Friday, April 14, 2023

ગોલાણાના પીટરને

ઝાંઝરકે જવું મેલો
ગાબ્રિયલ, ગોલાણે ગાડાં જોડો;
શહીદોનાં સામૈયાં કરવા 
નવે તીરથધામે સંઘ સૌના તેડો.
ભાઈ ગયા, ભડવીર ગયા...
દીકરા ગયા,દોસ્તદાર ગયા...

દેવળમાં કરો ડંકારવ, પીટર ક્રાઇસ્ટને કેસરિયાનાં કહેણ મોકલાવો,
મૅરીના મરશિયા મેલાવો
જમીલાને જૌહર માટે સજાવો,
ક્યામતનો અવસર આંગણે આવ્યો.

જીજી, વીરોને હાલરડાં સંભળાવો-
પુનરુત્થાનમાં પોઢેલા પયગંબરોને જગાડો.
પીટર, તારા પોપને પેટાવો.તેજા તારી તોપને ચેતાવો.
માર્ટિન લ્યુથર ને કિંગને ખભે મશીનગન મઢાવો
મધર ટેરિઝાને ટેન્કો લઇ તેડાવો
બાઇબલ બંધ રાખો, ફાધર
હવે તો સંઘર્ષ-સુવાર્તા સંભળાવો:
નવા કરારથીય નવલો નવતર
ન્યાયી કરાર હવે કંડારો.

ગોલાણું ભેલાણું ગાબ્રિયલ
ઝાંઝરકે જવું મેલો
ગોલાણું ગોઝારું થયું,
ગગજી ગોલાણે ગાડાં જોડો.

પીટર,તું તારા યીશુપિતાની વાત વિચારી જો,
પીટર, હું મારા પરમેશ્વરની વાત વિચારી લઉં...

તેઓએ ભગવાનના દીકરાને શૂળીએ ચઢાવ્યો
ને તેં બીજો ગઝલ ધર્યો,
ને તેઓએ કેલૈયા કુંવર જેવા તારા દીકરા પ્રભુદાસને વધેર્યો
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ ગોલાણે વીંધી નાખ્યા પાઉલ-ખોડો-મોહન
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ રિલીફ રોડ પર રહેમાનની રિક્ષા સળગાવી
ને માંહી બેઠેલાં ખાલા ખાલુ,ચાચા ચચી ભડથું થઈ ગયાં
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ દિલ્હીમાં અમરજિત કૌરનાં
અઢી હજાર કુટુંબીઓની કતલ કરી,
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ આસામના નેલ્લીમાં
નેક નિર્દોષ નિરાશ્રિતોને ભૂંજી નાખ્યાં
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ અનામતને નામે ધિક્કારયજ્ઞ કર્યો
ને દલિત-દુખિયાંને હેવાનીયત્ન હવનમાં હોમી દીધાં
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ સાગબારામાં ગુંતા બાઈ પર ગેંગરેપ કર્યો
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ બુખારી મહોલ્લાની બાનુના બુરખાને ચીરી
બર્બર બંદૂકના કામુક કૂંદાને લોહીઝાણ કર્યો,
ને તેં બીજો ગાલ ધર્યો...

ને હું કિંકર્તવ્યમૂઢ કવિ
કાગળને કાંઠે બેઠોબેઠો કાગારોળ કર્યા કરું!
હું નિર્વીર્ય નીરવ પટેલ-
ના થવાય નથ્થુરામ
ના થવાય બિયન્તસિંહ
હું મુઠી હાડકાંનો માળો
એટલે કાગળના કુરુક્ષેત્રમાં
ખોંખારા કરું શીશાની શાહીથી.

પીટર, મારા વહાલા ભાઈ,
તારા પડછંદી કલેવરને સજાવ
તારી ફૌલાદી ભુજાઓ ગજાવ
ને ભીંસી દે આ ભ્રષ્ટ ભદ્ર ભારતવર્ષ
મને પાગલ પવનનો પિયાલો પીવડાવ:
કે મારે કોઠે કાળભૈરવ હાકોટા કરે,
મારી ખોપરીના ધૂપિયે ભેજાં બળે...

ચાલો,આ દેશની મબલખ માટીમાં પ્રગટતી
વિવિધતાઓ નવાજીએ
ને એમાંથી સ્વર્ગના ટુકડા જેવાં
કમનીયન કોમ્યુન રચીએ:
લઈ લો ઝારખંડ,
લઈ લો ગરીબનગર,
લઈ લો જનપદો,
લઈ લો દ્રવિડદેશ,
લઈ લો નાગભૂમિ,
લઈ લો કપિભૂમિ,
લઈ લો પાકિસ્તાન,
લઈ લો ખાલિસ્તાન,
લઈ લો દલિતસ્તાન...

'ઓપરેશન રેડસ્ટાર'નો ઢંઢેરો પીટો
પૂર્વથી પશ્ચિમ
ને ઉત્તરથી દક્ષિણ
સીમે સીમે સળગાવો તેલંગણા:
ગામે ગામે પ્રગટાવો નક્સલવાદી હોળી,
પ્રીતમ સિંહ, પાંચેય કક્કાને પાંચેય નદીઓમાં પધરાવી દે
પીટર, તારા ધોળા ઝબ્બા હેઠળ ધબકતાં
ધોળાં પારેવાં ઊડાડી મૂક આકાશે.
રાવજી,ઠંડા બરફ જેવી બંદગીથી
તું યીશુ પૂર્વેની 21મી સદીના અંધકારને નહીં ભેદી શકે
હવે તો હાચી ટેક, નેક ટેક મંગાવ પૂર્વના દેશથી,
તારા ક્રોસને ઓગાળી કુહાડા ઘડાવ,
જંગ જારી છે,પીટર
જેહાદ જારી છે,પીટર
પીટર, મારા વહાલા ભાઈ
કેડે પછેડી બાંધ
બદરુદ્દીન મારા બંધવા
લુંગીની લગાવ લંગોટી
પીર પેગમ્બર પાદરીને પાણીપતના ધીંગાણે ઉતારો
આ તો રણહાક પડી રણમલ, રવજી
પીટર,કરીમ, કરસન,કરતાર સિંહ-
સૌ ચલો
માથું પડે તો ધડને લડતું મેલો...

સમતાધર્મની જેહાદ જો જાગી
હવે તો રાજગઢ દરબારગઢના કાંગરા તોડો
રા'ખંડેર રા'પાયમાલગઢ કરી મેલો
પીટર, હવે તો જાલિમસિંહની
મૂછોનં લીંબુ
વીંધી પાડો હેઠાં
એમનાં સામંતી છત્ર છોગાંને ધૂળ મહીં રગદોળો.
કાબાના  પવિત્ર પથ્થરે પટકી પટકી
પછાડો એ ખવીસોની ખોપરીઓ
એમના સિતમનાં સાલિયાણાં ભરપાઈ કરો તમારા શૂરાતનથી.

આ તો કાળો કેર વર્તાવે કા'ના!
જસ્યો જોસેફ થઇ જાય તોયે ઝૂડે
પીટર પોચો હોય તોયે પીડે
ને પાઉલ થઈ જાય તોયે પીટે
કરીમો કગરે તોય કનડે
ને રહીમો રહેમ માગે તોય રગડે
સંતા સિંહ સલામ ભરે તોય સતાવે
ટપુડો ટટ્ટાર  ચાલે તોયે ટોકે
ને કાળી કોરાણે ચાલે તોયે મારગ વચાળે રોળે...
એ વારા ફરતા વારા કાઢે:
પીટર ,તું ભંગી હો કે ભાંભી,
તું હરિજન હો કે ગિરિજન,
તું આદિવાસી હો કે રવિદાસી
તું મહમદી હો કે મજહબી
તું રામ હો કે રહીમ.
એ વારા ફરતા વારા કાઢે?

તું બિરાદરી બાંધ બિછડેલા બાંધવોની.
દલિત વંચિત પીડિત શોષિત
સૌની પીડા એક.
ગળે મળો પીટર સૌ સમદુખીયાંથી.
સોગંદ ખાઈને સાથી બનો
સમતાકૂચ કરો
સંઘર્ષ કરો.
તમે જ ઘડો તમારું નવું બાઇબલ-નવું કુરાન
નવો કરાર:સમતા કરાર
ન્યાયી કરાર:અસ્મિતા કરાર.

તા.25-1-1986ના રોજ ગોલાણા ખાતે થયેલા દલિત હત્યાકાંડ પરથી સ્ફૂરિત

No comments:

Post a Comment