્તાનના અબ્દુલ સલામ પાસેથી
અણુનો તણખો માગી લાવીશ
ને હિન્દુસ્તાનને કરીશ કબ્રસ્તાન.
બોલો દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ!
કે આફ્રિકેથી મગાવીશ મહમ્મદઅલી જેવા મુક્કાઓ-
બોલો દલિત -સીદી ભાઈ ભાઈ!
કે યુ.નો.નું હેડક્વાર્ટર હાઇજેક કરી
ઉતારીશ જેતલપુર ગામ
જો કશો દગો રમ્યા તો!

વીજળીવેગે વહેવા માંડ્યું છે રુધિર મારી નસોમાં
મારાં અંગેઅંગ ક્રોધાગ્નિથી કંપે.
મને મારું તાંડવ શરૂ કરવા દે નટરાજ!
મને મારું ત્રીજું નેત્ર ખોલવા દે મહાદેવ!
મને મારું ચક્ર છોડવા દે ભગવાન!

મને બહેરા ભગવાનને
પીડાનો પરિચય કરાવવા દે, ભગવાન!

25-12-1980માં જેતલપુર ગ્રામ પંચાયત ઑફિસે શકરાભાઈ નામના દલિત યુવકને જીવતો સળગાવી મારી નાખેલો એ ઘટના પરથી સ્ફૂરિત.

No comments:

Post a Comment