હું ફૂલન દેવી, એક દલિત નારી
ભારત માતાના સોગંદ ખાઈને કહું છું
કે હું એની તન મનથી સેવા કરીશ, રક્ષા કરીશ.
હા, મેઁ ચંબલમાં બેરહમ રંજાડ કર્યો હતો,
૨૧ ઠાકુરને એકસામટા વીંધી નાખ્યા હતા.
એમણે ગીધડાંની જેમ મને ચૂંથી હતી,
મોઢે ડૂચા મારી મને ભોગવી હતી સાગમટે.
ગમ આખ્ખાની વચ્ચે
ભર બપોરે નાગી ફેરવી હતી મને .
હું ભારત માતાના સોગંદ ખાઈને કહું છુંકે
હું એની કન્યાઓના શિયળની
લોહીના અંતિમ બુંદ લાગી રક્ષા કરીશ.
હા, હું અંગૂઠા છાપ છું.
કારણકે મારા વડવાઓના અંગૂઠા કાપી ગયા હતા કપટી બ્રાહ્મણો .
હું આ બુઠ્ઠા અંગૂઠાની છાપ ભૂંસવા
આજથી એકડિયાસદનમાં પ્રવેશ લઉં છું.
હું સોગંદપૂર્વક કહું છું , મારી વહાલી ભારત માતા
કે એક દિવસ
તારા પવિત્ર નામને અપવિત્ર કરતા સૌ જુલ્મગારોની
હું નાગી પરેડ યોજીશ રાજપથ-જનપથ પર
ને લાલ કિલ્લાથી ઘોષિત કરીશ
નૂતન આઝાદ દિવસ.
જય હો ભારત માતા.
No comments:
Post a Comment