Friday, April 14, 2023

મારા ભાગનો વરસાદ

કોને ખબર
લાંચિયા દેવની જેમ તે યજ્ઞયાગથી રીઝે છે 
કે લંપટ જોગીની જેમ 
હળોતરે જોતરાયેલી 
કુંવારી કિસાનકન્યાઓના નવસ્ત્રા નાચથી?
પણ જ્યારે તે ખરેખર વરસે છે 
ત્યારે તેઓ તો છત્રી નીચે જાતને છૂપાવી લે છે
કે કરી કાઢે છે કારના કાચ બંધ 
કે કાગળની હોડીઓ તરતી મૂકે 
જુએ છે મેઘધનુષ્યના રંગીન તમાશા.

મેઘરાજાની બધી મહેર જાણે તૂટી પડે છે મારા માથે
વીજકડાકા ને વાવાઝોડા સમેત.
બોજ વહી વહીને થાકી ગયેલા ઊંટની જેમ 
ફસડાઈ પડે છે મારો કૂબો ,
ને ગારમાટીનો રેલો બની વહી જાય છે 
ગોરધન મુખીની ખેત-તલાવડીમાં. 

મેઘો મંડ્યો છે:
જમના કાંઠે ગામ આખાની ગાયો ચરાવવા કાનિયો ગયો છે
ને ભર્યે ભાદરવે ભાણી પહેરેલાં લૂગડાં ધુએ છે વારાફેરી .
માસ્તરની નિશાળમાં ધોધમાર વરસાદ વરસ્યો’તો 
ત્યારે તો તણાતી કીડી માટે
કબૂતરે ય ચૂંટ્યું’તું પીપળાનું પાન!
મનેય હૈયાધારણ 
કે વરુણદેવના વધામણે આવ્યા’તા તેમ 
તેઓ તરાપે તરતા તરતા 
કે પવનપાવડીમાં ઊડીને ય નાખશે પાશેર ધાનનું પડીકું.

પણ તેઓ તો જેજેકાર કરતા રહ્યા જળબંબાકારનો!
એમના યજ્ઞકુંડો ભેલા ઉભરાયા અમારા ચર્મકુંડો ય –
ઉપરવાસ ને હેઠવાસ ,
એમ લોક આખાનું પાણી લૂંટી લૂંટી 
એમને તો સંઘરી લીધાં
નદીનાળાં ને નહેરતળાવ.
કોઈએ વાવ્યા વોટરપાર્ક
તો કોઈએ ઉગાડ્યાં એક્વેરિયમ.
કોઈએ સીંચ્યા કમોદ-જીરાસરનાં ધરુવાડિયાં 
તો કોઈએ પકવ્યા કલદાર પાણીને પાઉચમાં ભરી ભરી.
કોને ખબર મારા ભાગનો વરસાદ 
કોના ખેતરમાં વરસતો હશે?
કોને ખબર મારા ભાગની ફસલ 
કોણ લણતું હશે?
કોને ખબર વાદળાં તો 
મેં વાવેલા ઝાડવે ઝપટાઈને વરસી પડ્યાં’તાં
કે મૂઠી મકાઈ વેરી દુકાળિયા દહાડા કાઢવાના 
મારા સપને?

કોને ખબર?

બાબાસાહેબ દેવ થઈ ગયા

એ સવાર હશે 6ઠી ડિસેમ્બર1956 પછીના કોઈ દિવસની.
મારી એકડિયા નિશાળની સામેના ચોરે
અમારા ગોળના ગોવિંદ બારોટ
કરુણ રૂદનવાળું મરશિયું ગાતા હતા:
'ભીમરાવ સ્વર્ગે સિધાવિયા..'

એમના રાવણહથ્થાની ઘૂઘરીઓય ઝીણું ઝીણું રોતી હતી.
જરૂર એમના બાપા કે દાદા મરી ગયા હશે:
બિચારા કેવા અનાથ 
બની ગયા છે!

રિસેસમાં પાણી પીવા મહોલ્લે પહોંચ્યો
તો રાતપાળી કરીને આવેલ મોટાભાઈએ પોક મૂકી:
'બાબાસાહેબ દેવ થઈ ગયા..'

આજે 6ઠી ડિસેમ્બર1991.
ભીમવંદના થાયછે, ભીમભજનો ગવાય છે
ભીમગરબા ને ભીમરાસડા લેવાય છે
સારંગપુરની ભીમદેરીએ ભીમપારાયણ ચાલે છે:
કોઈ કમળ લઈને આવે છે,કોઈ ત્રિશૂળ લઈને આવે છે
કોઈ હાથીએ બેસીને આવે છે,કોઈ રથે ચડીને આવેછે
કોઈ ભૂરી ભીમધજાઓ ચઢાવે છે
તો કોઈ ભગવા ભીમનેજાઓ ધરાવે છે
લત્તે લત્તે ભીમભૂવાઓ ડાકલાં નગારાંઓ  વગાડે છે
ને નવલખાં નૈવેદ્ય ને નારિયેળ
પોતાના ઘર ભણી પધરાવે છે
કોઈ તાજા લોહી ભરેલા કળશ ને કુંભ
છેક બેલછી બિહારથી લાવે છે
ને ભીમધૂણામાં હોમે છે.

'ખરેખર બાબાસાહેબ દેવ થઈ ગયા, મોટાભાઈ?'

સંસદ સદસ્યાનો સોગંદ વિધિ

હું ફૂલન દેવી, એક દલિત નારી
ભારત માતાના સોગંદ ખાઈને કહું છું 
કે હું એની તન મનથી સેવા કરીશ, રક્ષા કરીશ.

હા, મેઁ ચંબલમાં બેરહમ રંજાડ કર્યો હતો,
૨૧ ઠાકુરને એકસામટા વીંધી નાખ્યા હતા.
એમણે ગીધડાંની  જેમ મને ચૂંથી હતી,
મોઢે ડૂચા મારી મને ભોગવી હતી સાગમટે.
ગમ આખ્ખાની વચ્ચે 
ભર બપોરે નાગી ફેરવી હતી મને .

હું ભારત માતાના સોગંદ ખાઈને કહું છુંકે 
હું એની કન્યાઓના શિયળની 
લોહીના અંતિમ બુંદ લાગી રક્ષા કરીશ.

હા, હું અંગૂઠા છાપ છું.
કારણકે મારા વડવાઓના અંગૂઠા કાપી ગયા હતા કપટી  બ્રાહ્મણો .
હું આ બુઠ્ઠા અંગૂઠાની છાપ ભૂંસવા 
આજથી એકડિયાસદનમાં પ્રવેશ લઉં છું.

હું સોગંદપૂર્વક કહું છું , મારી વહાલી ભારત માતા
કે  એક દિવસ
તારા પવિત્ર નામને અપવિત્ર કરતા સૌ જુલ્મગારોની 
હું નાગી પરેડ યોજીશ રાજપથ-જનપથ પર 
ને લાલ કિલ્લાથી  ઘોષિત કરીશ
નૂતન આઝાદ દિવસ.

જય હો ભારત માતા.



પોસ્ટમોર્ટમ

એની નાભિમાંથી ના મળી કસ્તૂરી.
એની ત્વચાને ઘણી તપાવી,
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો.
અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!
એના મસ મોટા જઠરમાંથી 
ના મળ્યો સાચા મોતીનો ચારો.
એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી
ના મળ્યું પુરાણનું એક પાનું ય.

એના કોહી ગયેલા કાળજામાંથી
ના મળ્યું સૂર્યવંશી શૂરાતન.

એના પોઇઝન થઈ ગયેલા હૃદય રસમાંથી
ના મળ્યું એના પુણ્ય એ કમાયેલું અમૃત!
એના અણુ એ અણુ જેટલા ટુકડા કરી જોયા
પણ એની છઠ્ઠી ઇન્દ્રિય ના મળી તે ના મળી.

હા, એના વિશાળ હૃદયમાંથી 
મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય.
એની અંગુલિઓને છેડેથી 
મળી આવ્યા નહોરનાં મૂળ.

એના સ્ફટિક જેવા ચોકઠાં હેઠળથી 
મળી આવ્યા ત્રિશૂળીયા દાંત,
એની આંખો
મગરનાં આંસુથી આંજેલી હતી.

એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં 
થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ.
એ એક આર્યપુરુષના મમીનું
પોસ્ટમોર્ટમ હતું.

નોંધ: આજે પોસ્ટ કરેલ વિશ્વકવિતા 'મરણોત્તર શબપરિક્ષણ' નોબેલ પ્રાઈઝ મળ્યું છે એવા ગ્રીક કવિ ઓડિશયસ એલિટીસની રચના આ સાથે વાંચો. એક વિશ્વકવિતામાંથી પ્રેરણા પામી દલિત કવિ પોતીકી રીતે કેવી વાત કરી શકે છે એનું નીરવભાઈની કવિતા ઉત્તમ ઉદાહરણ છે. 
ખાસ નવોદિત કવિઓએ વિશ્વકવિતા અને ભારતીય દલિત કવિતા વાંચવી એવો આગ્રહ છે.

ફૂલવાડો

ફરમાન હોય તો માથાભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે ?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે ?

ગામ હોય ત્યાં ફૂલવાડો  તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાની જેમ પાંગરતાં.
કદીક રાતરાણીની જેમ છૂપાંછૂપાં સુવાસ રેલાવતાં,
કદીક નરગીસની જેમ મૂગાંમૂગાં રડતાં.
પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવા.
રંગ તો એવા કાઢે કે પતંગિયા ને પણ પ્રેમમાં પાડે.
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,
બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમ :
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કોલેજોમાં
જાણે એમનાં ઉચ્છશ્વાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો.
રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ.
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને,
કચડી કાઢો, મસળી નાખો
આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?

આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં  પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાત છે પૃથ્વીનાં.
રેશમના કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.
એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે ?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે ?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

હું ન ડોશી


૧.
હાળા, ચાલી-પચ્ચા વરહથી બખાળા કર સ
પણ કશ્શો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમાં.
બે-પાંચ વરહ થયાં નથી 
ક આ આયા મત માગવા ! 
માળી, કશ્શી ગતાગમ પડતી નથી --
આટઆટલા મત જાય સ ચ્યાં ?

કે'સ ક આ વખતે તો વા'લો નાંમેરી ઊભા સ ...
હું કે'સ માંણહ હારો સ.
કે'વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી 
ગરીબ-ગુરબાનાં કાંમ કર સ ... 
પણ આ રાખ્ખશોમાં બાપડાનું હું ગજું ?
બોલ ડોશી, ચ્યમ કરવું સ આ ફેર ?

તમે તો જનમના ભોળિયા, ડોહા --
વૈતરાં કૂટી ખાવ.
હાંભર્યું સ માથાદીઠ દહ મલ સ ?
અન ગાંઠિયાનું પડીકું સોગા મ.
મોટર મેલી જાય ન લૈ જાય. 
ઘૈડે - ઘડપણ જીવી લો બે ઘડી,
પોટલી પાંણી પીવું હોય તો પી લો.
વા'લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ --
પણ મત તો મનુભૈ ન.
જાવ, જૈ ન ભાવતાલ કરી આવો,
કે'જો ક બે સ:
હું ન ડોશી. 

૨.
ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા'ર આલવા હોય 
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં'તર કોથળે પાંચ આલ સ. 
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.

ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો' દહાડો ચઢ સ 
ન ડોશી ખોટી થાય સ...
પાપમાં પડવાનું સ, 
પણ બોલ્યું પાળવાનું સ. 
એટલે મત તો પાકો મનુભૈન .
વા'લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ.
બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.

પટેલ લાડુ

હળવદનો બામણીયા લાડુ તો નરી લાડુડી -
પટેલ પાવરનો વાવટો ફરકાવતો
 ઉંચે ઉંચે આકાશને આંબે એવો
 પટેલ લાડુ તો સાચ્ચે જ બન્યો
 ગીનેશ બુકમાં ગોઠવાય એવો..!

દેશવિદેશના પટેલ ગાડાં
જાણે એક્સામટા ખાબક્યાં પટેલખળામાં.
ઘી - સાકર ને મેવાથી લચપચ
 મહા મહામણ લાડુનાં દર્શન કરીને
 મોદીજીના પાંચ કરોડ ગુજરાતીઓ
 ને તોગડીયાજીના ૮૫ કરોડ હિંદુઓના
 મોમાં પાણી આવી ગયાં :
આખી દુનિયાનો અન્નદાતા
 ને સારાએ જગતનો તાત -
એનો લાડુ સૌ ને પુગે એવો,
ખાધે ખૂટે નહી એવો જ હોય ને !

સૌ ને સંભારી સંભારી
 પટેલ લાડુની પ્રસાદીના પડિયા ને
 પતરાળા વહેંચાવા માંડ્યા :
આ લંડનના લેઉઆ પટેલને ત્યાં,
આ કેનેડાના કડવા પટેલને ત્યાં,
આ આફ્રિકાના આંજણા પટેલને ત્યાં,
આ આંતરસુબાના અમીન પટેલને ત્યાં
 આ કાળી ગામના કણબી પટેલને ત્યાં,
આ કરમસદના કાછીયા પટેલને ત્યાં,
આ કેસરડીના કોળી પટેલને ત્યાં,
આ કોંગ્રેસના કેશુભાઈ પટેલને ત્યાં,
આ બીજેપીના નરહરીભાઈ અમીનને ત્યાં..
આ દુધિયા ડેરીના માલિક રબારી પટેલને ત્યાં,
આ બગસરા જવેલર્સનાં માલિક સોની પટેલને ત્યાં,
આ ગાંધીનગરના જ્યોતિષી ભીખાભાઈ જોશી પટેલને ત્યાં,
આ 'પટેલ બ્યુટી પાર્લર' વાળાં પીન્કીબેન વાળંદ પટેલને ત્યાં,
આ બરોડાના બિલ્ડર મણીભાઈ માફિયા પટેલને ત્યાં,
આ વિસનગર બેન્કના ભોળીદાસ પટેલને ત્યાં,
આ 'પટેલ પોલ્ટ્રી ફાર્મ' વાળા પ્રવીણભાઈ પટેલને ત્યાં,
આ ' નિર્દોષ બીડી ' નાં માલિક પરભુદાસ પટેલને ત્યાં,
આ કિડનીના વેપારી ડો. કરસનદાસ પટેલને ત્યાં,
આ સ્વામીનારાયણ સીડીના ડાયરેક્ટર સત્સંગીભાઈ પટેલને ત્યાં..

સૌ મોં વકાસીને જોતા રહ્યાં
 ને પટેલ લાડુ તો ૩૫ લાખની પટેલ બિરાદરીમાં વહેચાઈ ગયો.!
મોંહે મોંહે સૌ ગણગણવા માંડ્યા :
પટેલ તો અમેય છીએ, અમે કેમ નાત બહાર ?
હું ય પટેલ ભાયડો છું,
ભરૂચનો અહેમદ ભીખાજી પટેલ
 હું ય પટેલ છું,
સંજાણનો સોરાબજી બરજોરજી પટેલ
 હું ય પટેલ છું,
આણંદ ઓર્થોડોક્સ ચર્ચનો પાદરી
 રેવ.ફાધર સિલાસ જ્યોર્જ પટેલીયા..
હું ય પટેલ છું,
વ્યારાનો તમારો વેવાઈ ઓતમ આદિવાસી વસાવા પટેલ
 હું ય પટેલ છું,
 દશકોશી રોહિત સમાજના જ્ઞાતિ પટેલનો દીકરો નીરવ પટેલ
 હું ય પટેલ છું,
ઉમીયામાતાના આંગણાને અજવાળનાર વાલ્મીકી પટેલ
 હું ય પટેલ છું,
પન્નાલાલ પટેલના માનસપુત્ર કાનજીની પ્રિયતમા
 જીવીની કુખે જન્મેલું અનૌરસ સંતાન
 હું ય પટેલ છું, મુખી કે મતદાર ના હોવા છતાંય
 તારી જેમ ગામ આખાની લુખી પટેલાઈ કરું છું.

હું ય પટેલ છું,
એક વખતનો તારો શેઢા પાડોશી પાટીદાર -
મારી યે વીસ વીઘાની પાટ હતી
જે વાણિયાના ચોપડે ડુબી ગઈ..!

તને યાદ છે ?
મારી જેમ તારા ઘરનું પાણીય
વાણીયા ભરામણ પીતા નહોતા તે દી ?

તને યાદ છે ?
મારી વળગણીએ સૂકવેલી વલુરીઓ ખાઈને
આપણે છપ્પનીઓ કાળ કાઢેલો ?

તને યાદ છે ?
તારો ધોળીઓ ધોરી અને મારો કાળીઓ ધોરી
 ને આપણી સુંઢલ ..?

આદમ બાબાની ઔલાદ આપણ સૌ
આખી પૃથ્વીના પાટીદાર આપણ સૌ

તને યાદ છે ? -
પૃથ્વીને કશા આટાપાટા જ નહોતા ત્યારે તો ?
તારી નાત આટલી નાની ના કર પટેલીયા
તારી જાત આટલી ઝીણી ના કર પટેલીયા
મુઠ્ઠી ધાન માગી જા ઘરદીઠ
પટેલ લાડુ બનાવ મોટ્ટો મોટ્ટો 
માંણસદીઠ પ્રસાદી પહોંચે તેવો,
પૃથ્વીના ગોળા જેટલો..

  નયા માર્ગ / ૧૬/૦૨/૨૦૦૬