Monday, April 17, 2023

તું જાણે છે કે...

તું જાણે છે કે
સાળવીએ વણેલાં રેશમિયાં પોતથી
કે મેહરિયે વેતરેલા મૃગલાની મશકથી
માણસનું હૃદય સર્જી શકાતું નથી.
એટલે તેં દ્વિજોત્તમ પુરુષોત્તમ પાછળ ઘેલા થવાનું મૂકીને
શિરાઓનાં સૂતરથી જનોઈનું તાંતણો વણવો વ્યર્થ માન્યો હતો.
તું જાતના જન્માક્ષર નહોતી ગોઠવતી.
તું જાણે છે કે
લોહીમજ્જાથી ધબકતાં હૃદયનો
એક જ જાતગુણ હોય છે:
સ્પંદન!
એટલે તેં જાતીલા હીરાવેધ
ને નાતીલા મત્સ્યવેધ મૂકીને
તારી કાયાને પણછ ચઢાવી પડઘાવી શકે
એવા કોઈ શબ્દવેધને પામવા
તારા અંતરના એકાંત ખૂણે
સ્વયંવર યોજ્યો હતો
ને મદાયત્તમ તુ પૌરુષમ્ ની હાક મારતા
એક કવિની-દલિત કવિની માયાને માળા પહેરાવી હતી.
એ ચાંડાલપુત્ર ને તું મેઘવાળની કન્યા.
ને સૃષ્ટિ પર હાહાકાર મચી ગયો હતો:
અનુલોમ કે પ્રતિલોમ?
પણ તું જાણે છે કે
પ્રેમ જ પાર્થિવ ને પેગંબરી હોય છે.
માણસ માણસ વચ્ચેના વૈમનસ્યને વિચલિત કરે છે
ને તું જાને છે કે
વાડાઓ ઘેટાંબકરાંના હોય છે-
માણસના વાડા
ઢેઢવાડા કે ચમારવાડા જેવા સંકિરણ નહિ
બલ્કે વિશ્વ જેવા વિશાળ હોય છે:
વસુધૈવ કુટુંબકમ.
તારા પિતાની અંતિમ યાત્રાના શોક-સરઘસમાં
તને સામેલ ન થવા દઈ
ભલે તેઓએ સવાઈ 
સવર્ણગીરી દાખવી.
પણ તું જાણે છે કે
વિલાપ એ અંગત ને અમૂલ્ય સંવેદના છે
ને અરણ્યરુદન જેવી વિષાદી કોઈ અભિવ્યક્તિ નથી.
તું જાણે છે કે
જેઓએ તને ગાળોનો વરસાદ વરસાવી,
ધક્કા મારી હડધૂત કરવાની કોશિશ કરી
તેઓ ભિક્ષુ આનંદની કરૂણાની કસોટીની જેમ
તારા પ્રેમની પરીક્ષા કરી રહ્યા છે.
તું જાણે છે કે
તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે?
તું જાણે છે-
તેઓ જ્યારે જાણતા થશે
ત્યારે વસંત રજબની વિશાળ ને વિરલ મૈત્રી જેવા
આપણા સ્નેહનું સ્મારક રચાશે.

No comments:

Post a Comment