Monday, April 17, 2023

મે આઈ હેલ્પ યૂ

'સાહેબ...સાહેબ...
કહેતાં જીભ નથી ઉપડતી 
પણ...પણ...
ના બનવાનું બની ગ્યું.
જુલમ થઈ ગ્યો સાહેબ.
મારી બૈરીને.. 
મારી બૈરીને બદમાશોએ અભડાવી સાહેબ.'

"સાલા,તારી બૈરી દેખાવે જ વેશ્યા લાગે છવા
ને તું ભડવો.
એમ કહે ને
કે બૈરી જોડે રાતના બાર વાગે ધંધો કરાવે છે
ને હપ્તા ભરતો નથી."

"ના...ના...સાહેબ, ના.
અમે તો સાહેબ 
ગરીબ માણસ
ઠેઠર બહાર
ખરા બપોરથી મધરાત લગી
પાણી વેચી પૈસો ભેગો કરીએ
ત્યારે ખાવા પામીએ.
અમે ગરીબ ખરા
પણ પરસેવો પાડીને પેટિયું રળીએ.
અમે એવું ના કરીએ સાહેબ.
ભગવાન બધું જુએ છે ઉપરથી
ને અમનેય આબરૂ વહાલી છે સાહેબ.
નાતમાં વાત જાય
તો નાતબહાર થઈ જઈએ
ને રાતોરાત છોકરાં લઈ
કૂવો પૂરવો પડે...
સાહેબ.'

"સાલા, પણ એમાં વાતનું વતેસર શીદ કરે?
ખાવાની ચીજ હોય
ને બે બટકાં ભર્યાં
તો એમાં તારું
કે તારી બાયડીનું
શું ઓછું થઈ ગયું?"

'સાહેબ, ખમૈયા કરો
પણ આવું ના બોલો.
દાઝયા ઉપર ડામ ના દો.
તમારે ઘેર પણ 
મા બહેન દીકરીયું હશે સાહેબ...
લગીર વિચાર કરો સાહેબ.'

"લે મેલ બધી પળોજણ.
બાંધી મુઠી રાખ
ને ચાલ
એ બદમાશો જોડેથી અલાવું
એક પત્તી દસની
ને થઈ જા ઘર ભેળી."

'ના, સાહેબ ના.
અમે કાંઈ પૈસાનાં ભૂખ્યાં નથી. 
અમારી ફરિયાદ લખો
એટલી જ મહેરબાની.'

"જો કાળ પેલું
પશલીની મા રઈલી
રોતી રોતી કહેતી'તી-
કેલિકો મિલના ભૂંગળા જેવું
ને પાંચ રૂપૈડી?
મારી કૂણી કાકડી જેવી છોડી
બોલો, પોસાતું હશે સાહેબ?
ને એને ય કરી આપી
દસની પત્તી.
ઢેઢનું મન તો ઢોકળે રાજી-
તું લેજે બે પત્તી, બોલ રાજી?"

'સાહેબ, આવી વાતો કરી
અમને ના શરમાવો.
લાખો મનખાવતારમાં
કોઈ રઈલી ય હોય
ને કોઈ પશલી ય હોય
એ તો ભગવાન જ જાણે!
પણ સાહેબ,અમારી ફરિયાદ લખો.'

"અહાહા...
એમાં મોટા ઘા પડી ગયા
તે ફરિયાદ લખો.
અમે કંઈ તમારા માટે નવર બેઠા છીએ?
રાવ તો એવી કરે છે
જાણે ઢેઢવાડો આખો ભડકે બળતો હોય?
કહ્યું કે
એક નહિ તો બે પત્તી 
નહિ તો પકડ ચલતી...
હાળાં ઢેઢાં તો 
ખરાં મોંએ વળગ્યાં છે!'

'નખ્ખોદ જજો તારું...
સપૈડા,
તારી બાયડી ને છોરાં
બધ્ધાં ફાટી પડજો,
આમ ગરીબનું કાળજું શેકયું
તે ભગવાન
તારું ધનોતપનોત નીકળી જજો.
બે કાંડાનું બલ ય ના દીધું ભગવાન
નહિ તો બધાને ફૂલે બળતું કરત.'

"ઊભાં રહો, ઊભાં રહો.
ભગવાન કે જમાદાર-
કોઈને ગાળો ભાંડવાથી કશું નહિ વળે.
અહીં તો મંત્રીથી માંડી સંત્રી
સૌ પત્તી ને હપ્તાની વાત કરે છે.
તમારી વાત હું લખીશ પેપરમાં.
લખીશ કે સ્ત્રી દાક્ષિણ્ય, નારીસ્વતંત્ર્ય, નાગરિક અધિકાર
બધાને ઠેબે ચઢાવે છે આ લોકો.
PUCL કે CPDR કે ABCD કે XYZ
કંઈ બંદૂકની ગોળી કે એસિડના બલ્બનાં નામ નથી
કે કોઈ એના નામે મૂતરે.
પણ તમે કેવળ એક કામ કરો
જતાં જતાં 'મે આઈ હેલ્પ યૂ'ના બોર્ડ પર
'મે આઈ હર્ટ યૂ'નું 
નવું બોર્ડ ચઢાવતા જાવ."

અમે સેકન્ડ કલાસ સિટિઝનો

મારી વહાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી,
ભારોભાર આભાર તારા ભાવભીના આમંત્રણનો.
અમે જનમ જનમના હિજરતી,
અમે માઈલોના માઈલોના પગપાળા પ્રવાસી,
અમારાં વિતકની વાત માંડવા
અમદાવાદથી મુંબઈની મેરેથોન પણ પાર કરી લઈએ.
તારે ગળગળા થવાની કાંઈ જરૂર નથી
મારી વહાલી રાંકડી મુંબઈ યુનિવર્સિટી!

તારા હાથીકાય બજેટ પર બહુ બોજ પડતો હશે
પંડિતો ને આચાર્યોનો,
સાક્ષરો ને સારસ્વતોનો,
દિન, ફેલો ને ચાન્સેલરોનો!
તારે તો  મૂલ્યવાન શાલો ઓઢાડવાની હશે
ટોળા, ઘોંઘાટ ને અવજોના એબ્સર્ડ કવિઓને.
તારા શહેરની સેંટૂર ને શેરેટનના સ્યૂટ
બુક કરવાના હશે 
વિઝીટીંગ પ્રોફેસરો માટે.
બાલની ખાલ ઉતારે તેવાં ઝીણાં ને સૂક્ષ્મ સંશોધનો
તારે ફિનાન્સ કરવાનાં હશે.

મારી વહાલી કંગાળ મુંબઈ યુનિવર્સિટી,
અમારા વાળુ કે ઉતારાની ચિંતા-ફકર ના કરતી
આભાર તારા શહેરની ફૂટપાથોનો,
વખાના માર્યા આવેલા અમારા ભાંડુઓ ભેળા રાતવાસો કરી લઈશું.
દલિત કવિ નામદેવ ઢસાળના
ગોલપીઠે પડ્યા રહીશું.
તું તારે સરભરા કર તારા જ્ઞાનપીઠ ગુર્જરેશ્વરોની.
અમો તો રાતભર રઝળીશું ગ્રાન્ટ રોડની ગલીઓમાં,
પૂછીશું ખબરઅંતર અમારી પાંજરે પૂરાયેલી યેલામ્માઓની,
ધારાવીની ઝૂંપડપટ્ટીમાં
લતીફ ખટીકની લારી ઉપર
પાઉં-ખીમાનું વાળુ કરી લઈશું.

મારી વહાલી ગરીબડી મુંબઈ યુનિવર્સિટી,
અમો તો તારી લીલીછમ 
લૉનમાં
ગંદી ગ્રેફીટી જેવા અક્ષરો માત્ર.

તું તારે કુલીન કવિઓ,
અભિજાત ઍકેડેમિશ્યનો
ને ભદ્ર ભારતીઓનાં આતિથ્યની તૈયારીઓ કર.

જો કે સપનાં તો અમને ય આવે છે સુખનાં-
કેવાં હશે વાતાનુકૂલિત વાહનો ને વિશ્રામગૃહો!
પણ તું દિલગીર ના થતી મારી વહાલી રાંકડી મુંબઈ યુનિવર્સિટી!

તેં તો અમારું ભાવભીનું સ્વાગત કર્યું છે
સેકન્ડ કલાસની ટિકિટથી.

અમને યાદ આવે છે 1962ની સાલની એક સવાર:
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં
જેમ્સ મેરેડિથ નામના પ્રથમ અશ્વેત વિદ્યાર્થીનો પ્રવેશ.
કુ-કલકસ-ક્લેનનાં ધોળીયાં ગીધડાંઓ ઘૂમરાયાં છે ચહુદિશ.
પણ કેનેડી કેમ્પસમાં તોપો તેડાવે છે
આકાશમાં હવાઇદળનાં હેલિકોપ્ટરો ચોકી કરે છે
અમેરિકાએ આખી તિજોરી ધરી દીધી છે એક અશ્વેત નાગરિકના સ્વમાન માટે!

અમને યાદ આવે છે
દલિતોના બેલી 'લા મિઝરેબલ'ના લેખકનું ઘર
ફ્રાન્સની સરકારે સાઈલન્સ ઝોન જાહેર કર્યો છે:
પ્લિઝ ડોન્ટ ડિસ્ટર્બ,
વિકટર હયૂગો ઇઝ વર્કિંગ.

મારી પ્રિય પામર મુંબઈ યુનિવર્સિટી,
તારાં દળદર ફેડવા અમે અંગૂઠા તો ઠીક
શિર ધરી દઈશું તારે ચરણે
મરાઠાવાડાના દલિતોની જેમ.

તારું નામાન્તર કરીને
અમે નાલંદા કે તક્ષશીલાનું ગૌરવ બક્ષીશું કદી.
તારા દૈન્ય પર શરમાવાની કાંઈ જરૂર નથી
મારી પ્રિય પામર મુંબઈ યુનિવર્સિટી
તેં તો અમારું સ્વાગત કર્યું છે
સેકન્ડ કલાસની ટિકિટથી.

હૉર્મોન્સ

હું તો મારા બાપનો દીકરો છું-
તો પછી મારી નસોમાં દીપડાનું લોહી કેમ ઘૂરકે છે?
હું તો મારી માનો દીકરો છું-
કોઈએ એની કૂખ પર લાત મારતાં
લોહીના ખાબોચિયામાં હું ઢેખાળાની જેમ 
ડફ દઈને જન્મ્યો હતો!
લોકો તો કહે છે
એ અનાથ માંસના લોચાને
અગ્નિનો કણ માનીને
આંબેડકર ઋષિના આશ્રમે ઉછેરવામાં આવ્યો હતો.
લોકવાયકા તો એમ પણ છે
કે માર્ટિન લ્યૂથર કિંગ નામના
એક શ્વેત આત્માના હોર્મોન્સ
એના રક્તમાં 'સામાજિક પ્રયોગ' રૂપે ચઢાવ્યા હતા!
એ બધું તો ઠીક,
પણ હું તો મારા દાદાનો દીકરો છું-
મારી સાળના કાંઠલામાં જીવતો બૉમ્બ લઈને
હું આ શી રમતે ચઢ્યો છું?
અરે , મારું ઝૂંપડું સળગી જશે
કે કોઈ પાડોશી દાઝી જશે તો?
તો પછી મારી રગોમાં કેવું લોહી દોડે છે?
બિચારો મારો બાપ તો મસાણિયો-
એણે બહુ મડદાં બાળ્યાં'તાં.
હું મારા બાપનો દીકરો છું-
એટલે શું મારે જીવતાં મનેખ 
બા...ળ... વા...નાં...?

Sunday, April 16, 2023

સ્વપરિચય

કોઈક દિવસ અતિથિ થઈને આવ, સવર્ણા.
મારી વ્યથાને પામવી હોય તો
અછૂતનો સ્વાંગ રચી આવ, સવર્ણા.

જો તારા શહેરથી આપણા ગામનો માર્ગ-
સૌથી ઊંચી હવેલીને ટાળો દઈને આવજે,
ત્યાં તો વારાફરતી સંભોગાય છે
અમારી નિરાધાર અબળાઓ!
એ જમીનદાર તો ગામનો રાજા-
એ અસ્પૃશ્ય તો શું
જુવાન કૂતરીને પણ છોડે એવો નથી!

ગામની ભાગોળની પરબનું પાણી ના માગતી-
તને ખોબો વાળી પાણી પીતાં આવડે છે?

જો ત્યાં મારું ઠેકાણું ય ના પૂછતી.
નહિતર કોઈના નાકનું ટેરવું ઊંચું થશે,
કે કોઈની આંખોમાં ઉમટી આવશે ઘૃણા.

ડાબે જમણે નજર નાખતાં
રાખે માનતી કે
એટલામાં હશે ક્યાંક મારું ઘર!
અહીં તો રહે
બામણ,કણબી,કોળી,કુંભાર,મોચી.

બસ, હવે આ ખાઈને ઓળંગ
એટલે પેલા ટેકરા પર
ઝાડમાં દટાયેલાં જણાશે ઝૂંપડાં.
એનાં નળિયાં પર બેઠું હશે
એકાદ ગરધન કે કલીલ
કે આંગણામાં બે ત્રણ કૂતરાં
ચગળતાં હશે હાડકાં.
કાળા વાન ને વામણા દેહ,
ને અડધાં ઉઘાડાં ડિલ !
હા,સવર્ણા એ બધા જ  મારા ભાંડુઓ છે.
મા ઘરમાં ગાયના ઘૂઘરા શેકે છે,
બાપુ કુંડના ખારામાં ચામડાં ફેરવે છે,
આ ચોગાનમાં કોસ વેતરે છે તે કાકા,
આકડો ને આવળ ભાંગવા ગઈ છે ભાભી,
ને નાનકી તો ગાગર લઈ ગઈ છે તળાવે.

બસ, સવર્ણા હવે નાક ન દબાવ.
ગંદકીથી ગૂંગળામણ થાય ને ચીતરી પણ ચઢે.
પણ જો હું તો અહીં દૂર
લીમડાની નીચે ખાટલો ઢાળી
વાંચુ છું પાબ્લો નેરુદાની કવિતાઓ!
હું ય આ ટાપુ પરનો એકાકી માનવી છું.
,

ધર્મચક્ર

(પ્રસ્તાવના)
હું ને મારી પીંજારણ રાબિયા
કામઠી ની દોરની જેમ ધરૂજતાં ધરૂજતાં 
એ મોટા માણસોનાં મહોલ્લામાંથી પસાર થતાં હતાં
ને ચોગરદમથી સૌ અમને ઘેરી વળ્યાં.
અમારી કાકલૂદીઓ ને 
કિકિયારીઓ વચ્ચે
અમારા ગાંસડાના રૂ ગાભા સાથે
અમને દીવાસળી ચાંપી દીધી.

હું ને મારો ભેરુ અબ્દુલ
ગામડેથી શહેરના મોટા દવાખાને
અમારા ભાંડું ની ખબર કાઢવા આવ્યા હતા.
ખાટલો મળતો ન હતો,
કોઈ મારગ બતાવતું ન હતું,
અમે ગાભરા ગાભરા આમતેમ ડાફોળીયે ચઢયા હતા.
ને અમારી પૂંઠે પડેલાઓએ દેકારો કર્યો:
આ લોકો ખૂન કરવા આવ્યા છે!
ને અમે ગભરાટમાં ભાગંભાગ કરવા લાગ્યા.
ત્યાં ટોળાએ અમને ટીંગાટોળી કરી
ઊંચકીને ત્રીજા માળથી ભોંય પર પટકી દીધા.
અમારું પ્રાણપંખેરું ઊડી જાય તે પહેલાં તો
ભોંય રાહ જોતા એમના ભાઈબંધોએ
અમારાં ભાંગી ગયેલાં હાડકાં પર
કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી...

હું ને મારું કુટુંબ -ગની, લતીફ,રઝિયા અને ફાતમા
મેઘાણીનાગરના અમારા ઘરમાં
થરથરતાં-કાંપતાં લપાયાં હતાં
ને ટોળાં અમને ફરી વલ્યાં.
માળે માળે માલસામાનને આગ લાગી.
અમે અલ્લાતાલાને બંદગી કરતાં હતાં
ને બંધ ઘરમાં આગ ઘૂમી વળી.
ને અમે ભડથું થઈ ગયાં...

(કવિતા)
ધર્મભ્રષ્ટ કરવાની જેહાદમાં
દફન ને બદલે અગ્નિદાહ દીધો એ ધર્મઝનૂની ટોળાઓએ.
ને અમને જન્નતને બદલે અહીં આ સ્વર્ગ મળ્યું.
રાજા તો એનો એ જ છે:
કેવળ અલ્લાહ ને બદલે ઇશ્વર નામે ઓળખાય છે અહીં.
એટલે રંજ હવે વટાળનો નહિ, પુનર્જન્મનો છે!
વળી કોઈ વિધર્મી ટોળાની બર્બર તબાહીના ઇન્તજારમાં
અવતરવાનું.
પછી કબરમાં,
પછી ચિતા પર,
પછી દફન, પછી દહન,
ને એમ ધર્મચક્રના ખપ્પરમાં ખપ્યા કરવાનું!

Saturday, April 15, 2023

કૉલેજિયન શબરીની વ્યથા

ગ્લાસ નાઈલોનની સાડી પહેરી,
માથામાં કોપરેલ ચોળી,
બગછાપ સાબુથી સ્નાન કરી,
કૉલેજમાં જતી અમારી શબરીઓની સુક્કીભઠઠ આંખોને તળિયે
સૂકાય છે બોરબોર જેવડાં આંસુ-
તમારા સવર્ણ રામાઓની ગલીચ છેડતીથી.
અમારી અસ્મિતાને ઊંચકવા અમે શું કરીએ?
અમારા વગડાઉ વ્યક્તિત્વને કેમ કરી વેગળું મૂકીએ?
નામ બદલીએ?
અટક બદલીએ?
ગુજરાતી સાડીને અવળી વીંટીએ?
સંસ્કાર બદલીએ?
ધર્મ બદલીએ?

પણ ઇતિહાસ તો બદલી  શકાતો નથી
ને ગરીબીને ફગાવી શકાતી નથી!
તમારી જેમ અમે ઋતુઓને
ફ્લેટ બહાર રાખી શકતા નથી-
એ સતત વરસે છે,
બેફામ ત્રાટકે છે,
ને ચારે બાજુના વાયરા વાય છે
અમારી કાણી છત ને કાણી દીવાલોમાંથી.
અમારાં લૂગડાંમાં ધૂંધવાય છે
ગોટાતા ધુમાડા
ને છાપરાંમાંથી વરસતી ધૂળ.
અભણ માની માવજત વગર
અમારા સૂક્કા, ભૂખરા, બરછટ
વાળનો ઢાળ કંઈક વિચિત્ર છે!
દૂધ, મલાઈબકે વિટમિન્સ વગર નભતા
અમારા દેહ તમારાથી જુદા જ છે!
પણ તમે ક્યારેય ગણી છે
બાજરીના રોટલા
ને ડુંગળીના ગાંઠિયાની કૅલરી?
અમારો રુક્ષ ને કાળી ચામડી તો ધોમ ધખતા સૂરજ હેઠળ 
કેડ તોડતા વડવાઓનો વારસો!
કૉસ્મેટિક્સના ભાવથી ડઘાયેલાં અમે
લેટેસ્ટ કે ફૅશનેબલ બનવા જતાં પકડાઈ જઈએ છીએ!
અમારી તળપદી ભાષાને ફગાવી
અણિશુદ્ધ ભાષા બોલવાનો
ચીપીચીપીને પ્રયત્ન કરીએ છીએ
ને પકડાઈ જઈએ છીએ!

અફસોસ! ઇતિહાસ બદલી શકાતો નથી!
અમે અમારું ભવિષ્ય બદલીશું -
આવતી પેઢીનો ઇતિહાસ બદલીશું.

દલિત દંપતીને ઠાલો દિલાસો

(1)
ઉકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,
રાજા રાંમની જેમ.
એટલે વારે વારે ના મેળવી જો મગલના ચહેરાને
તારા કે તારા વડવાઓના ચાડા હાથે.
ને બચારી બાયડીને મારી મારીને અધમૂઈ ના કર.
ઊકા! મર્યા ઢોરના આંચળ ય મેઠા લાગે...
રે'વા દે, બાયડીને  બચારાં બચ બચ ધાવશે છોરાં.
ને અડે કાંઈ અભડાઈ જવાય,ઊકા?
બાપડી બાયડીને  આડી વાટે આંતરે
તે કાંઈ એનો વાંક-ગનો?
ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય...
ઊકા!સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?
જો ને આ ધરતી-
સૂરજના પહેલા ખોળાની પોરી!
કેવી ખાબડખૂબડ,
કેવી કાબરચીતરી,
કેવી અંધારી ને અધકચરી!
ઊકા!એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં
ઝાઝો ફેર નથી એ વાત હાચી;
પણ એમ તો કેટલાંય કણબાં, કોળાં
કલાડીની મેંશ જેવાં હોય છે-
લે કહે, એ બધાં તેં  જન્યાં'તાં, મેં જન્યાં'તાં?
ખોળે કે ખભે બેસાડી ગેલ કરાવે
એ મોતિયો કે મીંદડી તેં જન્યાં'તાં?
ઊકા!જણનારી તો જનેતા
પણ ગોકુળિયામાં તો પાળે એ પિતા કહેવાય
વાલના બી ભેળો વટાણો આવે
તે કાંઈ વીણી કઢાય,ઊકા?

કામનો ને બોલનો ભાગિયો
એ તો  કાલ મોટો થઈ
જશે આકડે કે આવળિયે
ને સૌ સારાં વાનાં થશે.

ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે
રાજા રાંમની જેમ.
કાં તો તાકીને મારવું પડશે તીર
કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર
ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર.

(2)

મેઠી!મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી સીતાની જેમ.
એટલે વાડે ને વગડે
કે ઝાડે ને ઝાંખરે
છેડો તાણીને લોહીના ઉકાળા જેવો વલોપાત ના કર.

એ તો બાપડો વખાનો માર્યો
બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા
કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય.
તને કૂખમાં શૂળની જેમ કળતા
એ કણબીના કણાને ધવરાવતાં જોઈ
ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય
ને વખતે ધોલધપાટે ય કરી બેસે...
નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?

પણ કણબીની વાડી
કે કાળુભાનો કૂવો
કે કોળીનો કૂબો- 
ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઉછરે
તે બધુંય ગળી જવું પડે:
રાતી નજર
ને કાળી દાનત ય.

પણ મેઠી!
ઢેડ ઢેફા જેવો ધૂળીયો તો ય ધણી
ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી
ઊભો રાખે એવો એ તો...
એના આદમીની આમન્યા તો નંદવાઈ ને?
પણ મેઠી!
બચ્ચું તો બાળારાજા.
ખ્રિસ્તી બાવો કહે છે ને
કે ગમાણે જન્યા એ પરભુ કહેવાયા
ને વહેતી છાબડિયે  જડયા એ રાજા કહેવાયા!
એ તો કાલ દાઢીયાળો થઈ  તારી પડખે ઊભો રે'શે.

તું જ જો ને-
મા કાળકાનો પછેડો  ન'તો પકડ્યો પતૈએ? 
ને બઈ જસમાનો છેડો ન'તો ઝાલ્યો રાજા સધરાજે?

તોય કાંઈ પાલવડે પડ્યા ડાઘ?
એમની તો પત રહી
ને એ...લોકમાં પંકાય ને પૂજાય.
મેઠી! મન તો તારે મોટું જ રાખવું પડશે;
સતી સીતાની જેમ.
કાં વગડાની વાઘણ 
કે જંગલની જોગણી થઈ
ખપ્પરમાં લેવાં પડશે બધાં કણબાંકોળાંકાળોતરાં.