તું તો કવિની પ્રેયસી છે ને ?
એટલે જ મૃગજળથી ભીની ભીની રહે છે સદા.કવિના શમણાંએ આંજી છે તારી આંખી,
એટલે બધુંય તને સ્વપ્નમય ભાસે.
તારા નામનો પર્યાય અંધારા આકાશમાં ટમકે
ત્યારે તને તારું નામ યાદ આવે છે?
તારા નામની નાન્દીથી ઊઘડે તારા કવિની કવિતા.
એના તખલ્લુસનો ત
કે તારાનો ત કે તારો ત-
પણ એમ જ સતત ખીલે ને બિડાય
એક તરસની કવિતાનો ત.
ખરે જ તારા ઘેલા કવિએ
નર્યા આભાસનું નામ જ રાખી લીધું છે પ્રેમ.
તું સ્ત્રી નથી,
તારા કવિની કવિતાનો એક અલંકાર માત્ર છે.
તને શી ખબર પડે
ઉર્વશીના લોહીની ભરતીનાં મોજાંનો ઘૂઘવાટ?
તું તો 'કવિની પ્રેયસી'ના ગૌરવમાં ગળાડૂબ,
તારા કવિના ખીચોખીચ શબ્દોના કળણમાં ખૂંપેલી-
શબ્દોમાં જ સંવેદન તું માણે. તું કેમ કરી જાણે
શકુન્તલાના સ્તનોના કંપનની વાણી?
પ્રણયની ગૂફ્તેગોથી તો ખીલે કે કરમાય કર્ણફૂલ-
પણ તારો કવિ તો યક્ષની જેમ
મોઢે માઇક મૂકી મેઘદૂત જોફે કરાવે પ્રેમનો પ્રચાર.
કવિ તો ક્યારે સ્વપ્ન થઈને આવે
ને ક્યારે ધુમ્મસ બનીને છાયે!
બધુંય કણ કણ થઈને વેરાઈ જાય,
તારી પાસે તો રહી જાય દદડતી આંખ.
કવિ તો સંસારેય ભોગવે ને કવિતા યે કરે,
પણ કવિના છંદે તારાં તો બધાંય વાનાં બગડે.
એટલે જ કહું છું-પાછી વળી જા...
આ તે શી લત પડી ગઈ લવ કરવાની!
-અને તેય કવિથી!
હવાની જેમ કવિ તો હાથમાં આવે કદી?
ને તો પછી હૈયામાં કયાંથી પૂરાય?
તારે પ્રેમમાં જ પડવું'તું
તો ક્યાં નો'તા આપણા ગામના ધીંગા ગોવાળિયા:
કરસન,કાનો ને કનૈયો.
એ..ય તું નદીમાં પડે ને કાનો તારાં કપડાં ચોરે!
બોલ કેવો કિલ્લોલ!તો જા પદ ઊંડા ધરામાં થઈ નવસ્ત્રી.
ગોવાળિયાઓને તો આવે તારા શરીરની ગંધ
મત્સ્યગંધાની જેમ.
તારા લોહીના ઉષ્ણ થનગનાટથી
એમની બરછટ ત્વચાને ફૂટે છે રોમાંકુર.
એને જ પાર્થિવ ભાષામાં કહેવાય છે પ્રેમ.
ને તારો કવિ એની કલ્પના કરી રચે છે કવિતા.
અહીં ધરતી પર જ છે પ્રેમ,
કવિતાના સ્વર્ગમાં તો છે એક કોરા સુખનું છળ.
એટલે તો શાપ વહોરીને ય
અપ્સરાઓ આવી પડે છે પૃથ્વી પર.
અહીંની માટીમાં રોપી જો તારાં ચરણ
ને જો તું કેવી મ્હોરે છે વેલી થઈને:
નવપલ્લવિત,ફુલ્લકુસુમિત.
તું છોડી દે કવિના સૂના આકાશમાં રઝળવાનું,
વાદળાંના પવનપોચા સ્પર્શ કરતાં
કરસન ગોવાળની બાથમાં ભીડા
તો ખબર પડે મીઠી માયાની મીઠી પીડા.
તારું રિસાવું તો બાળક જેવું-
એકાદ ઉપમાનું ઝાંઝર પહેરાવે તારો કવિ
ને તું રાજી ને રેડ!
પણ કનૈયો તો આખો દી વગડે ફરે
તને ખભે બેસાડી.
નદીકાંઠે તું સખીઓને કાનમાં કહીશ
એ જ વાતોનું નામ પડ્યું નેડો.
No comments:
Post a Comment