Friday, April 14, 2023

ડૉ. ભગા મંગા MS અને ડૉ. મ્હેરા મોહન FRCS

હાથમાં પાવડા તગારાં લઈ
ડૉ. ભગા મંગા MS અને ડૉ. મ્હેરા મોહન FRCS
મૅન હોલનું ઢાંકણું ઉઘાડી
સડસડાટ ઊતરી પડ્યા પાતાળમાં.
આ અમદાવાદ તો અકરાંતિયું શહેર-
ડાયેરીયાનું દર્દી,
લૂસ મોશનનું પેશન્ટ,
અપચાનું જીર્ણ રોગી
એની સિસ્ટમ વારે વારે બગડે
ને છાશવારે ચઢાવવું પડે ડાયાલિસિસ
પણ આ ડૉક્ટરો ભારે કસબી
એમને એમના વિજ્ઞાન કરતાં એમની કળાનું ભારે ગુમાન.
ને પરગજુ ય એવા
કે ના જુએ દહાડો કે ના જુએ રાત.
ના પગબૂટ કે ના ગ્લોવ્ઝ,
ન ગેલન કે ન ઓક્સિજનના સિલિન્ડર,
ન ફર્સ્ટ-એઇડ બૉક્સ
ખરા મરજીવાઓ,ફક્ત કોથળી એક દેશીની પી
કાદવનાં કળણ ખોદવા, ઉલેચવા નીકળી પડે.
ન મળે મોતી કે ન મળે માણેક.
બસ શહેરના અનંત આંતરડાંને ઊંજ્યા કરે દિવેલ.
ને છોકરાંને વ્હાલ કરી ઝાડો કરાવે એમ
વ્હિસલ મારતાં મારતાં કરે સેવા-શુશ્રૂષા.
સાદગીના આગ્રહી તો એવા
કે જાણે ગાંધીબાપુના અદ્દલ હરિજન સેવકો!
મ્યુનિસિપાલિટીએ  આપ્યાં છે
રાખોડી બાંડિયાં
ને ભૂરી ચડ્ડીઓ ખાદીની.
બસ અંધારી નસોમાં કર્યા કરે ખોદાણ,
ખેડાણ.

જમીન પર ચાર્ય કરે ભૂંડણાં
ને ચાટ્યા કરે મળ
ને ભોંય હેઠળ
ડૉ. ભગા મંગા ને ડૉ. મ્હેરા મોહન
અબૂલો ઢબૂલો રમ્યા કરે!
ને રમતમાં ને રમતમાં
કૂવામાં ગયેલો ઘડો જેમ બિલાડીમાં ઝડપાય
એમ આજે ડૉકટરોએ ખોળી કાઢ્યું એક ટયૂમર:
કોઈનાં કરતૂતનું માસૂમ ફળ!
જન્મ્યા પહેલાં નડતું હશે એની માની કુંવારી કૂખમાં
કે એનો લાગતો હશે ભાર આ પૃથ્વીને!
ને હવે નડે છે અહીં ધરતીની ધોરી નસોમાં.
પોટલું છોડીને ડૉક્ટરોએ શરૂ કર્યું પોસ્ટમોર્ટમ-
ઝેરી વાયુઓએ તો ભૂતની જેમ પકડી ગળચી.
ખાણિયાઓની જેમ ડૉક્ટરો લાગ્યા ગૂંગળાવા.
એમણે વારે વારે SOS નું દોરડું હલાવ્યું
પણ નર્કના દ્વાર જેવા મૅન-હોલના નાકે
તો ઊંઘે છે મુકાદમ જમાદાર સાહેબ,
ડૉ. મણા મ્હેતર ABZ ઇન સેનિટેશન,
હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ હાઈજીન!
લઠ્ઠાના ડોઝમાં ભારે દમામ
જાણે ડૉ. વાણી કે ડૉ. દાણી!
બાપડા ડૉ. ભગા મંગાને તક સવારની લાગી'તી તલબ
એમની તો એકમાત્ર ઈચ્છા હતી
બહાર આવી એક ખાખી બીડી ફૂંકવાની!
ને ડૉ. મ્હેરા મોહન -
સ્વભાવે જરા રંગીન, રૉમેન્ટિક...
એમને તો ઝટપટ બહાર આવી
લખડીને લઈ જવી'તી ફિલમમાં:
જય ભાથીજી મહારાજ!

બધાયની મનની મનમાં રહી ગઈ.
વહેતા વહેતા એ તો
ત્રીજે દહાડે નીકળ્યા દૂધેશ્વરને આરે-મોક્ષને ઓવારે.
નિર્મળ ને નીરવ ને નિરૂપદ્રવી
ડૉ. ભગા મંગા ને ડૉ. મ્હેરા મોહનની ખાંભીની માટી
વહી ગઈ સાબરમતી.
પણ હજી એમનાં સહસ્ર બાળકો
એ કાદવિયા દરિયા મોજથી ડહોળે છે-
મરે છે ને જીવે છે,
જીવે છે ને મરે છે.

ગોલાણાના પીટરને

ઝાંઝરકે જવું મેલો
ગાબ્રિયલ, ગોલાણે ગાડાં જોડો;
શહીદોનાં સામૈયાં કરવા 
નવે તીરથધામે સંઘ સૌના તેડો.
ભાઈ ગયા, ભડવીર ગયા...
દીકરા ગયા,દોસ્તદાર ગયા...

દેવળમાં કરો ડંકારવ, પીટર ક્રાઇસ્ટને કેસરિયાનાં કહેણ મોકલાવો,
મૅરીના મરશિયા મેલાવો
જમીલાને જૌહર માટે સજાવો,
ક્યામતનો અવસર આંગણે આવ્યો.

જીજી, વીરોને હાલરડાં સંભળાવો-
પુનરુત્થાનમાં પોઢેલા પયગંબરોને જગાડો.
પીટર, તારા પોપને પેટાવો.તેજા તારી તોપને ચેતાવો.
માર્ટિન લ્યુથર ને કિંગને ખભે મશીનગન મઢાવો
મધર ટેરિઝાને ટેન્કો લઇ તેડાવો
બાઇબલ બંધ રાખો, ફાધર
હવે તો સંઘર્ષ-સુવાર્તા સંભળાવો:
નવા કરારથીય નવલો નવતર
ન્યાયી કરાર હવે કંડારો.

ગોલાણું ભેલાણું ગાબ્રિયલ
ઝાંઝરકે જવું મેલો
ગોલાણું ગોઝારું થયું,
ગગજી ગોલાણે ગાડાં જોડો.

પીટર,તું તારા યીશુપિતાની વાત વિચારી જો,
પીટર, હું મારા પરમેશ્વરની વાત વિચારી લઉં...

તેઓએ ભગવાનના દીકરાને શૂળીએ ચઢાવ્યો
ને તેં બીજો ગઝલ ધર્યો,
ને તેઓએ કેલૈયા કુંવર જેવા તારા દીકરા પ્રભુદાસને વધેર્યો
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ ગોલાણે વીંધી નાખ્યા પાઉલ-ખોડો-મોહન
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ રિલીફ રોડ પર રહેમાનની રિક્ષા સળગાવી
ને માંહી બેઠેલાં ખાલા ખાલુ,ચાચા ચચી ભડથું થઈ ગયાં
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ દિલ્હીમાં અમરજિત કૌરનાં
અઢી હજાર કુટુંબીઓની કતલ કરી,
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ આસામના નેલ્લીમાં
નેક નિર્દોષ નિરાશ્રિતોને ભૂંજી નાખ્યાં
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ અનામતને નામે ધિક્કારયજ્ઞ કર્યો
ને દલિત-દુખિયાંને હેવાનીયત્ન હવનમાં હોમી દીધાં
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ સાગબારામાં ગુંતા બાઈ પર ગેંગરેપ કર્યો
ને તેં બીજો ગાલ ધર્યો,
ને તેઓએ બુખારી મહોલ્લાની બાનુના બુરખાને ચીરી
બર્બર બંદૂકના કામુક કૂંદાને લોહીઝાણ કર્યો,
ને તેં બીજો ગાલ ધર્યો...

ને હું કિંકર્તવ્યમૂઢ કવિ
કાગળને કાંઠે બેઠોબેઠો કાગારોળ કર્યા કરું!
હું નિર્વીર્ય નીરવ પટેલ-
ના થવાય નથ્થુરામ
ના થવાય બિયન્તસિંહ
હું મુઠી હાડકાંનો માળો
એટલે કાગળના કુરુક્ષેત્રમાં
ખોંખારા કરું શીશાની શાહીથી.

પીટર, મારા વહાલા ભાઈ,
તારા પડછંદી કલેવરને સજાવ
તારી ફૌલાદી ભુજાઓ ગજાવ
ને ભીંસી દે આ ભ્રષ્ટ ભદ્ર ભારતવર્ષ
મને પાગલ પવનનો પિયાલો પીવડાવ:
કે મારે કોઠે કાળભૈરવ હાકોટા કરે,
મારી ખોપરીના ધૂપિયે ભેજાં બળે...

ચાલો,આ દેશની મબલખ માટીમાં પ્રગટતી
વિવિધતાઓ નવાજીએ
ને એમાંથી સ્વર્ગના ટુકડા જેવાં
કમનીયન કોમ્યુન રચીએ:
લઈ લો ઝારખંડ,
લઈ લો ગરીબનગર,
લઈ લો જનપદો,
લઈ લો દ્રવિડદેશ,
લઈ લો નાગભૂમિ,
લઈ લો કપિભૂમિ,
લઈ લો પાકિસ્તાન,
લઈ લો ખાલિસ્તાન,
લઈ લો દલિતસ્તાન...

'ઓપરેશન રેડસ્ટાર'નો ઢંઢેરો પીટો
પૂર્વથી પશ્ચિમ
ને ઉત્તરથી દક્ષિણ
સીમે સીમે સળગાવો તેલંગણા:
ગામે ગામે પ્રગટાવો નક્સલવાદી હોળી,
પ્રીતમ સિંહ, પાંચેય કક્કાને પાંચેય નદીઓમાં પધરાવી દે
પીટર, તારા ધોળા ઝબ્બા હેઠળ ધબકતાં
ધોળાં પારેવાં ઊડાડી મૂક આકાશે.
રાવજી,ઠંડા બરફ જેવી બંદગીથી
તું યીશુ પૂર્વેની 21મી સદીના અંધકારને નહીં ભેદી શકે
હવે તો હાચી ટેક, નેક ટેક મંગાવ પૂર્વના દેશથી,
તારા ક્રોસને ઓગાળી કુહાડા ઘડાવ,
જંગ જારી છે,પીટર
જેહાદ જારી છે,પીટર
પીટર, મારા વહાલા ભાઈ
કેડે પછેડી બાંધ
બદરુદ્દીન મારા બંધવા
લુંગીની લગાવ લંગોટી
પીર પેગમ્બર પાદરીને પાણીપતના ધીંગાણે ઉતારો
આ તો રણહાક પડી રણમલ, રવજી
પીટર,કરીમ, કરસન,કરતાર સિંહ-
સૌ ચલો
માથું પડે તો ધડને લડતું મેલો...

સમતાધર્મની જેહાદ જો જાગી
હવે તો રાજગઢ દરબારગઢના કાંગરા તોડો
રા'ખંડેર રા'પાયમાલગઢ કરી મેલો
પીટર, હવે તો જાલિમસિંહની
મૂછોનં લીંબુ
વીંધી પાડો હેઠાં
એમનાં સામંતી છત્ર છોગાંને ધૂળ મહીં રગદોળો.
કાબાના  પવિત્ર પથ્થરે પટકી પટકી
પછાડો એ ખવીસોની ખોપરીઓ
એમના સિતમનાં સાલિયાણાં ભરપાઈ કરો તમારા શૂરાતનથી.

આ તો કાળો કેર વર્તાવે કા'ના!
જસ્યો જોસેફ થઇ જાય તોયે ઝૂડે
પીટર પોચો હોય તોયે પીડે
ને પાઉલ થઈ જાય તોયે પીટે
કરીમો કગરે તોય કનડે
ને રહીમો રહેમ માગે તોય રગડે
સંતા સિંહ સલામ ભરે તોય સતાવે
ટપુડો ટટ્ટાર  ચાલે તોયે ટોકે
ને કાળી કોરાણે ચાલે તોયે મારગ વચાળે રોળે...
એ વારા ફરતા વારા કાઢે:
પીટર ,તું ભંગી હો કે ભાંભી,
તું હરિજન હો કે ગિરિજન,
તું આદિવાસી હો કે રવિદાસી
તું મહમદી હો કે મજહબી
તું રામ હો કે રહીમ.
એ વારા ફરતા વારા કાઢે?

તું બિરાદરી બાંધ બિછડેલા બાંધવોની.
દલિત વંચિત પીડિત શોષિત
સૌની પીડા એક.
ગળે મળો પીટર સૌ સમદુખીયાંથી.
સોગંદ ખાઈને સાથી બનો
સમતાકૂચ કરો
સંઘર્ષ કરો.
તમે જ ઘડો તમારું નવું બાઇબલ-નવું કુરાન
નવો કરાર:સમતા કરાર
ન્યાયી કરાર:અસ્મિતા કરાર.

તા.25-1-1986ના રોજ ગોલાણા ખાતે થયેલા દલિત હત્યાકાંડ પરથી સ્ફૂરિત

મારો શામળિયો

મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર,
ગગલીનું આણું   શે  નેકળત?
ચાવંડાની બધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય મારી હાહુ...
ધોડું હડડ મસાણે-
મારા ભંગિયાનોય બેલી ભગવાન !

મામાનું ઘર કેટલે

વંઠેલા વંટોળીયા વેઠી વેઠીને
લીલે વગડે સુકાતા બોડિયા બાવળ જેવાં
નોંધારાં કલેવરની લંગાર
સડકની ધારે ધારે
ભોંયમાં ખોડંગાતી આંખોને આશરે
ગાડરિયાં ઘેટાંની પૂંઠે પૂંઠે માથાં નમાવી
ચાલી જાય છે.

આગળ પાછળ સીમરખા સિંધીના જેવા પટેલિયા-
પાંચ સો વીઘાંની લીલી નાઘેર પાટમાં
એમનાં જીવતરને પલોટશે જેંસલીએ જોતરી.
ધૂળ વાયરે બંધાયેલાં કાછડિયાં કાઠાં 
કઠણાઈ ખમી ખમી
બેવડ વળી જશે વાંકાં કામઠાં જેવાં
ને તાડીનાં ઘેન ઘૂંટેલા ઘડામાં
રાતભર ઓગળી
દી' ઊગે ના કે વળી પાછાં ટટ્ટાર -
સિલેટિયા ડુંગરા જેવાં અડીખમ!
બસ આંખના ઈશારે ઊભાં કરી દે એશિયાડ
ને આકાશે પુગાડી દે પિરામિડ!

ખભે મશક,હાથમાં માટલી, માથે ડબ્બો
ને પછેડીની ગાંઠે સૂકા રોટલાની ફડશ:
જિંદગી ને જિંદગીનો સામાન.
કાળા ડિબાંગ બદને પરસેવાના ઝલઝલા-
પડખેના આંબાવાડિયાની લહેરખી આવે
ને સાંભરે જંગલ ને સાંભરે ખોરડાં,
કાચલીમાં વીણેલા ગૂગળના ગાંગડા 
ને ભમ્મરિયાં મધ,
ને વગડાઉ ફળોનાં અમી...
ને મૂગાં કળિયારનાં ટોળાં જેવી વણઝાર
ભર્યાભાદર્યા ગામે મુકામ કરે.
ધણીનાં પગલે પગલે 
ને ગરાશિયાની લાળભીની નજરની આડશે
ઘૂમટામાં ઢંકાય શંકરની ભીલડીઓ,
રામની શબરીઓ...

જુવાન રોઝડીઓની જેમ
લીલાં કડબની લાલચે
કૂદાક્...કૂદાક્...ડગ માંડે:
ખોદવા ને ખેડવા, 
ચણવા ને લણવા,
રોપવા ને નીંદવા,
કાપવા ને ભાંગવા.
જીવતરભર ચાલે એવાં
ગજવેલિયા હાથ ને હૈયાંને સાટે
ચામડાંની ચક્કીમાં ઓરવા મળે મૂઠી જાર.
જાર દળાઈ વટાઈ પરસેવાનાં 
છૂંદણાં બની ટંકાય 
ત્યારે લોહી શેકાય
ને પછી વલવલવા માંડે જીવ.
ને પછી ત્રિકમ પાવડા કોદાળા દાતરડાં
આડેધડ વીંઝાય.
ને પછી ધાનનાં ડૂંડાં  ભેળાં વઢાઈ જાય
પાટીદાર ગિરાસદારનાં છકેલાં માથાં ય.
ને પછી જિંદગીભર ચક્કી પીસવાની અંદર.
ને પછી પાણી જેવી પાતળી રાબથી
ગળાતું હાડપિંજર
જનમભર ટિપાઈ ટિપાઈને બહાર નીકળે
ત્યારે માડી બુન વહુ દીકરી કોઈથી ના કળાય...

ને તોય લંગાર સતત ચાલતી રહે:
મામાની ગાડી સૂક્કી ભઠ સાબર મહી બનાસને કાંઠેથી નીકળે,
મેવાસ વાગડ વઢીયારથી નીકળે,
ડાંગ દાહોદ પંચમહાલ પાલ
રાઠ રાજપીપળે રાધનપુર ભીલોડેથી નીકળે,
કોતરથી નીકળે,કૂબેથી નીકળે;
ડુંગરથી નીકળે,ટીંબેથી નીકળે
ને ચરોતરની ચીકણી માટીનાં ખેતરોમાં,
તમાકુની ખળીઓમાં,
દશકોશી ડાંગરના ખળામાં,
ભાલિયા ઘઉંની પાટમાં
ઊંઝાની રાઈડા જીરું ઇસબગુલની બજારોમાં ઊતરી પડે
ને ધોળાં બાસ્તા જેવાં
ખમીસ લેંઘા ધોતિયાંવાળા પટેલિયા
એ લંગારો હાંકી જાય-
જેમ ગોરા હાકેમો હાંકી જાય આફ્રિકાના કાળા કિશોરોને,
જેમ રાતી કરડાકીવાળા કસાઈઓ 
ધણને હાંકી જાય કતલખાને.

ગાઉ,
બે ગાઉ,
દશ ગાઉ ચાલે
ને પગની પાલખ ઢીલી પડવા  માંડે
ને કાયાનો માંડવો ચક્કર ચક્કર ફરવા લાગે
ને રોટલાના ચોથિયે ચોથિયે
ભૂખ વેઠીને ભેળાં કરેલાં
પાવલાં અધેલાંની ગાંઠ છૂટે
ને ચડી બેસે પટેલને ગાડે,
બળદગાડે,
ખટારે કે ટ્રેક્ટરના ટોલે.
દમડી વગરનાં ડિલ પાછળ ઢસરડાતાં ઢસરડાતાં આવે.
ટ્રક ને ટ્રેઇલર ઊંધાં વળે કદી
ને કાળીગડાં જેમ ઉથલાઈ પડે બધાં
ને બાવીસ બાવીસ માથાં
એકબીજાને અફળાઈ અથડાય આસ્ફાલ્ટને
પછી ફેંદે ફેંદા થઈ ફૂટી જાય.

કોરે બેઠેલા કેરબાના તેજાબ છંટાય
ને ચામડાં બળે,
ચહેરા બળે,
હોજરાં બળે,
ને હૈયાં બળે
ચણણણ...ચણણણ...
ને કાંઈ પચ્ચીસ પચ્ચાસ ઘાયલ થાય
તે કોઈનાં ચાડાં ય ના વરતાય!
અહીં કોણ એમનાં માડીજાયાં,
અહીં કોણ એમનાં ભોમિજાયાં?
નામ વગરનાં,
ઠામ વગરનાં મડદાં
એકબીજા પર થપ્પંથપ્પી-
એક દીવાસળી, એક ગંજી ને એક હોળી...
રાણીજાયો માધોસિંહ રોવે ગાંધીનગરે ઘડી બે ઘડી,
આદિજાયો અમીરસિંહ
કરે સુંવાળાં સ્નાનસૂતક ઘડી ઘડી,
કાણમોંકાણમાં મૂતરેલે આંસુ
અખબારને પાને એ કાળોતરી ભીની જરી જરી

પણ ભઈ બીચકેન્ડિમાં માંદા કુંવર અમિતાભ
તે દેશ આખાનો જીવ તાળવે-
કુંવર વગર નધણિયાતો થાશે દેશ!!
ને કાગારોળ...

પણ અંતરિયાળ દેશે તો રંધાય લોહીની ઘેંશો:
બાવીસ જણનાં બાવીસ ખોરડે તો વસ્યાં'તાં ગામ,
ગામેગામે વાટ જોતી'તી વહુવારુ,
છૈયાંછોરાં,
ભા દાદા ને માડી બાપુ;
નદી ને તળાવ;
લીમડો ને પીપળી;
સૂરજ ને ચાંદા.
આખો ટીંબો ઊલી ગ્યો એ વાવડ માઠે.

ભોંમાં ભરખાઈ ગ્યા જુવાનડા-
કમાવા ગ્યા'તા શેર જવારનાં જહાજ જાવે
ને બશેર બાજરાના ગાણે
ભાગોળથી જ જોડ્યા'તા જોડિયા પાવા...
ને પટેલ-દરબારના મોલ ઓઘલતાં ઓઘલતાં
જીવતરના મેળા જ ઊલી ગયા.

પણ તોય લંગાર ચાલતી જ રહે...
વખાનાં માર્યાં મનેખ
ડુંગરીના પંથકથી
લીલાં મેદાન ભણી ઊતરતાં રહે
ને તોય હોજરાં શેર પાશેર તો
સદાય ઊણાં જ રહે,
ને તોય કુંવારાં બદન 
કમખા વગર કલુષિત થયા કરે;
ને પટેલભાઈની રોટલી
અંદર-બહાર,
ઉપર-તળે,
ચારે બાજુ ઘીમાં નાહયા કરે.
પટેલની પાટ પાણીસોંઘા પરસેવે
સિંચાતી રહે
ને મબલખ મોલનાં ગાડાં
શહેર ભરીને પાછાં હવેલીએ ઠલવાયા કરે,
ને પટેલનો પંડ કલદારના કેફથી રૂમલાયા કરે,
ને પટેલનો પારો
અંકાશ લગી ઊછલ્યા કરે,
ને પટેલની એડીએ
ગામની,
પરગામની નાડીઓ ડચૂક...ડચૂક... ડચકાયા કરે
ને પટેલનાં પોયરાં
રાતાં રુધિરમાં બોળેલાં પૂમડાં પહેરી
જીવતરના મેળે મઘમઘાટ થઈ 
મહાલ્યા કરે,
ને લંગાર ચાલ્યા કરે...
ને મામાની ગાડી રાતદિવસ
રાતા ફાનસ ભણી
ધસમસ ધસમસ ધસ્યા કરે...

તા.8-2-83ના રોજ રોજીરોટીની શોધમાં નીકળેલા આદિવાસીઓને ટ્રક અકસ્માત થતાં 22 જણ મરી ગયા અને 29 ગંભીર ઘાયલ -એક ન્યૂઝ પરથી સ્ફૂરિત

જેતલપુર હત્યાકાંડ



શિયાળાની કડકડતી ઠંડીની ભેંકાર રાત-
ચારે તરફ સૂમસામ ને સૂનો
સૂતો છે વગડો.

ત્યારે શિયાળવાંની લાળીને હમણાં જ લલકારી
'માખણિયા'ના ઘાસની ગંજીમાં
ઘસઘસાટ ઘોરતો'તો શકરો
ફાટેલીતૂટેલી ગોદડીમાં ઢબૂરાઈ,
ટૂંટિયું વળી
જાણે બુઝાયેલા તાપણાની હૂંફાળી રાખમાં પોઢયો છે મોતિયો!

તારા ટપોટપ હોલવાયા
પણ માઝમ રાતનો મરઘો તો ના બોલ્યો.
એકાએક શકરે નાખી ચીસ...
ચીસાચીસ... ચીસાચીસ...
જાણે કો' ઘવાયેલા દીપડે પાડી ત્રાડ!
ઘુવડે પાડી ચીસ...
સમડીએ નાખી ચીસ...
ચીબરીએ દીધી ચીસ...
સૌ નિશાચરોએ કરી મૂકી રડારોળ...
જાણે આખો વગડો રાતી ચીસે સળગ્યો!
કોઈ રાની પશુએ
વાઘ કે વરુએ
નક્કી કોઈ સસલાની ગળચી પકડી
કે ઊંઘતું પારેવું ઝડપાયું પંજામાં,
ચિરાયું નહોરમાં,
કોઈ ભોળા પંખીનો માળો પીંખાયો
ને બચ્ચાંએ કરી મૂકી બૂમરાણ...

પણ મરઘો બોલે તો જ વહાણું વાય!
શકરાની ચીસે થઈ ગઈ દિશાઓ લાલઘૂમ.
બહેરા સ્વામિનારાયણનો બાવો
શિક્ષાપત્રીના પાટા બાંધી મીઠી નિદ્રામાં મ્હાલે.
ઝાડવે ઝાડવે પડઘાય ચીસ
પણ ના જાગે જેતલપુર ગામ!

બુકાની બંધ માનવઓળાઓ
ઝળુંબે ચારેકોર,
ગડદાપાટ,
ઢોરમાર,
લાકડીઓની બોછાર,
લોહીલુહાણ
ને અધમૂઓ.
લોહી નીંગળતી જીભે
શકરો કરે કાકલૂદીઓ:
ખમૈયા કરો બાપલા... ખમૈયા કરો...
મને છોડી મૂકો માબાપ...
હું તમારી ગાય માબાપ...
તમે કહો તો કદી પગ નહીં મેલું જેતલપુર ગામ.

પણ વાળ ખેંચી
ઢસડી તાણી,
શકરનો કર્યો ચીલો સીમથી ગામ.
ગામથી ગ્રામપંચાયત,ન્યાય પંચાયત-
બસ પટેલે લીધી પેટી
ને કડવે રેડયું કેરોસીન
કોઈએ ઝાલ્યો બાવડે
ને કોઈએ દીધો ગળે પગ,
ને થઈ હોળી...

શકરો તો થયો ભડકો...
ભડકામાં બળવા માંડી ચીસ.
ઘૂંટાવા માંડ્યા શ્વાસ.
ભડકે માંડ્યું તાપવા આખું ગામ.

પણ ભડકો તો પૂગ્યો થઈ ફોન શહેરમાં.
કમિશનરનું કટક બોલાવ્યું ભડકે.
કોણ શકરો?
શકરો, શકરોબાજ શકરો?
ના , ભાઈ , ના.
અરે, આ તો આપણો શકરો.
વગડાનો નહીં,
આ તો આપણા વાસનો શકરો.
પચ્ચીસ વર્ષે બાપડો પંડે એકલો શકરો.
પાંત્રીસ રૂપિયે પટેલભાઈનો
સીમરખો સસ્તો શકરો.
વાસમાં સહુનો વ્હાલો શકરો
શરદપૂનમનો શોખીન શકરો.
ગરબારાસમાં ગબલાવાસે ઘૂમતો શકરો
ગૌચર માટે લડતો શકરો,
લઘુતમ વેતન માગતો શકરો,
શકરો ચામડિયાનો છૈયો 
સમાનતાનાં ગાણાં ગાતો
હરિજન નરસૈયો!

બાપડો શકરો-
અરેરે, બાપડો થયો ભડકો.
પણ એનો કાંઈ વાંક.
પણ એનો કાંઈ ગુન્હો બાપલા?

વાંક? ગુન્હો?
શકરા ઉપર સૌને હતો શક-
શકરો તો ચોર હતો ચોર:
- શકરે ચોરી'તી રાવળિયાની શક્કરટેટી,
-શકરે ચોર્યું'તું કાછિયાનું શકકરિયું,
શકરે ચોર્યું વાઘરણનું શીંગોડું,
-શકરે ભાંગ્યું'તું કુંભારભાઈનું શકોરું,
-શકરે તોડ્યું'તું ભરવાડણનું શીકું,
-શકરે ફૂંકયો'તો પૂજારીનો શંખ,
-શકરે વગાડ્યો'તો સ્વામિનારાયણનો  ઘંટ.

ના.
શકરો તો ગામ આખાનાં ઘરેણાં ચોરી,
જેતલપુરના સોનીને વેચી;
આંતરરાષ્ટ્રિય સોનાના ભાવ  ગબડાવી પાડતો'તો.
આખું અર્થતંત્ર  ડામાડોળ કરી કાઢતો'તો.

ના ...
શકરો તો શિયાળ જેવો લુચ્ચો હતો
એણે ઘણા દરબારી સિંહોને કૂવામાં ગબડાવી પાડ્યા'તા!

ના...
શકરો તો શકરોબાજ હતો-
કંઈ કેટલાંય ભોળાં જનાવર ભરખી ગ્યો'તો!

ના...
શકરો તો શિકારી કૂત્તો હતો-
ઘાસની ગંજીમાં પડ્યો પડ્યો શિશ્ન ચાટતો'તો
ને ગામની ઊજળી વહુઆરુની પૂંઠેપૂંઠે
ભાદરવો કે ના ભાદરવો-
સૂંઘતો સૂંઘતો ફરતો'તો!
શકરો સળગાવવા જેવો'તો!

દશ કોષ દૂર શહેરમાં જાગ્યાં
સૌ શકરાનાં સગાંવહાલાં.
જાગ્યા રમેશભાઈ,
જાગ્યાં શાન્તાબેન,
જાગ્યા મનુભાઈ,
જાગ્યા નારણભાઇ,
થઈ ગ્યો હાહાકાર શહેરમાં,
ચોરેચૌટે ટોળે વળ્યું લોક.
સૌએ કાઢી સ્મશાનયાત્રા,
માર્ગે ઉમટયો મોટો મહેરામણ.
સૌ  રડયાં મૂકી પોકે પોક.
સૌ ભરાયાં ક્રોધે,
સૌએ પાળ્યો શોક.
જવાનિયે છેડયો આક્રોશ...
ને નક્કી થઈ એક શોકસભા.

વડવાનલના વેગે ઉપડી વાત-
સૌ ઊમટયું જેતલપુર ગામ,
કોઈએ જોડી સાઇકલ
ને કોઈએ પકડી ચલતી.
કોઈએ પકડી બસ કે કરી હાઇજેક,
કોઈએ પકડ્યું ટ્રેકટર કે કર્યું પંક્ચર,
અટારીએથી
માથે ઢોળ્યું સવર્ણ કન્યાએ
એંઠવાડનું પાણી.
ગામેતીએ ફેંક્યો કાંકરો,
બીજે ફેંક્યો ઢેખાળો,
તો ત્રીજે ફેંકી ઈંટ

ને પછી વર્ષા આ તો પથ્થરની ભઈ!

લ્યા ભાગો...લ્યા ભાગો...લ્યા ભાગો...
પણ સામે આંતર્યા
ખાખી ડગલે!
એમણે વીંઝી લાઠી,
ને ફોડયા અશ્રુવાયુના ટેટા.

લ્યા આ તો ભારે થઈ ભઈ ભારે થઈ...
લ્યા ઝડપાયા, ભઈ ઝડપાયા, ભઈ ઝડપાયા
લ્યા કરો કાંક...
લ્યા કરો કાંક...
રે લીધી કોઈએ કાંકરી ને તાકી અટારી માંહ્ય.
બીજે લીધો ઢેખાળો,
ને ત્રીજે લીધો ઈંટાળો,
ને ચોથે લીધો પથરો,
થઈ ફેંકમફેંકી સામા સામી...
કોઈનું તૂટયું ટાલકું
ને કોઈનું ફૂટ્યું માથું!

ટોળાનું તે નિશાન કેવું?
ને ટોળા પરનું નિશાન કદી કાંઈ ચૂકે?

બાપડો શકરો!

એની શોકસભા ભેળાણી,
એની શોકસભા લજવાણી.

બસ એક પ્રાર્થના ના પહોંચી પરમેશ્વરના કાને.
શકરાના લંબાતા શ્વાસે લખાવ્યું'તું-
ફલાણા ફલાણા પટેલ-

આરોપીઓ તો સારા ઘરના-
એમને રિમાન્ડ પર કાંય લેવાય?
ને એમણે તો જીતવા માંડ્યું-
શકરે તો કરી'તી આત્મહત્યા!-એમણે તો ચલાવ્યું તૂત!
એમણે રોક્યો હાર્વર્ડનો એલ.એલ.એમ.
રોક્યો ચાણક્ય ચતુર,
રોક્યો બીરબલ બાહોશ,
રોક્યો પાલખીવાળો,
રોક્યો પખાલવાળો.

બાપડો ન્યાયાધીશ પણ મૂતરે એમનું નામ સાંભળી!
અદ્દલે જહાંગીરીની વાત જવા દો!
ચૂંટણીટાણે વચન દીધેલાં
યાદ કરાવે કૌરવોનાં કણબાં બચ્ચાં-
રે એ તો ધારે તો બ્રહ્માને તેડે
ને ધારે તો કુબેર-તિજોરી તોડે!

બાપડો શકરો
ભડકો તો બળીબળીને બેઠો હેઠે...

રે એમાં શું?
રામે શંબુકને નહોતો માર્યો?
કૃષ્ણે જરાસંધને નહોતો ચીર્યો?
ભાગલપુરમાં ન'તી ખોતરી કાઢી આંખો?
ઝાંઝમેર ને રણમલપુર ને દસાડા-
લ્યા ભૂલી ગયાં?
ને તમે તો શૂદ્ર છો,
ક્ષુદ્ર છો,
જંતુ છો,
મગતરાં છો,
મચ્છર છો.

ઓહોહો...એમાં તે શું થઈ ગયું-
એક ઢેડું મર્યું
એમાં આટલો હોબાળો શેનો?

આહાહા....
અમારા બાપદાદે તો
જે ઢેયડી ગમી એને પાડી શેઢે
કે જે ઢેડું ફાટ્યું આડું
એને માર્યું આડું.
ને કર્યું પાંસરું દોર.

છે કાંઈ બાઈ સોનાના ઘણીનો અતોપતો?
ધાકમાં ને ધાકમાં થઈ ગઈ ને દરબારી રખાત?

લ્યા , અમે તો પટેલ છીએ પટેલ.
આ ગામના ઘણી, અન્નદાતા!
ગામ છેવાડે રહેવા દીધાં એ કાંઈ ઓછું છે લ્યાં?
તમે તો વહવાયાં,
લ્યા ભૂલી ગયાં એ સૌ?
જા...જા, છાનુંમાનું ભૂલી જા-
લે મણ બે મણ દાણા.
લે આ માધવસિંહના પાંચ હજાર,
લે આ વાણવીશેઠના બીજા પાંચ હજાર. 
લ્યા ધરાયો લ્યા?
જા હસતો હસતો...
શકરો હોય કે ના હોય,
તું નહીં સૂવે ભૂખે...બસ.
ખેંચી કાઢ પાછો કેસ.
આમેય ગામ હામે લડવાનું ગજું નહીં તારું
સંકેલી લે ભીનું-
ને કશી ઉંહ કરી છે
તો શકરા જેવી થશે તારી વલે.

પણ રમેશભાઈ,
શાંતાબેન,
મનુભાઈ,
નારણભાઇ,

તમે ચૂપ ના રહેશો.

એમણે કરવાનાં ખૂન
ને આપણે ભરવાની શોકસભાઓ?
હજી રાખ કંઈ ઠરી નથી.હજી ચીસ કંઈ બળી નથી.
આજે શકરો,
કાલે શોમલો.
વાઘ લોહી ચાખી ગયાનું દુઃખ છે મોટું.

શકરાની ચીસો આકાશમાં ચકરાવો લે છે.
શકરાની ચીસોથી ખેતરમાં મોલ ધરૂજે છે,
ઝાડવાં કંપે છે.
જનાવર કંપે છે.

જયાં જ્યાં લોહીનું બુંદ પડ્યું
ત્યાં ત્યાં શકરે નાખ્યો ફણગો.

ભલે સળગે શકરો દેવહુમાની જેમ.
નહીં, નહીં...

હું નહીં સૂવાનો, 
નહીં સૂવા દેવાનો,
હું એ જ ઘાસની ગંજીમાં પડ્યો પડ્યો
તિખારા જેમ પ્રજળું છું.
ને રાતી આંખે જાગું છું.
જોઉં છું કોણ પાડે છે છીંડું?
કોણ દબોચે ઘેટાં મારાં?
હું તીર જેવી પેન તાકીને ઊભો છું.
આક્રોશની સરાણે સજાવી લાવ્યો છું ટાંક
પણછ ચઢાવી બેઠો છું-
પટેલ તને નહીં છોડું
પોલિટિશિયન તનેય નહીં છોડું
જો કશું કપટ કર્યું છે તો...

શેષનાગને વીંધી નાખી
પૃથ્વીનો દડો ગબડાવી પાડીશ પાતાળે.
પાકિસ્તાનના અબ્દુલ સલામ પાસેથી
અણુનો તણખો માગી લાવીશ
ને હિન્દુસ્તાનને કરીશ કબ્રસ્તાન.
બોલો દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ!
કે આફ્રિકેથી મગાવીશ મહમ્મદઅલી જેવા મુક્કાઓ-
બોલો દલિત -સીદી ભાઈ ભાઈ!
કે યુ.નો.નું હેડક્વાર્ટર હાઇજેક કરી
ઉતારીશ જેતલપુર ગામ
જો કશો દગો રમ્યા તો!

વીજળીવેગે વહેવા માંડ્યું છે રુધિર મારી નસોમાં
મારાં અંગેઅંગ ક્રોધાગ્નિથી કંપે.
મને મારું તાંડવ શરૂ કરવા દે નટરાજ!
મને મારું ત્રીજું નેત્ર ખોલવા દે મહાદેવ!
મને મારું ચક્ર છોડવા દે ભગવાન!

મને બહેરા ભગવાનને
પીડાનો પરિચય કરાવવા દે, ભગવાન!

25-12-1980માં જેતલપુર ગ્રામ પંચાયત ઑફિસે શકરાભાઈ નામના દલિત યુવકને જીવતો સળગાવી મારી નાખેલો એ ઘટના પરથી સ્ફૂરિત.

Thursday, April 13, 2023

મા મેં ભલા કે મેરા ભાઈ

તુમારે ઢેડ ફજેતે સે તો મેં તંગ આ ગઈ
તમને તો ભૂંગળ વગર કી  ભવઈ મચાયી હે
તુમારે બાબા ક્યાં ગયે કે
તમને મેરા ઘર બોડી બામણી કા ખેતર બના દિયા...

મા મેહરિયા બોત મોટા થૈ ગ્યા હે
મા સૂતરિયા બોત છકી ગ્યા હે
વાલ્મીકિયા વધારે પડતા ફાટી ગ્યા હૈ

વો મિનિસ્ટર થૈ ગ્યા હૈ
ઓર મુઝે મેયર ભી નહિ બનને દેતા
વો દાક્તર થૈ ગ્યા હૈ
ઓર મુઝે કંપાઉન્ડર ભી નહીં બનને દેતા
વો અફસર થૈ ગ્યા હૈ
ઓર મુઝે ચપરાસી ભી નહિ બનને દેતા

મહાજનમેં ભી વો
કોંગ્રેસમેં ભી વો
જનતામેં ભી વો
ભારતી જનતા મેં ભી વો
કવિતા મેં ભી વો
ઇતિહાસ મેં ભી વો
દીપડા ભી ઉસકા
હાથી ભી ઉસકા

કોલરશીપ ભી ઉસકી
સબસીડી ભી ઉસકી
લૉન ભી ઉસકી
તગાવી ભી ઉસકી
મેરા તો ચપ્પણિયા ખાલી કા ખાલી
વો તો મેરા ભાઈ હે કે પરભવ ક દુશ્મન?
ઉસકે બચ્ચે સબ હીરો બનતે ફિરતે
મેરે તો ઉકરડે ફેંદતે, મેલા ઢોતે

એ કૈસા ઇન્સાફ હે માં
એ તો સરાસર બેઇમાની હે માં
મુઝે તો બાબા કી વસિયત કા
ઇત્તાસા  ભાગ ભી નહિ મિલા
જેસે કે મેં તો આંગળીયાત-
તું તો જબરા વેરા વંચા કરતી હે માં

વો તો અબ મુઝે ભાઈ હી નહિ સમઝતા
ઉસને તો અપની ભજનમંડલી ભી અલગ કર લી
ઉસને તો અપની મહિલા મંડલી ભી અલગ કરી લી
ઉસને તો અપની હાઉસિંગ મંડલી ભી અલગ કરી લી
ઉસને તો અપની ઉદ્યોગ મંડલી ભી અલગ કરી લી
વો તો ખાડિયા કે બમ્મન બનિયાં કી જેમ
ઉસકી પડોસમેં મુઝે નહિ રહને દેતા
વો તો અપને કુ સેઠ સાહુકાર સમઝને લગા હે

તુને કેસા ન્યાય કિયા, માં?
ઉસકો તકલી દી ઓર મુઝે તંબૂરા
ઉસકો ટીપણા દિયા ઓર મુઝે તતૂડી
ઉસકો કુંડ દિયા ઓર મુઝે એ ભૂંડ?

વો તો અબ હમેં છોડ ઉજળિયાતો મેં ઘૂસ ગયા હે
વો તો સંઘ મેં હે ઓર સ્વાધ્યાયમેં ભી

અબ તુ હી બોલ માં, મેં ભલા કે મેરા ભાઈ?

તુ?ઓર તુ?ઓર વો, ઓર વો?

તું મૂઆ ઢેડ ઓર વો પીટયા ચમાર
તું મૂઆ બામણ ઓર વો પીટયા ઓળગાણા
તું મૂઆ તુરી ઓર વો પીટયા તીરગર
તું મૂઆ ઢેડખ્રિસ્તા ઓર વો પીટયા ઢેડબોઘા

તુમારે કાયમ કે ટંટોસે તો મેં તંગ આ ગઈ
તમને તો તુમારે બાબાકા નામ ડુબાડયા
ઓર મેરી કૂખ લજાઈ

ભૂલ ગયે કલ તક સબ કે ગલે મેં બંધી થી કુલડી
ઓર પૂંઠે લટકતા થા ઝાડુ?
કલ તક સબ મુડદાલ ખાતે થે
ઓર આજ મૂછાળે મરદ બન ગયે?
આજ તું દો પૈસા વાળા હો ગયા
ઓર છોટેકા ખાને લગા તો ગરુર કરતા હે?
મેહરિયા પહનતા થા માદરપાટ કા પોતિયા
સૂતરિયા પહનતા થા કેડિયા
તું પકડતા થા પૂંછડા
ઓર તું પકડતા થા ટાંટિયા
ઓર હમ સબ ટીંગાટોળી કરકે ખીંચતે થે કંકાલ
ઓર ગિધડોં કી તરહ  ભોથે કી જ્યાફ્ત મનાતે થે

વો તો અપને બૂરે દિન થે
કે કિસીને પકડા કોદાળા
તો કિસીને પકડા કુહાડા
કિસીને પકડા ફાળકા
તો કિસીને પકડા સાવરણા

તુમ ભૂલ ગયે લોગ હમેં કિતના સતાતે થે
ઓર આજ ભી સતાતે હે
ઉનકે લિએ તો તુમ આજ ભી
ઢેડિયો કી ઓલાદ હો

ભલે હી તુમ અપને કુ નીરવ પટેલ કહ લો
યા તુમ અપને કુ ગૌતમ ચક્રવર્તી કહ લો
યા તુમ અપને કુ સેમ્યુઅલ મેકવાન કહ લો

કહો મેં જ્ઞાની, ગુણિયલ,મેં ડાહ્યા 
કહો તું ગધેડા,તું ખચ્ચર,તું ડોબા
ઇઠલાઓ કે જિસ સૂતર કે તાંતણે ને આઝાદી દી
વો મેંને વણા થા!
ઇતરાઓ કે જિસ હરિયાળી ક્રાંતિકુ પાણી સીંચે
વો કોસ મેરા વેતરેલા!

મેં તુમેં કેસે સમઝાઉં કે
તુમ મા જણયે ભાઈ હો
એક વડ કે સબ ટેટે
એક મગકી ફાડ જેસે

કલ તક મેં સબકુ બાંટ ખિલાતી થી
ઓર આજ તુમને બિલ્લી-વાંદરાના ખેલ બનાયા
અનામત કી એંઠ ખાનેકુ
તુમ ભાઈ ભાઈ ભોંકને લગે
એક દુસરેકુ કરડને લગે

તુમ ભૂલ ગયે કબીરદાદાકુ?
તુમ ભૂલ ગયે રૈદાસદાદાકુ?
તુમ ભૂલ ગયે માયાદાદાકુ?
ઓર ઇતની જલદી ભૂલ ગયે બાબા કી વાત?

તુમ સયાને હો
તો અપને અનપઢ ગંવાર ભાઈ કા ખ્યાલ રખો
તુમ બડે હો
તો થોડા બડપ્પન દિખાઓ
તુમ તગડે હો
તો દૂબલે કો થોડા જ્યાદા દો
સબ હિલમિલ કે રહો
સબ મિલજુલ કે રહો

ભેડિયે તો તાકમેં હે
તુમેં દુબારા જંગલમેં ખદેડ  દેન્ગે
તુમ રાન રાન ઓર પાન પાન હો જાઓગે
તુમેં ચાર પાંવ સે નીચી મૂંડી
ચલાયેંગે વો
તુમારે બાબા કી વસિયતકો દુબારા વાંચો:

ઓર આજ કે બાદ કભી મત પૂછો
કે મેં મોટા કે મેરા ભાઈ
નહિ તો  ચિલ્લાઉંગી ભરી બજાર-
તું મૂઆ ઢેડ ઓર વો પિટયા ચમાર!

હું તારી પ્રતીક્ષા કરું છું


હું તારી પ્રતીક્ષા કરું છું :  

તેં અંજલિ ભરીને અમૃતવાણી છાંટી 
ને સવર્ણ શાપથી શલ્યા બની ગયેલા 
ખંડેર ખોળિયાં મહોરી ઊઠ્યાં.
તેં વસ્તી વસ્તી વિદ્યા વાવી 
ને એની આભાથી ઉજળી થઈ અછૂતોની ઓલાદ.
તેં સાવરણી વીંઝી વાળી કાઢ્યા
કૂડા-કચરા ઉકરડાનાં ઢગ 
ને કાદવિયાં કલેવર ચોખ્ખાં -ચણાક થયા.
તેન બંધારણને ચોપડે લખ્યા છઠ્ઠીનાં નવા લેખ.
ને પેટીયાને મળ્યા પગ 
વેઠિયાને મળી વાચા 
પાંગળાને મળી પાંખો
આંધળાને મળી આંખો.
વાડેથી છૂટેલા વાછરડાઓની જેમ 
સૌએ માંડી કૂદાકૂદ.
જોમ મળ્યું, જુવાની મળી,ઉલ્લાસ મળ્યો, આશા મળી
ને લોકો અગણિત સૂરજ-નક્ષત્રોને પામવા 
હડિયાદોટ કરી મૂકી.
કોઈએ ખાદી ટોપી માથે મૂકી.
કોઈએ અંગે ખાખી વરદી પહેરી લીધી 
કોઈએ ટેબલ-ખુરશી બોટી લીધાં
તો કોઈએ દલિત કવિતા ગાવાને મશે 
મોઢે મેક અપ કરી 
દૂરદર્શનના રૂપેરી પરદે જાતને મઢી લીધી!

પણ દલિત દીન- દુખિયાંની થઈ ચૂંથાચૂંથ.
બળિયાના બે ભાગ જેવી !
માંની-મેથી, અમથો-તખી,
સેનમાં-નાડિયા, ભંગી-હાડી 
સૌ ખીણમાં પડ્યાં સબડ્યા કરે, કણસ્યા કરે
ને તોયે છેલ્લા દમ લગી 
ભીમધૂન  રટ્યા કરે:
બાબાસાહેબનો જયજયકાર!

કોઈનાં માથાં વઢાય,
કોઈના કાળજાં વધેરાય,
કોઈનાં ભોથાં ભડભડ બળે.
કોઈની આબરૂ વાટે-વગડે , ચોરેચૌટે લૂંટાય.
કોઈના માથે મળનાં માંડવા હજી મહેકે,
કોઈની હાંડલી દેવતા ઝંખે.
ને કોઈ અનામતિયો એપાર્ટમેન્ટનાં દીવાનખાનામાં
એ ચિચિયારીઓની જુગુપ્સાને ભૂલવા 
રંગીન ચેનલની તલાશમાં આળોટયા કરે.

આ હાલ છે તારા સંઘર્ષના શમણાંનાં, 
તારી મુક્તિના મનસૂબાના
.તારાં અંતેવાસીઓનાં અંતર રુએ અનરાધારે!
તું તો કવચ-કુંડળ વગર 
એકલવ્ય જેવી આરાધનાથી 
ઉપેક્ષિત ને એકલવીર રહીનેય જૂદ્ધે ચઢ્યો હતો.
કાશીના પંડિતોથી ઠુકરાયેલો તું 
વિલાયતી વિધ્યાપીઠોને સેવતો હતો!
તેન તાતાં તીર મારી કૂલડી સમેત 
અમારા ગળાનો ડૂમો વીંધી કાઢ્યો હતો
ને વિષાદવાણીની આદિમ સરવાણીઓ ફૂટી નીકળી હતી.

મહોલ્લે મહોલ્લે વાલ્મીકિ ને રૈદાસ પુનર્જીવિત થયા હતા.
દલિત કવિતામાં આક્રંદ અને આક્રોશનાં ડમરું વાગતાં હતાં.
પણ આજે છગનભાઈની રેલી 
ને મગનભાઈની મહારેલીમાં 
બેન્ડ-બગી ને નેતાઓનાં સામૈયાં  થાય છે તારે મશે.
આજે જયજયકારનાં બુલંદ નારાઓના ઘેનમાં 
દલિત દિવાળીનો ઉત્સવ ચાલે છે.
ને ‘संघम सरणं  गच्छामि’ ની હાકલ ડૂબી ગઈ છે એમાં.
હજારો મણનાં હારતોરામાં
તારી દિશાદર્શક  આંગળી ઓઝલ થઇ રહી છે.

આજે ચૌદમી એપ્રિલનાં પરોઢિયે
હું ૧૦૦૮ ખટારાઓથી શણગારેલી શોભાયાત્રાની નહિ
હું કોઈ એકવીસમી સદીના અલાઉદ્દીનનાં 
બિલોરી સૂરજની નહિ
બલકે તારા પુનરાવતારની પ્રતીક્ષા કરું છું
મારા દીનબંધુ, મારા દલિતમિત્ર !
 આ સારંગપુરનું બાવલું ફાટો 
,એના કણકણમાંથી પાવક પ્રજળો
એની પ્રસાદી ઘરેઘર પહોંચો.
તારું પુનરુત્થાન થાઓ આ પથ્થરના પાળિયામાંથી 
તારી સંવેદનાઓનો અમને ફરીથી સાક્ષાત્કાર થાઓ.
ભૂલ્યાં-ભટક્યાં ફરીથી પોતાનાં ભાંડુઓને ભેટે.
તું  આ કાળી રાતના ગર્ભને ચીરીને 
તારાં બાળકોમાં અવતાર થઈને અવતર.