જાનવરો કંઇ જંગલમાં જ નથી હોતાં-
આપણી પડોશમાં પણ રહે છે.
શિંગડાં વગરનાં જાનવર,
પૂંછડાં વગરનાં જાનવર,
ન્હોર વગરનાં જાનવર,
બેપગાં જાનવર,
અદ્દલ માણસ જેવાં જ જાનવર.
આ જાનવરો કલગી જેવી રૂડી રૂપાળી સંજ્ઞા ધારણ કરી નાગરિક અધિકારો ભોગવે છે.
ક્યાસરેક ઠેકડા મારતાં ખિસકોલીનાં બચ્ચાં જેવાં
આપણાં શિશુઓ પર
તેઓ ડાઘીયા કૂતરાંની જેમ તૂટી પડે છે.
ક્યારેક લોહીના ભરેલા કુંભ જેવા
આપણા જુવાનિયાઓને ફાડી ખાય છે.
એમને શમણાંમાં પણ આવે છે આપણા માંસની ગંધ.
વાડામાં પૂરેલાં ઘેટાંની જેમ તેઓ
આપણને એક ખીણમાં ધકેલી સબડાવ્યા કરે છે
ટાપુ જેવા તરાપા પર ધકેલી
તેઓ આપણાં સઘળાં લંગર કાપી નાખે છે-
ને આપણે જોજનો દૂર ધકેલાઈ જઈએ છીએ સંસ્કૃતિથી.
ત્યારે જાનવરો વચ્ચે જીવતા રહેવું
એ પણ બની જાય છે એક કસોટી.
જાનવરોને બાયોલોજી,
હિસ્ટ્રી કે એન્થ્રોપોલોજી
ભણાવી કેળવી શકાય એમ નથી
ને આપણે અનુભવોમાંથી જાણ્યું છે કે
કોઈનો શાપ ફળતો નથી
પછી તે ગમે તેવા હૃદયના ઊંડાણમાંથી નીકળતો હોય,
કોઈનું નખ્ખોદ જતું નથી,
કોઈને મૂઠ વાગતી નથી
માતાની માનતા માનવાથી.
ચિત્કારને ક્યાં ચાંચ હોય છે?
આહના શિખરે ક્યાં હોય છે આગનો ભડકો?
નિ:શ્વાસ તો નર્યા ઉચ્છવાસ નું નામ છે
ને ગાળ તો હળવી ફૂલ જેવી
તથા વાળ જેવી નિરૂપદ્રવી છે
ધિક્કારના ધક્કે કોણ ડૂબી જાય છે?
લાવા જેવા ધગધગતા શબ્દો
છેવટે તો થૂંકનો પર્યાય બની જાય છે-
ને ઝાકળની જેમ અદ્રશ્ય થઈ જાય છે
કોઈનેય ભીના કર્યા વગર.
નર્ક જેવા વાડામાં પડ્યાં પડયાં
કણસ્યા કરવું
કે જંગલમાં જઇ ઝાડ-પંખીઓ આગળ રુદન કર્યા કરવું-
એનાથી ક્યારેય આકાશ તૂટી પડતું નથી
કે ધરતીકંપ થતો નથી.
આપણી વેદનાની જ સૌથી વિશેષ હાંસી કરે છે
આ જનાવરો,
ગમે તેટલી કુશળતાથી ફેરવો તો પણ પેન બહુ બહુ તો
કાગળ પર વેદનાનું એક કાવ્ય જ રચી શકે છે.
પણ એ જ પેનની નીબ
કોઈની પણ ચામડીમાં ભોંકાય તો સાક્ષાત વેદનાનો અનુભવ કરાવી શકે છે.
જો કે આમ તો કવિ એટલે કૃષ્ણ.
કર્મથી જ દારિદર્ય ભાગે છે
કર્મથી જ અસ્મિતા જાગે છે.
1978 વર્ષ પછી તો હશે કોઈ 'અવતાર' એવી
ઠગારી આશાથી તો
શેતાન જાનવરનાં છોકરાં જ નવધે છે.
હવે તો જાનવરોની બેફામ ભેલાડ ચાલે છે-
ને એમની આણ હેઠળ આપણે
વાઘબકરીનું સમૂહજીવન જીવીએ છીએ.
હવે તો આપણાં શામળાં શરીર
નદીના વહેતા જળમાં જોવાનો પ્રસંગ પાકી ગયો છે.
જુઓ,એનો પડછાયો ય કેવો પડછંદ છે?
ને એ વિશાળ ભૂજાઓ ને જંઘાઓ તો
ગુપ્તપણે ઝંખે છે સવર્ણ કન્યાઓ!
જાનવરો અગ્નિથી ડરે છે.
જાનવરો મશાલથી ડરે છે.
જાનવરો ચપટી ધૂળથી ડરે છે.
જાનવરો ટટ્ટાર આંગળીથી ડરે છે.
આંગળી જ રસ્તો ચીંધે છે:
ઘચ્ચ દઈને ઘોંચી દો તમારી સળિયા જેવી આંગળી
ને જુઓ આરપાર થઈ જાય છે રસ્તો.
આંગળીઓની તાકાતથી જન્મે છે વજ્ર જેવો મુક્કો.
જાણો છો ને કે
મુકકાબાજ મોહંમદ અલી કાળો છે પણ ગુલામ નથી.
જાનવરના કપાળમાં તકતીની જેમ જડાઈ જાય છે
આ મુક્કો.
આંબેડકરના નાગરિક સમાનતાના કાયદાને તો જાનવરો શિંગડે ચઢાવે છે.
એટલે મનુની વાત જ સાચી છે:
માર જ ચૌદમું રતન છે.
આપણી હંલ્લીમાં ન માય એવા
એ જાનવરોને સુધારી કાઢો શાકભાજીની જેમ.
જાનવરો વચ્ચે જીવતા રહેવું
એ એક કપરું કામ છે.
પણ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આશાવાદ છે:
અંતે તો
જાનવરો જ મરી જશે
Survival of the fittest,
ને માનવી જીવી જશે
હવે અરણ્યરુદનને અલવિદા કહો.
No comments:
Post a Comment