Tuesday, April 18, 2023

અરણ્યરુદન

જાનવરો કંઇ જંગલમાં જ નથી હોતાં-
આપણી પડોશમાં પણ રહે છે.
શિંગડાં વગરનાં જાનવર,
પૂંછડાં વગરનાં જાનવર, 
ન્હોર વગરનાં જાનવર,
બેપગાં જાનવર,
અદ્દલ માણસ જેવાં જ જાનવર.

આ જાનવરો કલગી જેવી રૂડી રૂપાળી સંજ્ઞા ધારણ કરી નાગરિક અધિકારો ભોગવે છે.
ક્યાસરેક ઠેકડા મારતાં ખિસકોલીનાં બચ્ચાં જેવાં
આપણાં શિશુઓ પર
તેઓ ડાઘીયા  કૂતરાંની જેમ તૂટી પડે છે.
ક્યારેક લોહીના ભરેલા કુંભ જેવા
આપણા જુવાનિયાઓને ફાડી ખાય છે.
એમને શમણાંમાં પણ આવે છે આપણા માંસની ગંધ.
વાડામાં પૂરેલાં ઘેટાંની જેમ તેઓ
આપણને એક ખીણમાં ધકેલી સબડાવ્યા કરે છે
ટાપુ જેવા તરાપા પર ધકેલી
તેઓ આપણાં સઘળાં લંગર કાપી નાખે છે-
ને આપણે જોજનો દૂર ધકેલાઈ જઈએ છીએ સંસ્કૃતિથી.

ત્યારે જાનવરો વચ્ચે જીવતા રહેવું
એ પણ બની જાય છે એક કસોટી.
જાનવરોને બાયોલોજી,
હિસ્ટ્રી કે એન્થ્રોપોલોજી
ભણાવી કેળવી શકાય એમ નથી
ને આપણે અનુભવોમાંથી જાણ્યું છે  કે
કોઈનો શાપ ફળતો નથી
પછી તે ગમે તેવા હૃદયના ઊંડાણમાંથી નીકળતો હોય,
કોઈનું નખ્ખોદ જતું નથી,
કોઈને મૂઠ વાગતી નથી
માતાની માનતા માનવાથી.
ચિત્કારને ક્યાં ચાંચ હોય છે?
આહના શિખરે ક્યાં હોય છે આગનો ભડકો?
નિ:શ્વાસ તો નર્યા ઉચ્છવાસ નું નામ છે
ને ગાળ તો હળવી ફૂલ જેવી
તથા વાળ જેવી નિરૂપદ્રવી છે
ધિક્કારના ધક્કે કોણ ડૂબી જાય છે?
લાવા જેવા ધગધગતા શબ્દો
છેવટે તો થૂંકનો પર્યાય બની જાય છે-
ને ઝાકળની જેમ અદ્રશ્ય થઈ જાય છે
કોઈનેય ભીના કર્યા વગર.
નર્ક જેવા વાડામાં પડ્યાં પડયાં
કણસ્યા કરવું
કે જંગલમાં જઇ ઝાડ-પંખીઓ આગળ રુદન કર્યા કરવું-
એનાથી ક્યારેય આકાશ તૂટી પડતું નથી
કે ધરતીકંપ થતો નથી.

આપણી વેદનાની જ  સૌથી વિશેષ હાંસી કરે છે
આ જનાવરો,
ગમે તેટલી કુશળતાથી ફેરવો તો પણ પેન બહુ બહુ તો
કાગળ પર વેદનાનું એક કાવ્ય જ રચી શકે છે.

પણ એ જ પેનની નીબ
કોઈની પણ ચામડીમાં ભોંકાય તો સાક્ષાત વેદનાનો અનુભવ કરાવી શકે છે.
જો કે આમ તો કવિ એટલે કૃષ્ણ.
કર્મથી જ દારિદર્ય ભાગે છે
કર્મથી જ અસ્મિતા જાગે છે.
1978 વર્ષ પછી તો હશે કોઈ 'અવતાર' એવી
ઠગારી આશાથી તો
શેતાન જાનવરનાં છોકરાં જ નવધે છે.
હવે તો જાનવરોની બેફામ ભેલાડ ચાલે છે-
ને એમની આણ હેઠળ આપણે
વાઘબકરીનું સમૂહજીવન જીવીએ છીએ.
હવે તો આપણાં શામળાં શરીર
નદીના વહેતા જળમાં જોવાનો પ્રસંગ પાકી ગયો છે.
જુઓ,એનો પડછાયો ય કેવો પડછંદ છે?
ને એ વિશાળ ભૂજાઓ ને જંઘાઓ તો
ગુપ્તપણે ઝંખે છે સવર્ણ કન્યાઓ!

જાનવરો અગ્નિથી ડરે છે.
જાનવરો મશાલથી ડરે છે.
જાનવરો ચપટી ધૂળથી ડરે છે.
જાનવરો ટટ્ટાર આંગળીથી ડરે છે.

આંગળી જ રસ્તો ચીંધે છે:
ઘચ્ચ દઈને ઘોંચી દો તમારી સળિયા જેવી આંગળી
ને જુઓ આરપાર થઈ જાય છે રસ્તો.
આંગળીઓની તાકાતથી જન્મે છે વજ્ર જેવો મુક્કો.
જાણો છો ને કે
મુકકાબાજ મોહંમદ અલી કાળો છે પણ ગુલામ નથી.
જાનવરના કપાળમાં તકતીની જેમ જડાઈ જાય છે 
આ મુક્કો.
આંબેડકરના  નાગરિક સમાનતાના કાયદાને તો જાનવરો શિંગડે ચઢાવે છે.
એટલે મનુની વાત જ સાચી છે:
માર જ ચૌદમું રતન છે.
આપણી હંલ્લીમાં ન માય એવા 
એ જાનવરોને સુધારી કાઢો શાકભાજીની જેમ.
જાનવરો વચ્ચે જીવતા રહેવું
એ એક કપરું કામ છે.
પણ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આશાવાદ છે:
અંતે તો
જાનવરો જ મરી જશે
Survival of the fittest,
ને માનવી જીવી જશે
હવે અરણ્યરુદનને અલવિદા કહો.


એક પ્રેમ-કવિતા

તારે તો નિર્લેપ ને નિષ્કલંક જ રહેવું છે ને?
પારાની જેમ પલળયા વગર
જળકમળવત!
એપ્રન હેઠળ છરી છુપાવી
કોઈનાં કૂણાં કાળજાં ચીરવાં
ને તોય લોહીના ફૂવારા સ્પન્જમાં શોષાઈ જાય...
બસ તો તો કાળો કામળો જ ઓઢ નંદી.

નર્સ કે નન
સિસ્ટર કે મેટ્રન
ટેરિઝા કે નાઇન્ટિંગેલ- 
બધા જ પ્રેમના પર્યાય છે
ને કરુણાની જ સંજ્ઞાઓ છે.

પરી જેવા શ્વેત યુનિફોર્મમાં તું આવે છે
ત્યારે કેઝ્યુઅલ્ટી વોર્ડનો કણસાટ ઘડીભર શમી જાય છે.
તું નાડી પકડે છે ને ઠરી ગયેલું રુધિર પીગળીને રેલાવા માંડે છે.
ફૂલપંખુડી જેવી એ સુકુમાર અંગુલિઓ
મોરપીંછ જેવી શાતા આપે છે.
પણ બસ એ શુભ્ર કલગી પરનો
રાતો ક્રોસ તારે માથેથી ઊતરે
ન આનંદિની,
ન ઉલ્લાસિની.

લૉબીમાં કણસતા રક્તપિત્તિયા પર પડે તારી નજર,
પણ હું સૂરજમુખીના ફૂલની જેમ તારી પૂંઠે પૂંઠે રઝળું ને કરમાઉં.

તારા સફેદ સ્કર્ટની પલ્લીઓમાં
સંતાકૂકડી રમી થાકે મારી રુગ્ણ કીકીઓ.
પાંસળીઓની વચ્ચે ટૂવવા માંડે
દૂઝવા માંડે હૃદયની ગાંઠ.

નંદી, એક વાર, અંતિમ વાર
ચઢાવ તારો યુનિફોર્મ.
હું પણ અહીં વોર્ડ નં.4નો પેશન્ટ છું.
જો મારો કાર્ડિયોગ્રામ-
છે ને બધું વેદનાનું જાળું,
ગંઠાઈ ગયેલી લાગણીઓ,
ફોસીલ થઈ ગયેલાં શમણાં,
અરમાનોનાં કંકાલ!

નંદી, બસ મારી વ્હિલચૅરને એક ધક્કો તો માર-
કદાચ આ ઢાળના મૂળમાં જ હશે સ્વર્ગ,
નંદી,અહીં બધે અંધારું છે
ને મારી વૉકિંગ-સ્ટિક, મારાં કેલિપર્સ અને તું-
તમે બધાં ક્યાં છો?

કવિની પ્રેયસી

તું તો કવિની પ્રેયસી છે ને ?
એટલે જ મૃગજળથી ભીની ભીની રહે છે સદા.કવિના શમણાંએ આંજી છે તારી આંખી,
એટલે બધુંય તને સ્વપ્નમય ભાસે.

તારા નામનો પર્યાય અંધારા આકાશમાં ટમકે
ત્યારે તને તારું નામ યાદ આવે છે?
તારા નામની નાન્દીથી ઊઘડે તારા કવિની કવિતા.
એના તખલ્લુસનો ત
કે તારાનો ત કે તારો ત-
પણ એમ જ સતત ખીલે ને બિડાય
એક તરસની કવિતાનો ત.

ખરે જ તારા ઘેલા કવિએ
નર્યા આભાસનું નામ જ રાખી લીધું છે પ્રેમ.
તું સ્ત્રી નથી,
તારા કવિની કવિતાનો એક અલંકાર માત્ર છે.
તને શી ખબર પડે
ઉર્વશીના લોહીની ભરતીનાં મોજાંનો ઘૂઘવાટ?
તું તો 'કવિની પ્રેયસી'ના ગૌરવમાં ગળાડૂબ,
તારા કવિના ખીચોખીચ શબ્દોના કળણમાં ખૂંપેલી-
શબ્દોમાં જ સંવેદન તું માણે. તું કેમ કરી જાણે
શકુન્તલાના સ્તનોના કંપનની વાણી?
પ્રણયની ગૂફ્તેગોથી તો ખીલે કે કરમાય કર્ણફૂલ-
પણ તારો કવિ તો યક્ષની જેમ
મોઢે માઇક મૂકી મેઘદૂત જોફે કરાવે પ્રેમનો પ્રચાર.
કવિ તો ક્યારે સ્વપ્ન થઈને આવે
ને ક્યારે ધુમ્મસ બનીને છાયે!
બધુંય કણ કણ થઈને વેરાઈ જાય,
તારી પાસે તો રહી જાય દદડતી આંખ.

કવિ તો સંસારેય ભોગવે ને કવિતા યે કરે,
પણ કવિના છંદે તારાં તો બધાંય વાનાં બગડે.
એટલે જ કહું છું-પાછી વળી જા...
આ તે શી લત પડી ગઈ લવ કરવાની!
-અને તેય કવિથી!
હવાની જેમ કવિ તો હાથમાં આવે કદી?
ને તો પછી હૈયામાં કયાંથી પૂરાય?

તારે પ્રેમમાં જ પડવું'તું
તો ક્યાં નો'તા આપણા ગામના ધીંગા ગોવાળિયા:
કરસન,કાનો ને કનૈયો.
એ..ય તું નદીમાં પડે ને કાનો તારાં કપડાં ચોરે!
બોલ કેવો કિલ્લોલ!તો જા પદ ઊંડા ધરામાં થઈ નવસ્ત્રી.
ગોવાળિયાઓને તો આવે તારા શરીરની ગંધ
મત્સ્યગંધાની જેમ.

તારા લોહીના ઉષ્ણ થનગનાટથી
એમની બરછટ ત્વચાને ફૂટે છે રોમાંકુર.
એને જ પાર્થિવ ભાષામાં કહેવાય છે પ્રેમ.
ને તારો કવિ એની કલ્પના કરી રચે છે કવિતા.

અહીં ધરતી  પર જ છે પ્રેમ,
કવિતાના સ્વર્ગમાં તો છે એક કોરા સુખનું છળ.
એટલે તો શાપ વહોરીને ય
અપ્સરાઓ આવી પડે છે પૃથ્વી પર.
અહીંની માટીમાં રોપી જો તારાં ચરણ
ને જો તું કેવી મ્હોરે છે વેલી થઈને:
નવપલ્લવિત,ફુલ્લકુસુમિત.

તું છોડી દે કવિના સૂના આકાશમાં રઝળવાનું,
વાદળાંના પવનપોચા સ્પર્શ કરતાં
કરસન ગોવાળની બાથમાં ભીડા
તો ખબર પડે મીઠી માયાની મીઠી પીડા.

તારું રિસાવું તો બાળક જેવું-
એકાદ ઉપમાનું ઝાંઝર પહેરાવે તારો કવિ
ને તું રાજી ને રેડ!
પણ કનૈયો તો આખો દી વગડે ફરે
તને ખભે બેસાડી.
નદીકાંઠે તું સખીઓને કાનમાં કહીશ
એ જ વાતોનું નામ પડ્યું નેડો.

For Adults Only

વર્કર છું, એમ્પ્લોયર શોધું છું
સ્કિલ્ડ વર્કર છું:
માર્ક્સ નહિ તો વાત્સ્યાયનને ઓળખું છું
દેશી ઈંગ્લીશ,અમેરિકન ચાઈનીઝ
અરે!ફ્રેન્ચ પણ જાણું છું.

વર્કર છું, એમ્પ્લોયર શોધું છું
સાંજ ઢળે સજી ધજીને નીકળું છું
વિધવા છું પણ સિન્થે સિંદૂર
ને કાજળ બિંદી ય કરું છું.

ધંધાનો ટાઈમ થઈ ગયો
બેબીને બ્રેસ્ટ ફીડિંગ કર્યા વગર જ નીકળી છું-
દૂધના ઘૂંટડા છલકાય
તો પાન પિચકારી સમજી થૂંકી દેજો.

Women's empowermentની હવા જામી છે
ને ફેમિનિઝમના જમાનામાં ફુલ્લી લિબરેટેડ છું.
છડેચોક કહેવા દો:
સેક્સ વર્કર છું,એમ્પ્લોયર શોધું છું.

રિલીફ રીડ,રીચી રોડ,આશ્રમ રોડની ગલીકૂંચીમાં ભટકું છું.
રૂપાલી, એડવાન્સ નેટરાજના નાકે રઝળું છું.
સર્કિટ હાઉસમાં કોઈ નથી, પરિષદ ચાલુ છે.
કોલેજ હોસ્ટેલો ખાલી છે,વિદ્યાર્થીઓ વેકેશનમાં છે.

કવિઓ રંગીન છે પણ કડકાબાલૂસ છે ગુરુદત્તની જેમ:
કહે છે કે તાજું જ લખેલું મુક્તક ચોરાઈ ગયું છે
ને હવે મહાકાવ્યનો વદાડ કરે છે.

વર્કર છું,એમ્પ્લોયર શોધું છું.
સેક્યુલર છું,સોશ્યાલિસ્ટ છું,
નથી હું રેસીસ્ટ
કલર-કાસ્ટ-ક્રીડ કશામાં નથી માનતી.રામ પણ ચાલે, રહીમ પણ ચાલે,
ક્લિન્ટન પણ ચાલે,કાલિદાસ પણ ચાલે.

એમ્પ્લોયર મારો પરમેશ્વર
ને ગ્રાહકનો સંતોષ મારો મુદ્રાલેખ.

ઓર્ડર્સ રેડીલી સર્વ્ડ
કૅશ એન્ડ કેરી
હોમ ડિલિવરી પણ હાજી
હોટેલ ડિલિવરી પણ હાજી.
આસન  તમારું,ઑરગૅઝમ તમારું
સેડીસ્ટ હશો તો સાટકા ખાઈશ
મદિરા લઈ આવશો તો સાકી ય થઈશ.
હું તો યોગિનીની જેમ જલકમળવત:
કામ પત્યે મને વહેલી દેજો વિદાય:
રાહ જુએ છે ઘેર દૂધ પીટી દીકરી.

અર્થશાસ્ત્રીઓ કહે છે
લિબરલાઈઝેશન ને ગ્લોબલાઈઝેશનથી રોશન છે રાતો.
બધી ઈન્ડસ્ટ્રી ઠપ્પ છે
પણ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં છે તેજીનો ભડકો.

ILO કહે છે કે હું વર્કરની વ્યાખ્યામાંઆવું છું
ને લેબર વેલ્ફેર લૉઝ ને લાયક છું,
સપનું તો છે કોઠે નહિ, કડિયાનાકે નહિ
પૉશ કૉમર્શીયલ કોમ્પ્લેક્સમાં કોર્પોરેટ ઑફિસ ખોલું.
વેબસાઈટ બનાવીને e-mail થી બુકિંગ કરું,
લવલાઈન કે ચુલબુલી ચેટલાઈનના નેટવર્કથી વિશ્વવ્યાપાર કરું.

નિરોધ નહિ વાયગ્રા વહેંચવી છે લત્તે લત્તે
Sita ની ઐસી તૈસી
May I Help You નું બોર્ડ લગાવી harass કરતા પોલીસને
હવે નથી તો આપવા હપ્તા કે નથી આપવી ફ્રી સર્વિસ.

દાસી નથી હું,દેવદાસી નથી હું
એક રીસ્પેકટેબલ વર્કર છું
એક સ્પેશ્યલી સ્કિલ્ડ વર્કર છું.
બ્લ્યૂ કૉલર નહિ તો ન સહી,
વ્હાઇટ કૉલર નહિ તો ન સહી.
મને રેડ રીબન વર્કરનું નવું સ્ટેટ્સ આપો.
મને માત્ર નવું નામ નહિ, સ્વમાન પણ આપો.

હવે તો વેશ્યા...સૉરી સેક્સ વર્કર વેતનપંચ બેસાડો.
એપ્રેન્ટિસના લાભાર્થે
જ્યોતિષશાસ્ત્રની જેમ યુનિવર્સિટીઓમાં
કામશાસ્ત્ર ને કોકશાસ્ત્ર પણ ભણાવો.
STD AIDS ની સોગાદ ને બદલે
કૉન્ડમનાં ગિફટ હેમ્પર આપો.
એક એક વર્કરને બેડ-એટેચડ બાથની સાથે સાથે
attached creche ને કિન્ડર ગાર્ડન પણ આપો.
LTC ને Maternity Leave ના લાભ પણ આપો.

હવે બગાવત કરી છે,
Women's day ની કાજળકારી રાતે ઉદઘોષણા કરવી છે:
'Sex workers of the world, unite.
You have nothing to lose
Except your chastity chains.'

Monday, April 17, 2023

તું જાણે છે કે...

તું જાણે છે કે
સાળવીએ વણેલાં રેશમિયાં પોતથી
કે મેહરિયે વેતરેલા મૃગલાની મશકથી
માણસનું હૃદય સર્જી શકાતું નથી.
એટલે તેં દ્વિજોત્તમ પુરુષોત્તમ પાછળ ઘેલા થવાનું મૂકીને
શિરાઓનાં સૂતરથી જનોઈનું તાંતણો વણવો વ્યર્થ માન્યો હતો.
તું જાતના જન્માક્ષર નહોતી ગોઠવતી.
તું જાણે છે કે
લોહીમજ્જાથી ધબકતાં હૃદયનો
એક જ જાતગુણ હોય છે:
સ્પંદન!
એટલે તેં જાતીલા હીરાવેધ
ને નાતીલા મત્સ્યવેધ મૂકીને
તારી કાયાને પણછ ચઢાવી પડઘાવી શકે
એવા કોઈ શબ્દવેધને પામવા
તારા અંતરના એકાંત ખૂણે
સ્વયંવર યોજ્યો હતો
ને મદાયત્તમ તુ પૌરુષમ્ ની હાક મારતા
એક કવિની-દલિત કવિની માયાને માળા પહેરાવી હતી.
એ ચાંડાલપુત્ર ને તું મેઘવાળની કન્યા.
ને સૃષ્ટિ પર હાહાકાર મચી ગયો હતો:
અનુલોમ કે પ્રતિલોમ?
પણ તું જાણે છે કે
પ્રેમ જ પાર્થિવ ને પેગંબરી હોય છે.
માણસ માણસ વચ્ચેના વૈમનસ્યને વિચલિત કરે છે
ને તું જાને છે કે
વાડાઓ ઘેટાંબકરાંના હોય છે-
માણસના વાડા
ઢેઢવાડા કે ચમારવાડા જેવા સંકિરણ નહિ
બલ્કે વિશ્વ જેવા વિશાળ હોય છે:
વસુધૈવ કુટુંબકમ.
તારા પિતાની અંતિમ યાત્રાના શોક-સરઘસમાં
તને સામેલ ન થવા દઈ
ભલે તેઓએ સવાઈ 
સવર્ણગીરી દાખવી.
પણ તું જાણે છે કે
વિલાપ એ અંગત ને અમૂલ્ય સંવેદના છે
ને અરણ્યરુદન જેવી વિષાદી કોઈ અભિવ્યક્તિ નથી.
તું જાણે છે કે
જેઓએ તને ગાળોનો વરસાદ વરસાવી,
ધક્કા મારી હડધૂત કરવાની કોશિશ કરી
તેઓ ભિક્ષુ આનંદની કરૂણાની કસોટીની જેમ
તારા પ્રેમની પરીક્ષા કરી રહ્યા છે.
તું જાણે છે કે
તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે?
તું જાણે છે-
તેઓ જ્યારે જાણતા થશે
ત્યારે વસંત રજબની વિશાળ ને વિરલ મૈત્રી જેવા
આપણા સ્નેહનું સ્મારક રચાશે.

ફીલ ગુડ

કાંક ફીલી ગુડ ફીલી ગુડ કે'સ
સરકાર માબાપે આ હારો ગૅસ સોડયો સ
તે બધ્ધુ હારુ હારુ લાગ સ.

સિસોટી અજવાળવા જઈએ
તો બારીમાંથી ડોકિયું કરીએ
તો માંય કાચના પટારામાં રંગોના ફૂવારા ઊડ સ.
હીન્ડિયા શાંઇનિંગ... હીન્ડિયા શાંઇનિંગ...
એવા હોબાળા હંભળાય સ.
ભારત ઉદોય... ભારત ઉદોય...
એવાં ગાણાં ગવાય સ.
જ્યાં જુઓ ત્યાં
સરકાર માબાપનો જેજેકાર વર્તાય સ.

સરકાર માબાપ તો કે'સ-
ઊડાડો પતંગ જેટલા ઉડાડવા હોય એટલા
ઉતરાણ ક હરાધ કશું જોયા વગર.
શૌકાર લોક તો ચઢ્યું એમની મેડીઓ ન મોલાત પર
જલેબી ન ઊંધીયાના થાળ ભરી.
આખ્ખું આકાશ ગોરંભાયું સ કેસરિયા ઢેલાથી.
અમાર ગલિયાના બાપા ય ગેલમાં આઈ જ્યા
તે પસાડયું વાળુનું શકોરું ભોંય ભેળું-
ઢઢઢો તૂટેલી ફૂદીન હાંધી હાંધી
ઠુમકા માર માર કર્યા હાંમા વાયરે
ન ભૂશે પેટે;
તે પૂંઠેથી ચડ્ડીના ટેભા ય તોડી આયા.
બળ્યું નૈણા કોઠે અહવું ક રોવું?
છોરાં તો વાટ જુવ ક અમણાં
એંઠી પતરાળી ઊડીન પડશે અંકાશેથી
પતંગની જેમ.

સરકાર માબાપે આ હારો ગૅસ સોડયો સ:
ફીલી ગુડ... ફીલી ગુડ... 
પણ ફૂદીની હંઘાત ચોથિયું રોટલોય વહેંચ્યો હોત
તો તો મજા પડી જાત પતંગ ચઢાવવાની હઉન.

સરકાર માબાપ તો કે'સ
ગરબે ઘૂમો રાત ને દિ
નવરાત ક શિવરાત કશું જોયા વગર.
શૌકાર લોક તો શી.જી.રોડની દુકાંનો લૂંટી લાયું'તું
ગોધરાનાં રમખાણોમાં;
તે છેલછબીલાં ને ફૂલ ફટટાક થૈ
જે ગરબે ઘૂમે... જે ગરબે ઘૂમે..
કુંવરબૈના મામેરાની અરજીય અમાર તો
આ ફીલી ગુડ ગૅસમાં ચ્યાંક ઊડી જૈ.
નાગેપૂગે નાચવું ય ચ્યમનું ભૈલા-
નહિતર અમાર નાંની તો પદમણીન પાસી પાડ એવી સ.

સરકાર માબાપે તો કાંઈ જાત્રાઓ કાઢી સ
કાંઈ જાત્રાઓ કાઢી સ, ભૈસાબ!
એક ફરો ત્યાં બીજી જોડ...
કોક શાંમજી કરસણ વરમા ના હાડકાંની હાંલ્લીની જાત્રાય ફરતી ફરતી આયી'તી અમારા વાહમાં;
તે હઉની હારે અમેય દરશન કરી આયાં.
બળ્યું અહવુંય આવ સ-
હાડકાંમાં હું જોવાનું ઢેડભૈન?
સરકાર માબાપે કોક જનાવરનું હાડકું આલ્યું હોત તો કાસમ કહૈ આલત રૂપિયા દહ;
તો આખ્ખો દા'ડો ફીલી ગુડ ફીલી ગુડ થઈ જાત!

પે'લાં તો ભવૈ ન ભવૈડા જોતાં'તાં,
અવ આ નવતર જોણાં:ફીલી ગુડ...ફીલી ગુડનાં
સરકાર માબાપ કે'સ

રેવાંજીના રેલા અવ તો ગાંમ ગાંમ પૂગશે;
કાવડ ભરી ભરી નાખો કુંડમાં
ક પખાલ ભરી ભરી નાખો પાયખાનામાં.
નરબદાનાં નીર ભાળી
જીવ તો બૌ હરખાય સ.
પાણી ભેળાં કટકો ભોંય પણ આલી હોત
તો સરકાર માબાપ
ફીલી ગુડ ફીલી ગુડ થૈ જાત અમાર ય
પટેલના ફારમની જેમ અમાર ય લીલી નાઘેર!

સરકાર માબાપે આ  ગૅસ તો હારો સોડયો સ-
પણ પરપોટા ફૂટવા માંડ્યા સ
ન ગંધાવા માંડ્યો સ આ 
ફીલી ગુડ ગૅસ.
ચારેકોર હઉ થૂ... થૂ... કર સ
નજરબંધી તૂટવા માંડી સ
ન પરખાવા માંડ્યો સ
ફીલી બૅડ ફીલી બૅડ ગૅસ...

'ભવની ભવાઈ'ના પ્રિમીઅરમાં

આ તો ભવની ભવૈ
જરા જોતા જજો ભૈ
જરા લાગે જો નવૈ
તોયે જોતા જજો ભૈ... ભલો ભલો થા...થૈયા!

હું તો તરગાળાનો છોરો મારા ભૈ
હું તો મેઘવાળનો માગણ મારા ભૈ
મને પેમિયરમાં ચ્યાં તેડ્યો મારા ભૈ
કેતન ભૈ, મારી તો કેમત કાંણી પૈ...ભલો ભલો થા...થૈયા!

મંશી ભૈ જાંની હું તો મૂંઝાયો મારા ભૈ
મૌન ભૈ બલોલી હું તો ગંધાયો મારા ભૈ
આ તો બળી ગંધ વહેતી થૈ 
માળી આ તો  ગંધ છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

મેં ડૂંટીએ ચોપડ્યું થૂંક
તોયે બંધ થૈ ના ચૂંક
ને એક ગંધ છૂટી ગૈ
કે એક ગંધ છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

ના ભૂંગળો એ વાગી પાં.. પાં.. પાં...
ના પિપૂડી યે વાગી પીં... પીં...પીં...
તો યે ભૈ વાત વહેતી થૈ
કે ગોબરી ગંધ છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

ભૈ રાંડ, ગાંડ ને ઘેલી
ના જુએ તડકો કે હેલી
હાળી થવાની હતી એ થૈ
કે એક ગંધ વહેતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

રંગલી, જરા જો તો મારી બૈ
આ સીટમાં એક પરી જાગી જૈ
આખા અંતરની શીશી ખાલી થૈ
તોયે હજી ગંધ બંધ ના થૈ...
ભલો ભલો થા...થૈયા!

કે ફાળકો યે માથે નૈ
કે કુલડી યે કોટે નૈ
કે ઝૈડું યે કેડે નૈ
તોયે જીવા મારી જાત છતી થૈ...
ભલો ભલો થા...થૈયા!

ને તાડૂકયો એક ઐ. ઐ. ઇમનો પ્રોફેસર ભૈ
લીટા હેઠળ ખોળતો'તો ગરીબૈ ભૈ ગરીબૈ
પેમિયરમાં આવાં પાજી!થૂ ...થૂ...વૈ  વૈ
પીટટ કલાસ ભૈ, શિટટ કલાસ ભૈ.. વૈ વૈ...
ભલો ભલો થા...થૈયા!

રંગલી, આગળ તારો બાપ બેઠો પરધાંન-
એણે ફોડી ટચાકલી કે થૈ ટીંગાટોળી
ને થૈ ટીંગાટોળી કે થૈ ટીખળટોળી
સપૈડે એક ધોલ ધરી, બે ધોલ ધરી ભૈ...
ભલો ભલો થા...થૈયા!

હું તો તરગાળાનો છોરો મારા ભૈ
ન'તો કે'તો નથી હું કૈં કલાકાર ભૈ
બબા નાયકના ટોળાનો ભૈ તરગાળો ભૈ
વિજાણંદની શેણી ભૈ, હું હોથલની પદમણી ભૈ...
ભલો ભલો થા...થૈયા!

કચ્ચકડાની ફિલ્લમ ભૈ ને કચ્ચકડાનાં દુઃખ ભૈ
અહીં તો ખરાખરીના ખેલ ભૈ, મરજીવાના ખેલ ભૈ
બત્રી લખણે બે ખાવાની, ચોત્રી લખણે ચાર ભૈ
તમારી તો કલ્લા ભૈ, અમ્મારી ભવૈ ભૈ...
ભલો ભલો થા...થૈયા!