શાસ્ત્રોમાં ભલે જે કહ્યું તે-
હું તો કહું છું બ્રાહ્મણ વદે તે બ્રહ્મવાક્ય .
એ અંજલિ ભરીને જળ છાંટે
તો પોદળાને ય પવિત્ર કરે
ને લોકો એની પ્રસાદી ય લે !
જનોઈ તો જાનવરને ય આપી શકાય-
જો એ જ્ઞાનેશ્વરની ભેંસની જેમ ગીતાગાન કરી શકે !
થાળ ભરી સોનામહોર આપો
તો એ શુદ્ર શિવાજીને પણ ક્ષત્રિય શિવાજી જાહેર કરી શકે.
અને આ અલ્સેશિયન કૂતરાની તો વાત જ અનોખી છે:
એને ગોમાંસ નહિ,
બલકે યવન-મ્લેચ્છ-ચાંડાલ જેવા
સૌ વિધર્મી-અધર્મીનું માંસ બહુ ભાવે છે,
વખતે એ મનુના ધર્મશાસ્ત્રના શ્લોકો ઘૂરકી શકે છે,
કૌટિલ્યના અર્થશાસ્ત્રની આયાતો પણ ભસી શકે છે.
આ વફાદાર શ્વાન તો આપણો સનાતનધર્મી સેવક છે.
અરે! સ્વયં સેવક છેને છે ગૌબ્રાહ્મણપ્રતિપાળ પણ.
હું ગીગો ભટ્ટ આ બ્રહ્મસભામાં આજ્ઞા કરું છું
કે એના ગળાનો પટ્ટો તોડી નાખો.
ને એના ઉપનયન સંસ્કાર કરી એણે છૂટ્ટો મૂકો.
હું એણે દ્વિજોત્તમ જાહેર કરું છું.
શાસ્ત્રોમાં ભલે જે કહ્યું તે- વિપ્ર વદે તે વેદવાક્ય !
No comments:
Post a Comment