Friday, April 14, 2023

મામાનું ઘર કેટલે

વંઠેલા વંટોળીયા વેઠી વેઠીને
લીલે વગડે સુકાતા બોડિયા બાવળ જેવાં
નોંધારાં કલેવરની લંગાર
સડકની ધારે ધારે
ભોંયમાં ખોડંગાતી આંખોને આશરે
ગાડરિયાં ઘેટાંની પૂંઠે પૂંઠે માથાં નમાવી
ચાલી જાય છે.

આગળ પાછળ સીમરખા સિંધીના જેવા પટેલિયા-
પાંચ સો વીઘાંની લીલી નાઘેર પાટમાં
એમનાં જીવતરને પલોટશે જેંસલીએ જોતરી.
ધૂળ વાયરે બંધાયેલાં કાછડિયાં કાઠાં 
કઠણાઈ ખમી ખમી
બેવડ વળી જશે વાંકાં કામઠાં જેવાં
ને તાડીનાં ઘેન ઘૂંટેલા ઘડામાં
રાતભર ઓગળી
દી' ઊગે ના કે વળી પાછાં ટટ્ટાર -
સિલેટિયા ડુંગરા જેવાં અડીખમ!
બસ આંખના ઈશારે ઊભાં કરી દે એશિયાડ
ને આકાશે પુગાડી દે પિરામિડ!

ખભે મશક,હાથમાં માટલી, માથે ડબ્બો
ને પછેડીની ગાંઠે સૂકા રોટલાની ફડશ:
જિંદગી ને જિંદગીનો સામાન.
કાળા ડિબાંગ બદને પરસેવાના ઝલઝલા-
પડખેના આંબાવાડિયાની લહેરખી આવે
ને સાંભરે જંગલ ને સાંભરે ખોરડાં,
કાચલીમાં વીણેલા ગૂગળના ગાંગડા 
ને ભમ્મરિયાં મધ,
ને વગડાઉ ફળોનાં અમી...
ને મૂગાં કળિયારનાં ટોળાં જેવી વણઝાર
ભર્યાભાદર્યા ગામે મુકામ કરે.
ધણીનાં પગલે પગલે 
ને ગરાશિયાની લાળભીની નજરની આડશે
ઘૂમટામાં ઢંકાય શંકરની ભીલડીઓ,
રામની શબરીઓ...

જુવાન રોઝડીઓની જેમ
લીલાં કડબની લાલચે
કૂદાક્...કૂદાક્...ડગ માંડે:
ખોદવા ને ખેડવા, 
ચણવા ને લણવા,
રોપવા ને નીંદવા,
કાપવા ને ભાંગવા.
જીવતરભર ચાલે એવાં
ગજવેલિયા હાથ ને હૈયાંને સાટે
ચામડાંની ચક્કીમાં ઓરવા મળે મૂઠી જાર.
જાર દળાઈ વટાઈ પરસેવાનાં 
છૂંદણાં બની ટંકાય 
ત્યારે લોહી શેકાય
ને પછી વલવલવા માંડે જીવ.
ને પછી ત્રિકમ પાવડા કોદાળા દાતરડાં
આડેધડ વીંઝાય.
ને પછી ધાનનાં ડૂંડાં  ભેળાં વઢાઈ જાય
પાટીદાર ગિરાસદારનાં છકેલાં માથાં ય.
ને પછી જિંદગીભર ચક્કી પીસવાની અંદર.
ને પછી પાણી જેવી પાતળી રાબથી
ગળાતું હાડપિંજર
જનમભર ટિપાઈ ટિપાઈને બહાર નીકળે
ત્યારે માડી બુન વહુ દીકરી કોઈથી ના કળાય...

ને તોય લંગાર સતત ચાલતી રહે:
મામાની ગાડી સૂક્કી ભઠ સાબર મહી બનાસને કાંઠેથી નીકળે,
મેવાસ વાગડ વઢીયારથી નીકળે,
ડાંગ દાહોદ પંચમહાલ પાલ
રાઠ રાજપીપળે રાધનપુર ભીલોડેથી નીકળે,
કોતરથી નીકળે,કૂબેથી નીકળે;
ડુંગરથી નીકળે,ટીંબેથી નીકળે
ને ચરોતરની ચીકણી માટીનાં ખેતરોમાં,
તમાકુની ખળીઓમાં,
દશકોશી ડાંગરના ખળામાં,
ભાલિયા ઘઉંની પાટમાં
ઊંઝાની રાઈડા જીરું ઇસબગુલની બજારોમાં ઊતરી પડે
ને ધોળાં બાસ્તા જેવાં
ખમીસ લેંઘા ધોતિયાંવાળા પટેલિયા
એ લંગારો હાંકી જાય-
જેમ ગોરા હાકેમો હાંકી જાય આફ્રિકાના કાળા કિશોરોને,
જેમ રાતી કરડાકીવાળા કસાઈઓ 
ધણને હાંકી જાય કતલખાને.

ગાઉ,
બે ગાઉ,
દશ ગાઉ ચાલે
ને પગની પાલખ ઢીલી પડવા  માંડે
ને કાયાનો માંડવો ચક્કર ચક્કર ફરવા લાગે
ને રોટલાના ચોથિયે ચોથિયે
ભૂખ વેઠીને ભેળાં કરેલાં
પાવલાં અધેલાંની ગાંઠ છૂટે
ને ચડી બેસે પટેલને ગાડે,
બળદગાડે,
ખટારે કે ટ્રેક્ટરના ટોલે.
દમડી વગરનાં ડિલ પાછળ ઢસરડાતાં ઢસરડાતાં આવે.
ટ્રક ને ટ્રેઇલર ઊંધાં વળે કદી
ને કાળીગડાં જેમ ઉથલાઈ પડે બધાં
ને બાવીસ બાવીસ માથાં
એકબીજાને અફળાઈ અથડાય આસ્ફાલ્ટને
પછી ફેંદે ફેંદા થઈ ફૂટી જાય.

કોરે બેઠેલા કેરબાના તેજાબ છંટાય
ને ચામડાં બળે,
ચહેરા બળે,
હોજરાં બળે,
ને હૈયાં બળે
ચણણણ...ચણણણ...
ને કાંઈ પચ્ચીસ પચ્ચાસ ઘાયલ થાય
તે કોઈનાં ચાડાં ય ના વરતાય!
અહીં કોણ એમનાં માડીજાયાં,
અહીં કોણ એમનાં ભોમિજાયાં?
નામ વગરનાં,
ઠામ વગરનાં મડદાં
એકબીજા પર થપ્પંથપ્પી-
એક દીવાસળી, એક ગંજી ને એક હોળી...
રાણીજાયો માધોસિંહ રોવે ગાંધીનગરે ઘડી બે ઘડી,
આદિજાયો અમીરસિંહ
કરે સુંવાળાં સ્નાનસૂતક ઘડી ઘડી,
કાણમોંકાણમાં મૂતરેલે આંસુ
અખબારને પાને એ કાળોતરી ભીની જરી જરી

પણ ભઈ બીચકેન્ડિમાં માંદા કુંવર અમિતાભ
તે દેશ આખાનો જીવ તાળવે-
કુંવર વગર નધણિયાતો થાશે દેશ!!
ને કાગારોળ...

પણ અંતરિયાળ દેશે તો રંધાય લોહીની ઘેંશો:
બાવીસ જણનાં બાવીસ ખોરડે તો વસ્યાં'તાં ગામ,
ગામેગામે વાટ જોતી'તી વહુવારુ,
છૈયાંછોરાં,
ભા દાદા ને માડી બાપુ;
નદી ને તળાવ;
લીમડો ને પીપળી;
સૂરજ ને ચાંદા.
આખો ટીંબો ઊલી ગ્યો એ વાવડ માઠે.

ભોંમાં ભરખાઈ ગ્યા જુવાનડા-
કમાવા ગ્યા'તા શેર જવારનાં જહાજ જાવે
ને બશેર બાજરાના ગાણે
ભાગોળથી જ જોડ્યા'તા જોડિયા પાવા...
ને પટેલ-દરબારના મોલ ઓઘલતાં ઓઘલતાં
જીવતરના મેળા જ ઊલી ગયા.

પણ તોય લંગાર ચાલતી જ રહે...
વખાનાં માર્યાં મનેખ
ડુંગરીના પંથકથી
લીલાં મેદાન ભણી ઊતરતાં રહે
ને તોય હોજરાં શેર પાશેર તો
સદાય ઊણાં જ રહે,
ને તોય કુંવારાં બદન 
કમખા વગર કલુષિત થયા કરે;
ને પટેલભાઈની રોટલી
અંદર-બહાર,
ઉપર-તળે,
ચારે બાજુ ઘીમાં નાહયા કરે.
પટેલની પાટ પાણીસોંઘા પરસેવે
સિંચાતી રહે
ને મબલખ મોલનાં ગાડાં
શહેર ભરીને પાછાં હવેલીએ ઠલવાયા કરે,
ને પટેલનો પંડ કલદારના કેફથી રૂમલાયા કરે,
ને પટેલનો પારો
અંકાશ લગી ઊછલ્યા કરે,
ને પટેલની એડીએ
ગામની,
પરગામની નાડીઓ ડચૂક...ડચૂક... ડચકાયા કરે
ને પટેલનાં પોયરાં
રાતાં રુધિરમાં બોળેલાં પૂમડાં પહેરી
જીવતરના મેળે મઘમઘાટ થઈ 
મહાલ્યા કરે,
ને લંગાર ચાલ્યા કરે...
ને મામાની ગાડી રાતદિવસ
રાતા ફાનસ ભણી
ધસમસ ધસમસ ધસ્યા કરે...

તા.8-2-83ના રોજ રોજીરોટીની શોધમાં નીકળેલા આદિવાસીઓને ટ્રક અકસ્માત થતાં 22 જણ મરી ગયા અને 29 ગંભીર ઘાયલ -એક ન્યૂઝ પરથી સ્ફૂરિત

No comments:

Post a Comment