(1)
ઉકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,
રાજા રાંમની જેમ.
એટલે વારે વારે ના મેળવી જો મગલના ચહેરાને
તારા કે તારા વડવાઓના ચાડા હાથે.
ને બચારી બાયડીને મારી મારીને અધમૂઈ ના કર.
ઊકા! મર્યા ઢોરના આંચળ ય મેઠા લાગે...
રે'વા દે, બાયડીને બચારાં બચ બચ ધાવશે છોરાં.
ને અડે કાંઈ અભડાઈ જવાય,ઊકા?
બાપડી બાયડીને આડી વાટે આંતરે
તે કાંઈ એનો વાંક-ગનો?
ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય...
ઊકા!સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?
જો ને આ ધરતી-
સૂરજના પહેલા ખોળાની પોરી!
કેવી ખાબડખૂબડ,
કેવી કાબરચીતરી,
કેવી અંધારી ને અધકચરી!
ઊકા!એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં
ઝાઝો ફેર નથી એ વાત હાચી;
પણ એમ તો કેટલાંય કણબાં, કોળાં
કલાડીની મેંશ જેવાં હોય છે-
લે કહે, એ બધાં તેં જન્યાં'તાં, મેં જન્યાં'તાં?
ખોળે કે ખભે બેસાડી ગેલ કરાવે
એ મોતિયો કે મીંદડી તેં જન્યાં'તાં?
ઊકા!જણનારી તો જનેતા
પણ ગોકુળિયામાં તો પાળે એ પિતા કહેવાય
વાલના બી ભેળો વટાણો આવે
તે કાંઈ વીણી કઢાય,ઊકા?
કામનો ને બોલનો ભાગિયો
એ તો કાલ મોટો થઈ
જશે આકડે કે આવળિયે
ને સૌ સારાં વાનાં થશે.
ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે
રાજા રાંમની જેમ.
કાં તો તાકીને મારવું પડશે તીર
કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર
ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર.
(2)
મેઠી!મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી સીતાની જેમ.
એટલે વાડે ને વગડે
કે ઝાડે ને ઝાંખરે
છેડો તાણીને લોહીના ઉકાળા જેવો વલોપાત ના કર.
એ તો બાપડો વખાનો માર્યો
બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા
કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય.
તને કૂખમાં શૂળની જેમ કળતા
એ કણબીના કણાને ધવરાવતાં જોઈ
ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય
ને વખતે ધોલધપાટે ય કરી બેસે...
નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?
પણ કણબીની વાડી
કે કાળુભાનો કૂવો
કે કોળીનો કૂબો-
ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઉછરે
તે બધુંય ગળી જવું પડે:
રાતી નજર
ને કાળી દાનત ય.
પણ મેઠી!
ઢેડ ઢેફા જેવો ધૂળીયો તો ય ધણી
ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી
ઊભો રાખે એવો એ તો...
એના આદમીની આમન્યા તો નંદવાઈ ને?
પણ મેઠી!
બચ્ચું તો બાળારાજા.
ખ્રિસ્તી બાવો કહે છે ને
કે ગમાણે જન્યા એ પરભુ કહેવાયા
ને વહેતી છાબડિયે જડયા એ રાજા કહેવાયા!
એ તો કાલ દાઢીયાળો થઈ તારી પડખે ઊભો રે'શે.
તું જ જો ને-
મા કાળકાનો પછેડો ન'તો પકડ્યો પતૈએ?
ને બઈ જસમાનો છેડો ન'તો ઝાલ્યો રાજા સધરાજે?
તોય કાંઈ પાલવડે પડ્યા ડાઘ?
એમની તો પત રહી
ને એ...લોકમાં પંકાય ને પૂજાય.
મેઠી! મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી સીતાની જેમ.
કાં વગડાની વાઘણ
કે જંગલની જોગણી થઈ
ખપ્પરમાં લેવાં પડશે બધાં કણબાંકોળાંકાળોતરાં.
No comments:
Post a Comment